Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

શ્રી શ્રી ૨૦૨૦...હવે બીજીવાર કોઇ પણ સ્વરૂપમાં તારું પુનરાગમન ન થાય તે જોજે!

રાજકોટ તા. ૨૧: મહેશભાઇ બી. ગઢવી...શહેર પોલીસમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં મહેશભાઇ પોતાની અંદર એક લેખક અને કવિને પણ છુપાવીને બેઠા છે. કાયદાનો અમલ કરાવવા માટે સતત સક્રિય રહેતાં શ્રી ગઢવીનું ઉપનામ 'કવિ આશ' છે. કોઇપણ વિષય પર તે ફરજમાંથી સમય મળતાં જ લખી કાઢે છે, લખી શકે છે. વર્ષ ૨૦૨૦ વિશે તેમણે જે લખ્યું છે.

શ્રી શ્રી ૨૦૨૦,

આમ તો આપનું આગમન સૌએ દિલથી વધાવ્યું હતું પણ કદાચ શુકન નહિ જોયા હોય આ યજમાનોએ મહેમાનનું સ્વાગત કરવા માટે. પણ ગમે તેમ હોય આપ વિશ્વ ઈતિહાસમાં પ્રસિઘ્ધ વર્ષ તરીકે જરૂર અમર રહી ગયા. આપનાઆગમનના ભણકારા એક મહામારી સાથે આવ્યા. દિલ્હીના વિજયમાં આપે દિલ્હીની પ્રજાને સુશાસનનો ભરોશો તો અપાવ્યો પણ દિલ્હીના તોફાનોએ કેટલાય નિર્દોષ જીવોનો પણ ભોગ લીધો. કોમી એખલાસનું વાતાવરણ ડહોળાયું. આપના જ સમયમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દ્વારા વિશ્વની મહાસત્ત્।ાને ગાંધી આગળ નતમસ્તક કરી ગુજરાતનું ભૂમિ ઉપર એક ગુજરાતી વડાપ્રધાનનો વિશ્વમાં ડંકો વગડાવ્યો. આપના જ સમયમાં સિક્કિમમાં ચીન સામે ભારતીય સૈનિકોએ બહાદુરી બતાવી અને ભારત માતાના લાડલા સીમા માટે શહીદ થયા.

ઇતિહાસમાં દર્જ થઈ શકે એ ૩૭૦ની કલમ નું દૂર થવુ અને કાશ્મીરી પ્રજાની આઝાદી માટેનો માર્ગ પણ આપના સમયમાં જ મોકળો થયો. આપના સમયગાળામાં વર્ષો સુધી તંબુમાં પથારો કરીને બેઠેલા મારા રામને અયોધ્યાની ગાદી પાછી મળી અને સૌ ભારતીય આસ્તિકોના હૃદય જીતી લીધા. કેટલાક ખટમીઠા અનુભવો આપ સતત કરવતા રહ્યા. સૌથી કડવી બાબતના ઘૂંટડા તો આપે હવે ચાલુ કર્યા, ઓસ્ટ્રેલિયાના જંગલો માં ભીષણ આગ લગાડી ને કરોડો નિર્દોષ પશુ પક્ષીઓનો આપે ભોગ લીધો. એ કરુણાંતિકા નહિ ભૂલી શકાય અને એ પણ જાણે ઓછું પડ્યું હોય એમ કોરોના જેવી મહામારો તમે કયાંથી લઈ આવ્યા મિત્ર જેને વિશ્વના સૌથી ભયાનક વર્ષ તરીકે આપને ઇતિહાસમાં કુખ્યાત કરી દીધા.

વિશ્વનો એક પણ દેશ આપે બાકી ના રાખ્યો અને કરોડો લોકોને મોતના મુખમાં ધકેલ્યા અને માનવને એના કર્માનો ખુબ અઘરો અને પીડાદાયક જવાબ આપ્યો. હજુ સુધી એની કળ વળી નથી. પરંતુ વચ્ચે વચ્ચે પિંખાયેલી નિર્ભયાના પાપીઓને તે શૂળ એ લટકાવીને ન્યાય પ્રણાલિકાનો વિશ્વાસ જીવંત કરી દીધો. કેટલાય ટપોરી અને ખલનાયકોને જેલ અને ફાંસી અને મૃત્યુ આપીને તે તારી ધાક જમાવી દીધી તો કયાંક કોઈ ગુંડાના હાથે આઠ આઠ પોલીસ અધિકારોઓની હત્યા કરાવી તે કાયદાના લીરે લીરા ઉડાવી દીધા.

મનોરંજન જગતના સાચા નાયકોને તે ખુબ આંચકા સાથે છીનવી લઈને કલા જગતના રસિકોને ખુબ દુઃખદ આંચકો આપ્યો. લાખોની માનવ મેદની જેમની સ્મશાન યાત્રામાં ભેગી થાય એમને સુપુર્દ-એ-ખાક માટે માત્ર દસ માણસોની જ કાંધ આપી એમની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડી.

નિરાશા હતાશામાં આખું વિશ્વ ઘેરાય ગયું, આત્મહત્યાના બનાવો વઘ્યા, ભય અને મોતનું ત્રાંડવ તે એવું રમ્યું કે જેની કળહજુ સુધી વળી નથી. તારૃં આ બિહામણું સ્વરૂપ ખુબ ભયાનક સાબિત થયુ . ક્રિકેટ અને દિવાળી કયાંક થોડી ચેતના પાછા લાવ્યા. લોકોના જીવન જીવવાની પદ્ઘતિને બદલવામાં તારો ખુબ મોટો ફાળો રહ્યો. માણસ જીવનની ભિક્ષા માંગતો નજરે પડ્યો.

મિત્ર, આંગળીના વેઢે ગણી શકાય તેવા થોડા કાર્યો અને ઘટનાઓ સિવાય તે દુઃખ, ડર, નિરાશા, બેરોજગારી, ભુખ, પીડા અને ત્રાસ જ આપ્યો. હે સમયના દેવ, તને પ્રાર્થના કરીએ કે આવી રીતે બીજીવાર કોઇ પણ સ્વરૂપમાં તારું (૨૦૨૦નું) પુનરાગમન ન થાય એ જોજો...અસ્તુ...જય હિન્દ.

(પીએસઆઇ એમ. બી. ગઢવી-કવિ આશ-રાજકોટ શહેર-મો. ૬૩૫૨૦ ૧૪૮૮૯)

(3:21 pm IST)
  • સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત : ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ આઇસોલેશન પર access_time 3:44 pm IST

  • પેટ્રોલમાં ૧૫ પૈસા અને ડિઝલના ભાવમાં ૨૨ પૈસાનો વધારોઃ પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે બીજા દિવસે પણ વધારો થયો છે. પેટ્રોલમાં ૧૫ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૨ પૈસાનો વધારો થયો છે. ભાવ વધારો આજે સવારે ૬ વાગ્યાથી લાગુ થયો છે. access_time 11:38 am IST

  • રાજસ્થાનમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં 3007 નવા કેસ નોંધાયા : જયપુર,જોધપુર, ઉદયપુર,બિકાનેર , અલ્વર ,કોટા , અજમેર અને ભીલવાડામાં રાત્રી કર્ફ્યુ લગાડયો access_time 12:33 am IST