Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સરદાર પટેલ યુનિ.ના પ્રો. રમેશ મકવાણાને 'બેસ્ટ લીડરશીપ એવોર્ડ' એનાયત થયો

રાજકોટ : બદલાવ નેશનલ એનજીઓ દ્વારા તાજેતરમાં ઉદયપુર મુકામે નેશનલ વેબીનારનું આયોજન થયું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી અનેક યુવા સંશોધકો, પ્રોફેસરો, એનજીઓના કાર્યકરો, બુધ્ધિજીવીઓ અને  સમાજ સેવકો સહભાગી થયા હતાં.

આ વેબીનરમાં જુનાગઢ જિલ્લાના માળીયા તાલુકાનાં ખંભાળીયા ગામના અને હાલમાં સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ ના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ  પ્રો. રમેશ મકવાણા (મો. ૯૮ર૪૧ પપ૯૦૩) બેસ્ટ લીડરશીપ, એવોર્ડ, ડો. શ્રીરામ આર્યના હસ્તે અનાયત થયો હતો.

આ એવોર્ડ માટે ડો. મકવાણાનું સૌથી મહત્વનું યોગદાન ગુજરાતનાં ૩૦૦ મહીલા સરપંચો પર યુજીસીનો સંશોધન પ્રોજેકટનું કાર્ય કર્યુ તે છે. તેમાં સરપંચોની કાર્ય સ્થિતિ, પડકારો જાણી અને તેના ઉકેલની દિશા બતાવવામાં મહત્વનું કામ કર્યુ છે. સંશોધનના ક્ષેત્રમાં આઠ આદિવાસી જિલ્લા જેવા કે ડાંગ, દાહોદ, સુરત, નર્મદા, તાપી, નવસારી, ભરૂચ અને પંચમહાલનો સમાવેશ છે. સરપંચોને તેમની મુળભુત ફરજો, હકકો અને જવાબદારી અંગે માહિતી આપવાની કામગીરી પણ કરલ હતી.

પરિણામે અનેક મહિલા સરપંચોએ પોતાના વિસ્તારમાં બેઝિક શિક્ષણ, ટોઇલેટસ, વોટર પંપ, ઘરોનું નિર્માણ હેલ્થ સેન્ટર, વૃક્ષારોપણ, કમ્પ્યુટર તાલીમ કેન્દ્ર, વોટર હારવેસટીંગ, સડક, વીજળી, આંગણવાડી, ગરીબો માટે સસ્તા અનાજનું વિતરણ, સ્વચ્છતા, ખેડૂતોના પ્રશ્નો તથા ગામને નંદનવન બનાવવામાં ફાળો આપ્યો છે. પ્રો. મકવાણાએ જણાવ્યું હતું કે મહિલા સરપંચો એમની કામગીરીથી ગામડાઓની દશા અને દિશા બદલી રહ્યા છે. તથા સરપંચો હવે ગામડાઓની કાયાપલટમાં પાયાની ભૂમિકા ભજવી રહ્યા છે. આ જાગૃત સરપંચોના દૃઢ અને હકારાત્મક પગલાંથી લોકો શોષણ-કુરિવાજો, હિંસા - ભેદભાવ - નિરક્ષરતા, ઘુંઘટપ્રથા સામે પણ જાગૃત બન્યા છે.

મહિલા સરપંચો પરના સંશોધનની સીમાચિન્હરૂપ કામગીરીની ફળશ્રુતિરૂપે આ એવોર્ડ એનાયત થયેલ છે.

પ્રો. મકવાણાને તેમના સમાજ સેવા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ ગુજરાત સરકારે પણ આંબેડકર એવોર્ડ અને એક લાખ રૂપિયાથી સન્માનિત કરેલ છે. દિલ્હીથી ભારત શિક્ષા રત્ન એવોર્ડ, સરદાર પટેલ અવોર્ડ દિલ્હીથી, સંતશ્રી મોરારીબાપુના હસ્તે સોશ્યલ એકિટવીષ્ટ એવોર્ડ, સમાજ વૈજ્ઞાનિક એવોર્ડ, મુંબઇથી બેસ્ટ ટીચર્સ એવોર્ડ તથા ગુજરાત અને ભારતની અનેક પ્રતિષ્ઠીત સ્વૈચ્છીક સંસ્થાઓએ અનેક એવોર્ડથી સન્માનીત કર્યા છે. ઉપરાંત યુજીસી તથા સરકારી સંસ્થા અંતર્ગત સમાજોપયોગી સંશોધન પ્રોજેકટસની સાથે - સાથે ર૦ જેટલા પુસ્તકો અને નેશનલ - ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં સંશોધન પેપર્સ રજૂ કર્યા છે. યુવાનોમાં નશામુકિત તથા કુરીવાજો પ્રત્યે જાગૃતિની કામગીરી પણ કરી રહ્યા છે.

(3:36 pm IST)