Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

નમસ્કાર : બે મહિનાથી કાયદા ભવનમાં ગેરહાજર જોષીપુરાના ખાતામાં ૪ લાખથી વધુ પગાર જમા થયો

મહેકમ વિભાગે બાયોમેટ્રીક ગેરહાજરી છતા પગાર ચૂકવાતા નોંધ મૂકી : કુલપતિ પેથાણીના નિર્ણય પર મીટ

રાજકોટ, તા. ૨૧ : ભાજપ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ મોખરાનું સ્થાન ધરાવતા જાણીતા કાયદા અને શિક્ષણવિદ્દ ડો.કમલેશ જોષીપુરાના પગાર પ્રશ્ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ જાગ્યો છે. આ વિવાદ રાબેતા મુજબનો સામાન્ય છે કે ઈરાદા પૂર્વક વિવાદ ઉભો કરવામાં આવ્યો છે તે અંગે ભારે ચર્ચા જાગી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ માસથી શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ માટે બાયોમેટ્રીક હાજરી ફરજીયાત બનાવવામાં આવી છે. ભવનના અધ્યક્ષથી માંડી પટ્ટાવાળા સુધી તમામે બાયોમેટ્રીક હાજરી પુરાવવાની અને બાદમાં તેમનું પગાર બીલ બનતુ હોય છે.

આ સંજોગોમાં પૂર્વ કુલપતિ કમલેશ જોષીપુરાએ કાયદા ભવનમાં પ્રોફેસર તરીકે એક પણ વાર છેલ્લા બે માસમાં બાયોમેટ્રીક હાજરી પુરાવી નથી. છતા ઓનલાઈન બેન્કમાં બે માસમાં રૂ.૪ લાખથી વધુ રકમનો પગાર જમા થયો છે.

કમલેશ જોષીપુરાનો પગાર જમા થતા મહેકમ વિભાગે બાયોમેટ્રીક પદ્ધતિમાં એક પણ દિવસની કમલેશ જોષીપુરાની હાજરી ન હોય પગાર અંગે યોગ્ય નિર્ણય કરવા યુનિવર્સિટીના કુલ સચિવ, કુલનાયકને નોંધ મૂકી હતી. આ નોંધમાં કોઈપણ પ્રકારની નોંધ કર્યા વગર સમગ્ર પ્રકરણ કુલપતિ ડો.નીતિન પેથાણી સમક્ષ રજૂ કર્યુ.

છેલ્લા બે દિવસથી કમલેશ જોષીપુરાના પગાર બાબતની વિવાદાસ્પદ નોંધ કુલપતિના કાર્યાલયમાં જેમ હતી તેમ જ પડી છે. કુલપતિ પણ જોષીપુરાના પગાર અંગેની શું નોંધ કરશે તે તરફ સૌની મીટ મંડાણી છે.

પ્રબુદ્ધ વ્યકિતઓનું ક્ષેત્ર ગણાતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોષીપુરાને લલકારનાર કોણ? કમલેશ જોષીપુરાની વધતી રાજકીય પ્રતિભાને કોણ અવરોધમાં મૂકવા માગે છે?

(3:40 pm IST)