Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

જિલ્લા પંચાયતમાં દોઢ મહિનો સ્થિતિ યથાવત : નવી સામાન્ય સભા- સમિતિઓની રચનાનો મુદ્દો અધ્ધરતાલ

પ્રમુખ-ઉપપ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત પ્રકરણમાં ૭ જાન્યુઆરીની મુદત : કારોબારી અધ્યક્ષ રાજીનામુ આપશે? બાગી અગ્રણીઓ દ્વારા સમજાવટ

રાજકોટ તા ૨૧  :  જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્તના મામલે હાઇકોર્ટમાં ચાલતા પ્રકરણમાં ગઇકાલે ૭ જાન્યુઆરીની મુદત પડી છે, ત્યાં સુધી હાલની સ્થિતી યથાવત રહેશે. નવી સામાન્ય સભા બોલાવવા બાબતે એકથી વધુ મત પ્રવર્તે છે. બે સમિતીઓની રચનાની બાબતમાં વિકાસ કમિશનરના માર્ગદર્શન પર આધાર છે. પંચાયતમાં સરેરાશ દર ૩ મહિને સામાન્ય સભા મળવી જરૂરી છે. છેલ્લી સભા ૧૨ સપ્ટેમ્બરે મળી હતી.

પંચાયત પ્રમુખે બે સમિતીઓની પુનઃરચના માટે સામાન્ય સભા યોજવા અંગે ડી.ડી.ઓ. ને પત્ર લખ્યો છે, જેમાં વિકાસ કમિશનરનું માર્ગદર્શન માંગવા જણાવતા ડી.ડી.ઓ. એ તે અંગેની કાર્યવાહી કરી છે. જાણકારોનું કહેવું છે કે અવિશ્વાસ દરખાસ્ત માટેની સામાન્ય સભા પર હાઇકોર્ટનો સ્ટે છે. પ્રમુખને વહીવટી કામ કરતા રોકવા અથવા રાબેતા મુજબની સામાન્ય સભા યોજવા પર સ્ટે. નથી. સામાન્ય સભા બોલાવવાનો રસ્તો ખુલ્લો છે. જો કે તેમાં મુદત પુરી થયેલી બે સમિતીઓની રચના બાબતે વિકાસ કમિશનરનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. તેના માર્ગદર્શન મુજબ (આવે ત્યારે) આગળની કાર્યવાહી હાથ ધરાશે. પંચાયતનું  રાજકારણ હજુ અનિશ્ચિત સમય સુધી ડહોળાયેલું રહે અને તેની વહીવટી અસર વર્તાય તેવી શકયતા છે.

કારોબારી  અધ્યક્ષ રેખાબેન પટોળિયા સામે અવિશ્વાસ દરખાસ્ત આવી છે તેમને રાજીનામુ આપવા સાથી અગ્રણીઓ દ્વારા આશાસ્પદ સમજાવટ થઇ રહી છે. દરખાસ્તનો સામનો કરવાને બદલે રાજીનામુ આપે તેવી શકયતા પ્રબળ છે. (૩.૧૫)

(3:46 pm IST)