Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

પ્રેમ, દયા અને કરૂણાના સાગર શિરોમણી સંત શ્રી જલારામ બાપા

'જલારામ બાપા'નો મુખ્યમંત્ર 'જન સેવા એ જ પ્રભુ સેવા'હતો. આ મંત્રને પોતાનાં જીવનમાં ચરિતાર્થ કરનાર બાપાનું જીવનકર્મ અને સેવાકીય પ્રવૃતિ જ મુખ્ય સાધના હતી. આશ્ચર્યની વાતતો એ છે કે, ૧૦૦ વર્ષ પહેલાનો ભયંકર દુકાળ હોય, મોટી અછત આવી હોય કે ૨૦૦૧નો ધરતીકંપ હોય, અહીનુ સદાવ્રત અવિરત ચાલતુ રહ્યુ છે. લોકડાઉન સમયે પણ જરૂરિયાતમંદ પરિવારોને બાપાની પ્રસાદી પહોચાડાતી હતી. સદાવ્રતની શરૂઆત કરી ત્યારે એમની ઉમર માત્ર વીસ વર્ષની હતી. ઉંમર નાની,પણ ઈશ્વર શ્રદ્ઘા, સંકલ્પ શકિત કેવડી મોટી!

માં વીરબાઈ અને બાપાએ ૨૪ કલાક લોકોની સેવા કરી અને જમાડયાં. આ સમયે દરેકને આશ્ચર્ય હતું કે, આ કેવી રીતે શકય બને. પરંતુ તેમણે કહ્યું કે, 'આ પ્રભુની ઈચ્છા છે તેમનું કામ છે. પ્રભુએ કામ સોંપ્યુ છે તો તે જ હવે જોશે કે દરેક વ્યવસ્થા ખૂબ સારી રીતે થાય.' આમ, જલારામ બાપા 'ઈશ્વરની ઈચ્છા બલવાન છે' તેવી પોકળ વાતને બદલે, એક અલગ જ દ્રશ્ટિકોણથી પ્રભુ ભકિત કરતા હતા તે પણ અહી નોંધનીય છે. જલારામનો સંકલ્પ હતો કે કોઇને બોજારૂપ થવું નહિ અને જાતમહેનતનો જ રોટલો ખાવો અને ખવડાવવો. તેઓ કહેતા કે, અણહકનું ખાવ તો મારો રામજી રૂઠે!

એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ઘ સંતનું રૂપ લઈને આવ્યાં અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈ મા તેમને દાન કરી દેવી. જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યાં. પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું. તેણીએ ત્યાં રાહ જોઈ પણ તે સંત પાછા ન આવ્યા. તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતિની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલા તેઓ વીરબાઈ મા પાસે એક દંડો અને ઝોળી મૂકતાં ગયાં હતાં. વીરબાઈ મા ઘરે આવ્યાં અને જલારામબાપાને આકાશવાણી, દંડા અને ઝોળીની વાત કરી. આજે પણ દંડો અને ઝોળી વીરપુરમાં એ સંતની સાક્ષી પૂરે છે.

એક સમયે હરજી નામનો એક દરજી તેમના પિતાના પેટના દર્દની ફરિયાદ લઇને આવે છે. જલારામ બાપાએ પ્રભુની પ્રાર્થના કરીને તેમનુ દર્દનુ ઇલાજ કર્યો. તેઓ બાપાના ચરણે પડી ગયા અને 'બાપા' કહી ને સંબોધન કર્યુ ત્યારથી નામ જલારામ બાપા પડી ગયુ.

આજે આપણે આધુનીક થયા છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજી અપનાવી છે. આધુનીક વસ્તુઓ સ્વીકારી છે પરંતુ આધુનીક વિચારોને અપનાવ્યા નથી.  બાપા તે સમય મા પણ આધુનીક વિચારો ધરાવતા હતા.  તેમની જન્મજયંતી નિમિતે તેમના વ્યકિતત્વને આપણા જીવનમા ઉતારવાનો પ્રયત્ન કરિએ તો લાગે છે કે, સાચા ભાવથી ઉજવણી કરી ગણાશે.

જલારામબાપા એ સંસારમા રહીને ભકિત કરી છે. વ્યવહારમા કુશળ રહ્યા છે. ભકિત અને સેવા ઘરસંસાર સાથે રહીને પણ કરી શકાય છે એ વાત સમજાવવા માટે  જલારામ બાપા શ્રેષ્ઠ ઉદાહરણ છે. પરીવર્તન જરૂરી છે અને બાપા પણ પરીવર્તનમા માનતા હતા. આજે પરીવર્તન એટલે વિચારો બદલવા એવો અર્થ કરી નાખ્યો છે. હકીકતમા  વિચારો બદલવાની જરૂર નથી પણ કામ કરવાની રીત બદલવાની જરૂર છે, સસ્કૃતિ અને સંસ્કારોને જાળવવાની જરૂર છે. બાપાએ ઘરસંસાર સંભાળીને સેવા ધર્મ નિભાવ્યો હતો.

આ જલારામ જયંતિના પાવન અવસરે પ્રેમ, દયા, અને કરૂણાના સાગર શિરોમણી સંત શ્રી જલારામ બાપાના ચરણોમા વંદન અને પ્રણામ.

: લેખન :

ઉદય જે. લાખાણી

રાજકોટ.

મો. ૯૪૦૯૦ ૫૯૮૨૩

(3:25 pm IST)