Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

વીરદાદા જશરાજજીની શૌર્ય ગાથા ગુંજી... ધર્મલાભ લઇ રઘુવંશીઓ ધન્ય

લગ્ન મંડપ છોડીને ગૌમાતાની વ્હારે લડવા નિકળ્યા'ને શહીદીને વર્યા'તા

રાજકોટ તા.રર : શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આજે વસંતપંચમીના પવિત્ર દિવસે જ લોહર પ્રદેશના અંતિમ મહારાણા અને રઘુવંશી સમાજના આરાધ્ય વીરદાદા જશરાજજીના શૌર્યદિન હોવાથી સમગ્ર રઘુવંશી સમાજમાં ઉજવણીરૂપ ખુશીઓનો પાર રહ્યો નથી...દાદાની શૌર્યગાથા સાથે-સાથે વિવિધ ધર્મભીના કાર્યક્રમોનો લ્હાવો લઇ સૌ ધન્યતા અનુભવી રહ્યા છે.

વીરદાદા જશરાજજી ઇ.સ.૧૦પ૬માં વસંત પંચમીના દિવસે ગૌમાતાના રક્ષણ કાજે લગ્ન મંડપ પડતો મુકીને લડવા ગયા હતા. જયાં શહીદીને વ્હોરતા જ શૌર્યપુર્ણ શહાદતની યાદમાં આજે સવારથી રાજકોટ, પોરબંદર, રાણાવાવ, મોરબી, વેરાવળ, તાલાલા ગીર, જામસલાયા, ખંભાળિયા સહિતના વિવિધ શહેરો અને ગ્રામ્ય પંથકમાં લોહાણા સમાજ દ્વારા વીરદાદા જશરાજજીનું પુજન-અર્ચન, રામધુન, સંકિર્તન, સમૂહ મહાપ્રસાદ સહિતના વિવિધ ધર્મભીના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

જાણવા મળ્યાનુસાર સૌરાષ્ટ્રભરમાં વિવિધ સ્થળોએ સ્કુટર રેલી, શ્રીનાથજીની ઝાંખીના દર્શન, સત્સંગ, શસ્ત્રપુજન, મહાઆરતી, નિવેધ, જુવારી સહિત કેટલીક જગ્યાએ સમાજના તેજસ્વી તારલાઓને સત્કારવા સન્માન સમારોહ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરાયુ છે.

મોરબી

મોરબી : અહીયા વીરદાદા જશરાજજીના શહીદ દિન નિમિતે જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ ત્રિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. જેમાં સાંજે પ-૩૦ કલાકે વીરદાદા જશરાજજી પુજન તથા શસ્ત્રપુજન, સાંજે ૬ કલાકે વીરદાદા જશરાજ સેનાની સ્થાપના અને સાંજે ૭ કલાકે મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે.

ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોહાણા મહાજન, રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, જલારામ સેવા મંડળ અને જલારામ મંદિર મહિલા મંડળ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(10:17 am IST)