Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સિવિલના કોવિડ સેન્ટરમાં પોઝિટિવ દર્દીએ બાટલાના સ્ટેન્ડનો ઘા કર્યોઃ ૬૫ વર્ષના દર્દી ધીરૂભાઇ લોહીલુહાણ

એટેન્ડન્સ, સિસ્ટર, ડોકટર દ્વારા મવડી પ્લોટના ધીરૂભાઇનું લોહી લેવાની કાર્યવાહી ચાલતી હતી ત્યારે મેઘપરના અનિરૂધ્ધસિંહ ઝાલાએ ગુસ્સે થઇ લોખંડના સ્ટેન્ડનો ઘા કર્યોઃ બે ત્રણ દિવસથી ઘરે જવાનું રટણ કરતા'તા

રાજકોટ તા. ૨૧:  સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં કોરોનાની સારવાર લઇ રહેલા મેઘપર ઝાલા ગામના એક દર્દીએ કોઇ કારણે ગુસ્સે થઇ બાટલા ચડાવવાના લોખંડના સ્ટેન્ડનો ઘા કરતાં સિસ્ટર અને ડોકટર તથા એટેન્ડન્ટ બચવા માટે દૂર ખસી જતાં આ સ્ટેન્ડ ૬૫ વર્ષના બીજા એક દર્દીને માથામાં લાગી જતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. આ અંગે પોલીસ ચોકીમાં નોંધ કરાવવા તજવીજ કરવામાં આવી હતી.

જાણવા મળ્યા મુજબ મવડી પ્લોટ એન્જલ પાર્કમાં રહેતાં ધીરૂભાઇ મોહનભાઇ વઘાસીયા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધને કોરોના પોઝિટિવ આવ્યો હોઇ તેઓ ૧૪મીથી સિવિલના કોવિડ કેર સેન્ટરમાં બીજા માળે સારવાર હેઠળ છે. આ વોર્ડમાં જ ટંકારાના મેઘપર ઝાલા ગામના અનિરૂધ્ધસિંહ જીલુભા ઝાલા (ઉ.વ.૫૨) પણ તા. ૧૭મીથી સારવાર હેઠળ છે. આજે સવારે દર્દી ધીરૂભાઇના લોહીના નમુના લેવાની કાર્યવાહી ચાલી રહી હોઇ તેમના બેડ પાસે સિસ્ટર, ડોકટર અને એટેન્ડન્ટ ઉભા હતાં.

આ વખતે દર્દી અનિરૂધ્ધસિંહે કોઇ કારણોસર દેકારો મચાવ્યો હતો અને પોતાના બેડ પાસે બાટલા ચડાવવા માટેનું લોખંડનું સ્ટેન્ડ હોઇ તે ઉઠાવીને નર્સ-તબિબ-એટેન્ડન્ટ ઉભા હતાં ત્યાં ઘા કરતાં સ્ટેન્ડ એટેન્ડન્ટ તરફ જતાં તે બચવા માટે દૂર ખસી જતાં દર્દી ધીરૂભાઇને માથામાં લાગી જતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. તેમની તાકીદે સારવાર કરવામાં આવી હતી અને ચાર ટાંકા લેવામાં આવ્યા હતાં. આ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીમાં નોંધ કરાવવા તજવીજ હાથ ધરાઇ હતી. દર્દી અનિરૂધ્ધસિંહ એકાદ બે દિવસથી ઘરે જવાને લઇને સતત રટણ કરતાં હોઇ આજે પિત્તો ગુમાવ્યો હતો અને સ્ટેન્ડનો ઘા કરી દીધો હતો.

(3:34 pm IST)