Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ભરવાડ - મુસ્લિમ વચ્ચેના ખુની હુમલાના કેસમાં મુસ્લિમ શખ્સના આગોતરા જામીન મંજુર

રાજકોટ તા. ર૧: રાજકોટના આજીડેમ વિસ્તારમાં મુસ્લીમ-ભરવાડ વચ્ચે થયેલ ધીંગાણાના ગુન્હામાં દોઢ વર્ષથી ફરાર આરોપી મકબુલ ચાવડાના સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે ગોવિંદભાઇ બચુભાઇ બોળીયા રહે. ચુનારાવાડવાળાએ તા. ૧/૦૮/ર૦૧૬ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ કે સવારના ૧૧-૦૦ વાગ્યાના આસપાસ ફરીયાદી આજી ડેમ ચોકડી પાસે આવેલ કનૈયા હોટલ પાસે તેના મોટર સાઇકલ પર બેઠેલ હતો ત્યારે ઇરફાન તથા બચાએ સાતથી આઠ અજાણ્યા શખ્સો સાથે મળીને લોખંડના પાઇપ તથા તલવાર વડે માથામાં પાઇપ મારેલ અને પેટમાં છરી મારી તેને જાનથી મારી નાંખવાનો ઘાતકી હુમલો કરેલ જેથી ફરીયાદીએ આરોપી (૧) આરીફ ગુલાબહુસેનભાઇ ચાવડા (ર) ઇરફાન ગુલામહુસેનભાઇ ચાવડા (૩) વસીમ ઉર્ફે બચો બસીરભાઇ શમા સામે પોલીસમાં ફરીયાદ નોંધાવેલ હતી જે અંગે આરોપી મકબુલે આગોતરા અરજી કરી હતી.

સેશન્સ કોર્ટ દ્વારા આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી સેશન્સ જજે તેના ચૂકાદામાં અવલોકન કરેલ હતું કે તપાસ કરનાર અધીકારી દ્વારા આરોપી વિરૂધ્ધ કોઇ જ પ્રકારની ફોજદારી કાર્યસંહીતાની જોગવાઇઓનું પાલન કર્યા વગર જ આરોપીને ચાર્જશીટમાં ફરાર એટલેકે નાસતો ફરતો દર્શાવેલ છે, તમામ કેસ પેપર તથા રેકર્ડ ધ્યાને લઇ કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન અરજી મંજુર કરવામાં આવેલ હતી.

આ કામમાં આરોપી મકબુલ અલ્તાફભાઇ ચાવડા વતી એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, કેવલ પટેલ, ગૌરાંગ ગોકાણી રોકાયેલ છે.

(3:57 pm IST)