Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

માખાકરોડના દિપકનું તાવની સારવાર બાદ મોતઃ અનીડા વાછડાના ડોકટરની બેદરકારીનો આક્ષેપ

દલિત યુવાનનું રાજકોટમાં મોતઃ પરિવારજનોએ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માંગણી કરીઃ ડોકટરે આપેલા ઇન્જેકશનને કારણે પગમાં સોજા ચડી જવાથી મોત થયાનો આરોપ

રાજકોટ તા. ૨૧: કાલાવડના માખાકરોડ ગામમાં દલિત યુવાનને તાવ આવતો હોઇ અનીડા વાછડા ગામે ખાનગી ડોકટર પાસે ઇન્જેકશન અપાવ્યું હતું. ત્યાર બાદ તેને પગમાં સોજો ચડી જતાં અને તબિયત બગડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. અહિ તેનું મોડી રાત્રે મોત નિપજ્યું છે. પરિવારજનોએ ખાનગી ડોકટરની બેદરકારીનો આક્ષેપ કરી ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માંગણી કરી હતી.

જાણવા મળ્યા મુજબ માખાકરોડ ગામે રહેતાં દિપક રવજીભાઇ બથવાર (ઉ.૨૦)ને ૧૮મીએ તાવ આવતાં ૧૯મીએ અનીડા વાછડા ગામે ડો. રૈયાણી પાસે જઇ દવા લીધી હતી. ત્યારે ડોકટરે ઇન્જેકશન આપ્યું હતું. ત્યાર પછી તેના પગ સોજી જતાં ફરીથી ડોકટર રૈયાણી પાસે જતાં તેણે ગોંડલ લઇ જવા કહ્યું હતું. ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. અહિ રાત્રીના તેણે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના સલિમભાઇ ફુલાણી અને દિપસિંહે ગોંડલ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર દિપક બે ભાઇમાં નાનો હતો અને છૂટક મજૂરી કરતો હતો. તેના પિતા રવજીભાઇ સહિતના પરિવારજનોએ ડો. રૈયાણીએ સારવારમાં બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરી ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માંગણી કરી હતી. (૧૪.૫)

 

(11:39 am IST)