Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

રાજકોટ એઈમ્સ મેડીકલ કોલેજમાં શૈક્ષણિક કાર્યનો શુભારંભ

૫૦ વિદ્યાર્થીઓના પ્રથમ શૈક્ષણિક સત્રનું કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધન અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન : રૂ.૧૧૯૫ કરોડના ખર્ચે બનનાર એઈમ્સ હોસ્પિટલનો પ્લાન અને ડિઝાઈન જાહેર : ૨૦૨૧માં ઓપીડી શરૂ કરવા તૈયારી

રાજકોટ, તા. ૨૧ : ગુજરાત રાજયની પ્રથમ એઈમ્સ હોસ્પિટલ રાજકોટને મળી છે ત્યારે આજે રાજકોટ એઈમ્સ મેડીકલ કોલેજમાં પ્રથમ શૈક્ષણિક સત્રનો આજથી શુભારંભ થયો છે.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે તબીબી પ્રવેશ કાર્ય પૂર્ણ થતાં આજથી ૫૦ બેઠકો સાથે મેડીકલ વિદ્યાર્થીઓની પ્રથમ બેન્ચ પંડિત દિનદયાલ ઉપાધ્યાય મેડીકલ કોલેજ રાજકોટ ખાતે શરૂ કરવામાં આવી છે. આજે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.

શહેરની ભાગોળે જામનગર રોડ ઉપર રૂ.૧૧૯૫ કરોડના ખર્ચે તૈયાર થનાર એઈમ્સ હોસ્પિટલનું માળખુ પ્રથમવાર જાહેર થયુ છે. જેમાં આધુનિક તમામ સુવિધાઓ બિલ્ડીંગમાં આકાર પામશે. જે બે વર્ષમાં નિર્માણ પામવાનો અંદાજ છે. ૨૦૨૧માં ઓપીડી પણ શરૂ કરવામાં આવશે.

રાજકોટ એઈમ્સ હોસ્પિટલના ડેપ્યુટી ડાયરેકટર શ્રી શ્રમદીપસિંહાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને રહેવા આધુનિક હોસ્ટેલ ઉભી કરવામાં આવશે. અદ્યતન કલાસરૂમ વિદ્યાર્થીઓને મેડીકલ શિક્ષણ માટે તૈયાર કરાશે.

રાજકોટ એઈમ્સ ખંઢેરી ગામ નજીક ૨૦૧ એકર જમીનમાં રૂ.૧૧૯૫ કરોડના ખર્ચે તૈયાર થશે. જેનું બાઉન્ડ્રીનું કામ ૭૦% પૂર્ણ થઇ ગયુ છે. જેનો માસ્ટર પ્લાન મંજૂર થઈ ગયો છે. ૨૦૨૨માં કન્ટ્રકશન કામ પૂર્ણ થઈ જશે.

એઈમ્સ મેડીકલ કોલેજની પ્રથમ બેચ ૫૦ વિદ્યાર્થીઓની રહેશે જેમાં ૧૭ પ્રોફેસરોની નિમણુંક કરવામાં આવશે.

(11:30 am IST)