Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

બિન સચિવાલય કારકુનની પરીક્ષામાં ઢગલાબંધ ગેરરીતીઃ પરીક્ષા રદ કરો...

રાજકોટના શિક્ષિત યુવક-યુવતીઓ ઉકળી ઉઠયાઃ સેંકડોની સંખ્યામાં કલેકટર કચેરીમાં સુત્રોચ્ચારઃ વિસ્તૃત આવેદન પાઠવાયું : પાલનપુર-સુરેન્દ્રનગર-ભાવનગર-ચોટીલા-અરવલ્લી-ગીર સોમનાથ બધે ગોટાળા થયા છેઃ જવાબદારો સામે ફોજદારી કરો : ગીર સોમનાથ-બનાસકાંઠા-ચોટીલામાં તો ખુદ શિક્ષકો જ જવાબો લખાવી રહયા હતાઃ પાલનપુરમાં મોબાઇલનો ઉપયોગઃ ભાવનગરમાં પેપર ફુટી ગયાની ચર્ચાઃ ગંભીર આરોપો

બીન સચિવાલય કારકુનની પરીક્ષા અંગે કલેકટર કચેરીમાં આજે સેંકડો યુવા-યુવતીઓએ દેખાવો યોજયા હતા. આવેદન પાઠવેલ. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા ૨૧  : રાજકોટના સેંકડો શિક્ષીત યુવક-યુવતીઓએ કલેકટરને આવેદન પત્ર પાઠવી બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષામાં થયેલ ગેરરીતી સામે આવે અને ફરીથી ગેરરીતી ના થાય તેની તકેદારી રાખવી તથા પરીક્ષા રદ કરવા માગણી કરી હતી.

આવેદન પત્રમાં જણાવેલ કે ગુજરાતમાં બિનસચિવાલય કલાર્કની પરીક્ષા યોજાયેલ હતી. હાલના સમય પ્રમાણે બધા ઉમેદવારોના ધ્યાનમાં આવ્યું છે કે, ગુજરાતના અમુક જિલ્લાઓમાં ગેરરીતી આચરવામાં આવી હતી, જેના સમગ્ર વિડીયો કુટેજ સોશિયલ મીડીયા,પ્રિન્ટ મીડીયા અને ઇલેકટ્રીક મીડિયામાં આવ્યા હતા. જે કેન્દ્રોની ગેરરીતીની બાબત પ્રકાશમાં આવી છે, તે સરકારે હજી સુધી કઇ જ ધ્યાનમાં લીધુ નથી અને બીજા અમુક કેન્દ્રોમાં પણ ગેરરીતી થઇ છે, જે હજી સુધી પ્રકાશમાં પણ આવ્યું નથી, આથી બધા ઉમેદવારોના હીત ખાતર સમગ્ર પરિક્ષાને ફરીથી ચુસ્ત બંદોબસ્ત સાથે ફરીથી લેવામાં આવે. પાલનપુર, સુરેન્દ્રનગર, ભાવનગર, ચોટીલા, અરવલ્લી, ગીર સોમનાથ જેવા મોટા શહેરોની જ વાત હજી બહાર આવી છે. ઘણા જિલ્લાઓમાં વ્યકિતગત રીતે ઉમેદવારોએ પોતાના જ વર્ગમાં ગેરરીતી થતાં જોઇ છે અને તેની વાત બહાર જ આવી નથી તો આ બધા જ ઉમેદવારોના હિત માટે આ પરીક્ષા યોગ્ય રીતે લેવામાં આવે.

આવેદનમાં જણાવેલ છે કે, સમગ્ર ગુજરાતમાં ૩૦૦૧ જગ્યા માટે ૧૦.૪૫ લાખ જેટલા ફોર્મ ભરાયા અને અંદાજીત ૮ લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી, હવે જો અમુક કેન્દ્રોમાં આવી રીતે ગેરરીતી આચરવામાં આવે તો પછી જે ઉમેદવારોએ ખરેખર મહેનત કરી છે એ લોકોના ભવિષ્યનું શું?ગીરસોમનાથ, બનાસકાંઠા જિલ્લા અને ચોટીલા જેવા શહેરોમાં તો ખુદ શિક્ષકો જ ચાલુ પરીક્ષા દરમિયાન જવાબો લખાવી રહ્યા હતા, એ બાબતો પ્રકાશમાં આવી છે, તો આ માટે કોણ જવાબદાર ?

 પાલનપુર જેવા શહેરમાં તો મોબાઇલનો ઉપયોગ થયો તો તેની તપાસ ઉચ્ચસ્તરે કરાવો

 ભાવનગર જીલ્લામાંતો  પરીક્ષા અગાઉ જ પેપર ફુટી ગયું હતું આવુ સમગ્ર જીલ્લામાં ચર્ચાઇ રહ્યું છે તો આ બધી બાબતની તપાસ કરો.

 બે ઉમેદવાર પર કેસ કરીને શું ભરતી પારદર્શક થઇ ગઇ એવું કેમ માની લેવું?

 જે કેન્દ્રોમાં c.c.t.v. હોવા છતાં પણ અન્ય આડકતરી રીતે ગેરરીતીનો પ્રયાસ થયો છે તો જયાં c.c.t.v. છે જ નહી ત્યાં કંઇ જ નહી થયું તેના કોણ સાક્ષી?

 ૩૯૦૧ જગ્યા માટે ફકત મોટા મોટા શહેરોમાં જ જો ગેરરીતી થઇ જાય અને પરિણામ બની જાય તો આખા ગુજરાતના ઉમેદવારોનું શું કે જેને આટલા રાત દિવસ એક કરીને મહેનત કરી છે તેના પર પાણી ફરી જાય.

 જે જે કેન્દ્રોમાં ગેરરીતી થઇ છે તે કેન્દ્રોની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઇએ  અને જે ઉમેદવારો અને વ્યકિતગત  કોઇ પણ સ્ટાફ, સુપરવાઈઝર કે આચાર્યની સંડોવણી જાહેર થાય એટલે તેના પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.

આથી સમગ્ર ગુજરાતનાં ઉમેદવારો વતી આ આવેદનપત્ર આપવામાં આવે છે કે સરકાર તરતજ આ ધ્યાને લઇ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવે, સમગ્ર અહેવાલ મેળવી તે પરિક્ષાને રદ કરી ચુસ્ત અને ઉચ્ચ અધિકારીઓના વડપણ હેઠળ પરીક્ષાનું ફરીથી આયોજન થાય અને  સમગ્ર ગુજરાતના બધા જ સેન્ટરમાં  ઉચ્ચ કક્ષાનો પોલીસ કાફલો તૈયાર કરી પરીક્ષા લેવામાં આવે, જેથી બધા વિદ્યાર્થીઓને ન્યાય મળી રહે તેવી માંગણી કરાઇ હતી.

(3:41 pm IST)