Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

રામનાથપરામાં કાદરભાઇ સલોતના પુત્ર ઇમરાનને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ-લૂંટઃ એક સકંજામાં

ઇમરાનના કાકાના દિકરા સદામ સાથે ઇરફાન જલવાણીને ચાલતી માથાકુટનો ખાર રાખી ઇરફાન, આતીફક, આકીબ અને અરશદે ઘેરી લઇ ઘા ઝીંકયાઃ સોનાના ચેઇનની લૂંટ-ધમકી

રાજકોટ તા. ૨૧: રામનાથપરામાં ભાજપ લઘુમતિ સેલના પૂર્વ પ્રમુખ મર્હુમ કાદરભાઇ સલોતના નાના પુત્ર પર એ વિસ્તારના જ ચાર શખ્સોએ કાવત્રુ ઘડી હીચકારો હુમલો કરી છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતાં અને લૂંટ ચલાવતાં પોલીસે ગુનો નોંધી એકને દબોચી લીધો છે. ઘાયલ યુવાનના કાકાના દિકરા સાથે હુમલાખોરને મનદુઃખ ચાલતું હોઇ તેનો ખાર રાખી હત્યાનો પ્રયાસ કરાયાનું સામે આવ્યું છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે રામનાથપરા હુશેની ચોક મેઇન રોડ પર રહેતાં ગુજરાત ભાજપ લઘુમતિ સેલના પૂર્વ પ્રમુખ મર્હુમ કાદરભાઇ સલોતના પુત્ર આસીફ કાદરભાઇ સલોત (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી આરીફ જલવાણી, આતીફ જલવાણી, આકીબ જલવાણી અને અરશદ જલવાણી સામે આઇપીસી ૩૦૭, ૩૯૪, ૫૦૬ (૨), ૫૦૪, ૧૨૦ (બી), ૩૭ (૧) ૧૩૫ મુજબ કાવત્રુ ઘડી હત્યાનો પ્રયાસ કરી લૂંટ ચલાવવાનો ગુનો નોંધી આરીફને સકંજામાં લઇ લીધો છે.

ફરિયાદમાં આસીફ સલોતે જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને સ્ક્રેપનો ધંધો કરુ છું. અમે બે ભાઇ અને એક બહને છીએ. હું મોટો છું. નાના ભાઇનું નામ ઇમરાન છે. તેના પણ લગ્ન થઇ ગયા છે. અમે બધા સાથે રહીએ છીએ.  શુક્રવારે હુ તથા મારો નાનો ભાઇ ઇમરાન બંને જણા જુમ્માની નમાજ હોઇ જેથી બપોરના એક વાગ્યાના અરસામાં અલ-કાબા-મસ્જીદ ખાતે નમાજ પટવા ગયેલ અન અમો નમાજ પઢીને બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં ઘરે જવા માટે નીકળેલ પત્યારે મારો મીત્ર યુનુસ રજાકભાઇ સમા મને મળી ગયો હતો. જેથી હુ તેની સાથે વાત કરવા મસ્જીદ ખાતે રોકાઇ ગયો હતો અને મારો નાનો ભાઇ ઇમરાન અમાર ઘરે જવા નીકળી ગયો હતો. તેની સાથે મુર્તુજા છોરીયા પણ હતો.

થોડીવાર બાદ મુર્તુજા આવેલ અને કહેલ કે આરીફ જલવાણી ઇમરાનને છરીથી માર મારે છે અને મને કહેલ કે તને પણ છરીથી મારી નાખવો છે, જેથી હું તથા મુર્તુજા અને યુનુસ ત્રણેય જણા તરત દોડીને હુસૈની ચોકથી આગળ રામનાથપરા સ્કુલ આગળ પહોંચતા મારો નાનો ભાઇ ઇમરાન રોડ ઉપર લોહી નીંગળતી હાલતમાં જોવા મળ્યો હતો. મેં તેને કોણે માર્યુ? તે અંગે પુછતાં  તેણે જણાવેલ કે આપણા કાકાના દિકરા ભાઇ સદામ સાથે આરીફને માથાફુટ હોઇ જેનો ખાર રાખી હુમલો કરાયો છે. હુ આરીફના ઘરની બાજુમાંથી નીકળતા અગાઉથી ત્યા ઉભેલ આરીફના ઘરના સભ્યોએ મને ઘેરી લીધો હતો છરી-ધોકાથી તૂટી પડ્યા હતાં.

હું દેકારો કરતો હતો છતાં કોઇ મને છોડાવવા આવેલ નહી અને મારા ગળામાં પહેરેલ આશરે બે તોલાનો સોનાનો ચઇેન પણ આરીફે ઝોંટ મારી લૂંટી લીધેલ અને આતીક જલવાણીએ પણ મારા ખીસ્સામાં રહેલા રૂ. ૫૦૦૦ લુંટી લીધા હતાં. તેમજ આતીક કહેવા લાગેલ કે તારા ભાઇ આસીફને પણ જીવતો નહી છોડીએ.

આ વાત  મારા નાનાભાઇ ઇમરાને કહી  હતી. અમે તેને એકટીવામાં સરકારી દવાખાને સારવાર માટે લઇ ગયા હતાં.  ઇમરાનને પગના ભાગે ગભીર પ્રકારની ઇજા હોઇ અને પોતે બેભાન થઇ ગયેલ હોઇ અને ડોકટરે સિરીયસ કેસ જણાવી ઓપરેશન તાત્કાલીક કરવુ પડશે તેમ કહેતાં અમે ઇમારનને ખાનગી વોકહાર્ટ હોસ્પીટલમાં લઇ ગયા હતાં. જ્યાં તાકીદે ઓપરેશન હાથ ધરાયું હતું.

 આસીફ સલોતે અંતમાં જણાવ્યું હતું કે કાકાના દીકરા સદામ સાથે આરીફને માથાકુટ થઇ હોઇ તનો ખાર રાખી મારા નાના ભાઈ ઇમરાનને જાનથી મારી નાખવાના ઈરાદે આરીફે છરીના ઘા ઝીંકી, સોનાના ચેઇનની લૂંટ ચલાવી ધમકી આપી હતી. પીઆઇ સી.જી. જોષી, પીએસઆઇ ભટ્ટ, એએસઆઇ બી.વી. ગોહિલ, ડી. બી. ખેર, હારૂનભાઇ ચાનીયા, મેરૂભા ઝાલા, દિપકભાઇ સહિતે ગુનો નોંધી એક આરોપીને સકંજામાં લીધો છે. અન્યની શોધખોળ થઇ રહી છે.

(11:59 am IST)