Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

રાજકોટના વિશિષ્ટ રેતી ચિત્રકાર બટુકભાઇ વિરડિયાનો જન્મદિન

રંગ વાપર્યા વગર કલરફુલ રેતી ચિત્રો !

વિવિધ વિસ્તારોની કુદરતી રંગીન રેતીના ચિત્રોમાં ઉપયોગઃ વિશિષ્ટ કલા ''કુદરતના રંગો અને કુદરતનો ખજાનો કુદરતને જ કેન્વાસે ઉતારે આ માણસ મજાનો''

રેતીના શિલ્પો તો આપણે જોયા છે, એના વિશે સાંભળ્યુ છે પણ રેતી દ્વારા જ ચિત્રો બહુ ઓછા કલાકારો બનાવી શકે છે. તેમાં પણ મનુષ્યના ચિત્રો ! માનવીના હાવભાવ ભરેલા ચહેરાનાં પોટ્રેઇટને છબી ઉપર ઉતારવા, એ પણ માત્ર રેતીની મદદથી, એ બહુ અઘરૂ કામ છે. આપણા રાજકોટના જ કલાકાર જીવ બટુકભાઇ વીરડીયા કોઇપણ વ્યકિતના ચહેરાને તેના હાવભાવ અને ઝીણામાં ઝીણી વિગત માત્ર અને માત્ર રેતીની મદદથી છબી ઉપર ઉતારી શકે છે.

 

રાજકવિ શ્રી કલાપી હોય કે ઓશો : નરેન્દ્ર મોદી હોય કે જવાહરલાલ નહેરૂ... તમામ વ્યકિત વિશેષ ઉપરાંત ભગવાનના અને પ્રાણીઓના પણ ચિત્રો તેમણે રેતીની મદદથી બનાવ્યા છે. તેમના આ તમામ ચિત્રોમાં માત્ર કુદરતી રેતી દ્વારા જ ચહેરાને છબી પર ઉતારવામાં આવે છે. અલગ-અલગ પ્રાંતની અલગ રંગની રેતી દ્વારા બટુકભાઇ કુદરતી કોઇપણ રચનાને છબી પર ઉપસાવી શકે છે. તાજેતરમાં જ ર૩મી તારીખે બટુકભાઇ ૬ર વરસ પુરા કરી રહ્યા છે. આ ઉંમરે પણ આટલુ ઝીણવટભર્યુ અને ધીરજની કસોટીરૂપ આવુ કામ ખુબ જ ચોકસાઇપુર્વક તેઓ કરી રહ્યા છે.

આખરે તો એક ખેડૂત જીવ એટલે કુદરતને બરાબર રીતે ઓળખે, જયાંથી જે રેતી મળે તે થેલીમાં ભરીને ઘરે લઇ આવી, ચાળીને ઝીણી રેતી ડબ્બામાં ભરી રાખે. વિભિન્ન ચિત્રોને અનુરૂપ અલગ-અલગ રંગની રેતી પોતાના ખજાનામાંથી કાઢે અને કલાકોની જહેમત બાદ કોઇ ચમત્કારની જેમ અકલ્પનીય ચિત્ર તૈયાર થાય.

બટુકભાઇના જણાવ્યા મુજબ લગભગ ૧૯૮૪થી તેઓ આ પ્રકારના રેતી ચિત્રો બનાવતા આવ્યા છે. વચ્ચે તો તેમણે રેતીની જેમ જ વિવિધ લાકડાના વિવિધ ઢોલ દ્વારા પણ ચિત્રો બનાવી રહ્યા છે.

આજના યુગમાં એકંદરે આવી વિશિષ્ટ કલાનો ચાહકવર્ગ વધતો જાય છે. તેમાં પણ સોશ્યલ મીડીયાના વ્યાપથી બટુકભાઇની આ કલાને વધુને વધુ કદરદાનો અને પ્રોત્સાહનો મળતા થયા છે

તેમની આ કલાનો આમ જ દેશ-વિદેશમાં ફેલાવો થાય અને પોતાની સાથોસાથ રાજકોટનું અને દેશનું ગૌરવ વધારે તેવી તેમના જન્મદિવસે અઢળક શુભેચ્છાઓ અને પ્રભુને પ્રાર્થના... જન્મદિને બટુકભાઇ (મો.૯૪૨૮૨-૦૦૫૬૭) પર અભિનંદનો વરસી રહ્યા છે.

(9:35 am IST)