Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

રાજકોટના ઉત્કર્ષ ટીએમટી ગ્રુપ પર સ્ટેટ જીએસટી વિભાગના દરોડા : ડાયરેક્ટરની ઓફિસ અને ઘર સહીત 11 સ્થળોએ સર્ચ

રૂ.૩૦ કરોડની ખોટી વેરાશાખ મેળવી હોવાનું ખુલ્યું: દરોડાની કાર્યવાહી દરમિયાન ઉત્કર્ષ ગ્રુપના મુખ્ય કર્તાહર્તા નિરજ જયદેવ આર્યાને છાતીમાં દુ:ખાવો થતા ૧૦૮ મારફત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા

રાજકોટના ઉત્કર્ષ ટીએમટી ગ્રુપ પર સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. રૂ.૩૦ કરોડની ખોટી વેરાશાખ મેળવી હોવાનું ખુલ્યું છે. ઇન્ગોટ્સ અને ટીએમટી બાર્સના ઉત્પાદક ઉત્કર્ષ ટીએમટી બાર્સ ગ્રુપના ડાયરેકટરની ઓફિસ અને નિવાસસ્થાન સહિત ૧૧ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે દરમિયાન જ ઉત્કર્ષ ગ્રુપના મુખ્ય કર્તાહર્તા એવા નિરજ જયદેવ આર્યાને છાતીમાં દુ:ખાવો થતા ૧૦૮ મારફત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

સ્ટેટ જીએસટી વિભાગના સૂત્રો મુજબ તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ભાવનગર તથા અન્ય સ્થળોએ રાજ્ય વ્યાપી દરોડાની કામગીરી કરવામાં આવી, તથા અફઝલ સાદિલ અલી સવજાણી, મીનાબેન રંગસિંગ ઝાલા (રાઠોડ), મોહમંદઅબ્બાસ રફીકઅલી મેઘાણી, કિર્તીરાજ પંકજભાઇ સુતરીયા તથા અન્ય શખ્સોની બોગસ પેઢીઓ ઉભી કરી માલની ખરેખર રવાનગી વિના ફકત બિલો આપી વેરાશાખ પાસઓન કરવાના ગુના સબબ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત શંકાસ્પદ જણાતી પેઢીઓના સ્થળે સ્પોટ વિઝીટસ પણ કરાવવામાં આવી હતી. વધુમાં ધરપક્ડ કરવામાં આવેલા શખ્સોને ત્યાંથી જપ્ત કરવામાં આવેલા સાહિત્યની ચકાસણીમાં તથા રિમાન્ડ દરમ્યાન મેળવવામાં આવેલા નિવેદનોને આધારે ધ્યાને આવેલી બોગસ પેઢીઓ મારફતે માધવ કોપર લી.(ભાવનગર), ઉત્કર્ષ ઇસ્પાત એલ.એલ.પી. (રાજકોટ, બામણબોર), આર્યા મેટાકાસ્ટ પ્રા. લી. તથા અન્યોએ વેરાશાખનો લાભ લીધેલો હોવાનું ધ્યાને આવતા અગાઉ માધવ કોપર લી. (ભાવનગર)ના સ્થળોએ દરોડાની કામગીરી કરવામાં આવી હતી. તા.૧૯/૧૧/૨૦૨૧ ની વહેલી સવારથી ઉત્કર્ષ ગ્રુપની કંપનીઓ, પેઢીઓ, ડીરેકટર્સ તથા તેઓના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિમાંશુ ચન્દ્રેશ ચોમલ (ઉત્કર્ષ ગૃપના ઇન - હાઉસ કન્સલટન્ટ)ના સ્થળોએ દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
અધિકારીઓએ માહિતી આપી છે કે, અત્યાર સુધીની તપાસની કામગીરીમાં મોટાપ્રામાણમાં હિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવી છે, જેની ચકાસણીની કામગીરી હાલ ચાલી રહી છે. તપાસ દરમ્યાન ઉત્કર્ષ ઇસ્પાત એલ. એલ. પી. દ્વારા રૂ. અંદાજે રૂ.૩૦ કરોડ તથા આર્યા મેટાકાસ્ટ પ્રા. લી. દ્વારા રૂ. ૨ કરોડ જેટલી રકમની ખોટી વેરાશાખ ભોગવવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે.
આ તરફ તપાસની કામગીરી દરમ્યાન ઉત્કર્ષ ગ્રુપના મુખ્ય કર્તાહર્તા એવા નિરજ જયદેવ આર્યા દ્વારા છાતીમાં દુખાવો થતો હોવાની ફરીયાદ કરાતા વિભાગના અધિકારીઓએ ૧૦૮ ઉપર કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવી હતી અને નિરજ જયદેવ આર્યાને રાજકોટ ખાતેની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલમાં પણ આ દરોડાની કામગીરી ચાલુ છે.

(9:16 pm IST)