Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર અને કેમેરામેન એસોસીએશનના પ્રમુખપદે ફરી 'અકિલા'ના તસ્વીરકાર અશોકભાઇ બગથરીયાની સર્વાનુમતે વરણી

ગઇકાલે યોજાયેલી બેઠકમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી : ઉપપ્રમુખ તરીકે દિવ્યરાજસિંહ સરવૈયા (ગુજરાત મિરર) અને મહામંત્રી તરીકે ભાવિન રાજગોર (સાંજ સમાચાર)ની વરણી : નવનિયુકત હોદ્દેદારોના સન્માનનો કાર્યક્રમ યોજાયો : ભાજપના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ કોર્પોરેટરો, આમંત્રીત મહેમાનો, અગ્રણીઓ વગેરેની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ

રાજકોટ તા. ૨૧ : ગુજરાતના અખબારી જગતના મક્કા ગણાતા એવા સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાનું અનેરૂ મહત્વ છે. અહીંથી નિકળેલ કલમનું એક વાકય અથવા તો કચકડે કંડારાયેલી એક તસ્વીરના ઉંડા પડઘા પડતા હોય છે. એવા આ રાજકોટ શહેરમાં છેલ્લા દોઢ દાયકાથી કાર્યરત રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર અને કેમેરામેન એસોસીએશન દ્વારા પત્રકારો - ફોટોગ્રાફરો - ઇલેકટ્રોનિક મીડિયાના કર્મચારીઓના વગેરેના ઉત્કર્ષ - સમસ્યા, અધિકાર, સુરક્ષા, સમાજસેવા, વિવિધ વિભાગોનું મનબળો વધારવા તથા તંત્ર અને મીડિયા વચ્ચે સેતુ બનવાનું ભગીરથ કાર્ય આ એસોસીએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. વિવાદ નહિ પણ સંવાદ અને નકારાત્મકાને બદલે સકારાત્મક અભિગમ સાથે કાર્યરત આ એસોસીએશનના નવા હોદ્દેદારોની ગઇકાલે નિમણુંક કરવામાં આવી હતી. જેમાં રાજકોટના સુપ્રસિધ્ધ સાંધ્ય દૈનિક અકિલાના તસ્વીરકાર અશોકભાઇ બગથરીયાની ફરી એકવખત પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવતા તેમના ઉપર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા સાડાત્રણ દાયકાથી અખબારી તસ્વીરકાર તરીકે ફરજ બજાવતા અશોકભાઇ બગથરીયાના વિશાળ અનુભવ અને તેમની કુનેહથી આ એસોસીએશનની યશકલગીમાં એક નવું છોગુ ઉમેરાયું છે. અત્રે એ નોંધનીય છે કે, અગાઉ ત્રણ ટર્મમાં પણ તેઓ આ એસોસીએશનના પ્રમુખ બની ચૂકયા છે આ તેમની ચોથી ટર્મ છે.

રાજકોટમાં પ્રેસ ફોટોગ્રાફર અને કેમેરામેન એસોસીએશનની ત્રણ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં સર્વાનુમતે પ્રમુખપદે અકિલાના ફોટોગ્રાફર અશોકભાઇ બગથરીયાની વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે દિવ્યરાજસિંહ સરવૈયા (ગુજરાત મિરર), મહામંત્રી તરીકે ભાવિન રાજગોર (સાંજ સમાચાર), મંત્રી તરીકે કિશોર વાડોલીયા (GTPL ન્યુઝ), ખજાનચી તરીકે કુલદિપસિંહ જાડેજા (હેલ્લો સૌરાષ્ટ્ર)ની વરણી કરવામાં આવી હતી. ગઇકાલે હોદ્દેદારોની વરણી થયા બાદ સાંજે નવનિયુકત તમામ હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ બોરીચા, શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રદિપ ડવ, સહકાર ગ્રુપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાણા (પીન્ટુભાઇ ખાટડી), ભાજપના અગ્રણી મનહરભાઇ બાબરીયા, જયદિપભાઇ વસોયા, મોહિતભાઇ ભટ્ટ (TV 9) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દરેક હોદ્દેદારોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગાંધીનગરથી ખાસ ઋષીવંશ સમાજના ગુજરાતના પ્રમુખ હેમરાજભાઇ પાડલિયા ઉપસ્થિત રહ્યા હતા અને તમામ હોદ્દેદારોને આશિર્વચન પાઠવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીએ પણ આ હોદ્દેદારોને શુભ સંદેશ પાઠવ્યો હતો.

અત્રે એ નોંધનીય છે કે, અકિલાના યુવા ફોટોગ્રાફર સંદિપ બગથરીયાએ પણ ત્રણ ટર્મ સુધી આ એસોસીએશનનું સુકાની પદ સફળતાપૂર્વક સંભાળી એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું.

ગઇકાલે રાત્રે યોજાયેલા નવનિયુકત હોદ્દેદારોના સન્માન સમારોહમાં રાજકોટના તમામ અખબારોના ફોટોગ્રાફરો, ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ, કેમેરામેનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવા હોદ્દેદારોની નિમણૂંકને વધાવી લીધી હતી.

એસોસીએશનનું સુકાન પોતાના હસ્તક સંભાળતા અશોકભાઇ બગથરીયાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાજકોટના પ્રેસ ફોટોગ્રાફરો અને કેમેરામેનોની સમસ્યાઓનો નિવેડો લાવવા પૂર્ણ પ્રયાસો કરવામાં આવશે. એટલું જ નહિ ફીલ્ડમાં કાર્યરત ફોટોગ્રાફરો અને કેમેરામેનોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ખાસ કાળજી પણ રાખવામાં આવશે. તંત્ર સાથે સંકલન જળવાઇ રહે તે માટે પણ પ્રયાસો કરવામાં આવશે.

(2:43 pm IST)