Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

અમૃતમ્ યોજનાનાં ડ્રેનેજ કામમાં અર્ધા કરોડનો કડદોઃ તપાસના આદેશો

ચીફ ઓડીટરે ભાંડો ફોડયોઃ સ્ટે. ચેરમેન ઉદય કાનગડે કમિશ્નરનું ધ્યાન દોરતાં ખળભળાટ : વોર્ડ નં. ૧૮ નાં ગોંડલ હાઇવે, નારાયણનગર, કોઠારીયા વિસ્તારમાં ડ્રેનેજ કામનાં ખોદાણની માટી લઇ જવાના કોન્ટ્રાકટમાં ટ્રેકટરના ફેરાનાં ૬૩.૯૮ લાખનાં બીલમાં જબરૂ કારસ્તાન ખુલ્યું: બીલમાં દર્શાવેલ વાહનો ટ્રેકટરને બદલે હોન્ડા ટુ-વ્હીલર, બે ટ્રેકટર દાહોદનાં અને ૧ સુરેન્દ્રનગરનુ હોવાનું ખુલ્યુ, ર ટ્રેકટરો છે જ નહી!: આર.ટી.ઓ.માં ઉંડી તપાસ કરાવીને જવાબદાર અધિકારી સામે બદલી સહિતનાં શિક્ષાત્મક પગલા લેવાશે

રાજકોટ તા. ર૧ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલ રાજય સરકારની અમૃતમ યોજના હેઠળનાં ડ્રેનેજ કામમાં અર્ધા કરોડ ઉપરનો કડદો મ્યુ. કોર્પોરેશનનાં ચીફ ઓડીટરે શોધી કાઢી આ અંગે મ્યુ. કમિશનરને પત્ર પાઠવી જાણ કરી હતી આ બાબતે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે પણ આ અંગે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલને ઉંડી  તપાસ કરવા જણાવેલ. જે અનુસંધાને શ્રી અગ્રવાલે આ પ્રકરણની તપાસ શરૂ કરાવ્યાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર કારસ્તાન અંગે સતાવાર સુત્રોમાંથી પ્રાપ્ત માહીતી મુજબ ચીફ ઓડીટર શ્રી ઠાકોરે આ અંગે પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે, ડ્રેનેજ શાખા ઇસ્ટ ઝોન વોર્ડ નં. ૧૮ દ્વારા તેઓની શાખાના બીલ નં. ૭૮૬ તા. ર૩-૧૦-ર૦૧૯ થી શ્રી રાજારામ કન્સ્ટ્રકશનનું બીલ રકમ રૂ. ૬૧,૯૮,૮૧૭-૦૦ નુ તા. રપ-૧૦-ર૦૧૯ ના રોજ ઓડીટ શાખામાં પ્રિ-ઓડીટ અર્થે રજૂ કરેલ જે બીલમાં કેટલીક વિગતો ખુટતી હોઇ શાખાને પુર્તતા અર્થે બીલ પરત કરેલ અને વિગતો રજુ કરવા જણાવવામાં આવેલ શાખા દ્વારા તા. ૧૬-૧૧-ર૦૧૯ ના રોજ જરૂરી પુર્તતા કરી બીલ પુનઃ ઓડીટ શાખામાં રજૂ કરેલ.

જે બીલ ગાણિતીક અને ફાઇલ સાથે ચકાસણી કરતા યોગ્ય જણાતા  કર્મચારી દ્વારા પ્રિ ઓડીટ કરી રજૂ કરેલ.

દરમિયાન આ કામમાં મેઝરમેટબુક માં નોંધાયા મુજબ ટ્રેકટર ફેરાની વિગતો માં કુલ ૬ ટ્રેકટર દ્વારા તા. ર૭-૬-ર૦૧૯ થી ૧૦-૧૦-ર૦૧૯ સુધીમાંં કુલ ૮૧૦ ફેરા કરવામાં આવેલ તેમ દર્શાવી આ કામે રોકાયેલ  ૬ ટ્રેકટર ના આરટીઓ પાર્સીંગના નંબર અને તેની સાઇઝ સહ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી વોર્ડ નં. ૧૮ દ્વારા પ્રમાણીત કરી રજૂ કરેલ છે.

પરંતુ રજૂ થયેલ ટ્રેકટરના આરટીઓ પાર્સંગના નંબરની વિગતો આરટીઓની મોબાઇલ એપ માં ચકાસતા એમબી અને બીલમાં દર્શાવેલ વિગત મુજબ કુલ ૬ ટ્રેકટરમાંથી ર ટ્રેકટર દાહોદ પાર્સીંગના અને ૧ ટ્રેકટર સુરેન્દ્રનગર પાર્સીંગનું હોવાનું ખુલ્યુ છે.

એટલું જ નહીં જયારે અન્ય  ર વાહનોનાં નંબર આરટીઓના ડેટાબેઝમાં ઉપલબ્ધ નથી જયારે ૧ ટ્રેકટરના બદલે હિરો હોન્ડા પેશન ટુ વ્હીલર હોવાનું ખુલ્યું છે.

આ કામમાં ના. કા. ઇ.  શ્રી દ્વારા જે ૬ ટ્રેકટર દ્વારા કામગીરી કરાવવામાં આવેલ હોવાનું દર્શાવી પ્રમાણીત કરેલ છે તે પૈકીના ર વાહન આરટીઓના રેકર્ડ પર જણાતા નથી તેમજ ૧ વાહન  તો ટ્રેકટરના બદલે દ્વિચક્રી વાહન હિરો હોન્ડા પેશન દર્શાવે છે.

આમ ઉપરોકત ૬૩ લાખના બિલમાં જે વાહનો રજૂ થયા તેમાં ટુ વ્હીલર, અન્ય શહેરના અને બે વાહનો છે જ નહીં તેવું ખૂલ્યું છે છતા જવાબદાર અધિકારીએ બિલને મંજૂરી આપી દીધી!!

આમ આ પ્રકરણમાં તંત્રની ઘોર બેદરકારી ખૂલી છે. સાથો સાથે ભ્રષ્ટાચારનો પ્રયાસ થયાનું પણ લાગી રહ્યું હોઇ આ સમગ્ર પ્રકરણ અંગે ઉડી તપાસ કરવા સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે મ્યુ. કમિશનરનું ધ્યાન દોર્યું હતું.

આમ ચીફ ઓડીટરે અમૃતમ યોજનામાં મસમોટા કૌભાંડનો પર્દાફશ કર્યા બાદ મ્યુ. કમિશનર ઉદીત અગ્રવાલે આ અંગે આર.ટી.ઓમાં ખરાઇ કરાવીને જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ હાથ ધરી બદલી સહિતના શિક્ષાત્મક પગલા લેવા હુકમો કરતા જબરો ખળભળાટ મચી ગયો છે.

(3:46 pm IST)