Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

મંદિરમાં બિરાજતા દેવતા સર્વેનું કલ્યાણ કરે અને પ્રગટ પરચાવાળી મા રાંદલના આર્શીવાદ સર્વેને મળેઃ સ્વામી પરમાત્માનંદજી

અંધ આશ્રમ (કાલાવડ રોડ) ખાતે રૂ.૮૦ લાખના ખર્ચે નવનિર્મત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધી : રાંદલ માના લોટા ઉત્સવ કરી આશ્રમને આંગણે રહેતા વૃધ્ધજનોને મદદરૂપ થવા સમાજને અપીલ કરતા મેનેજીંગ ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ

રાજકોટઃ અહિંના કાલાવડ રોડ કોસ્મોપ્લેક્ષની બાજુમાં આવેલ અંધ આશ્રમ ખાતે બીરાજમાન પ્રાચીન પરચાવાળી રાંદલ માના મંદિરના રૂ.૮૦ લાખના ખર્ચે નવનિર્માણ બાદ સુર્ય પત્ની રાંદલ માની અતી તેજસ્વી મૂર્તિ સાથે ગણેશજી, લક્ષ્મીનારાયણ દેવ, શિવજી, હનુમાનજી, પંચદેવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, વિધી- વિધાનપૂર્વક કરવામાં આવી હતી.

પૂ.પરમાત્માનંદજી સરસ્વતીજીના કરકમલોથી વૈદિક મંત્રોચાર સાથે મૂર્તીની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામીજીએ જણાવેલ કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ તમામ મૂર્તિમાં દેવત્વ પ્રગટ થયુ છે અને આ દેવી સ્વરૂપે, મંદિરમાં બિરાજમાન છે ત્યારે અહિં આવનાર તમામ ભકતજનોની મનોકામના સિધ્ધ થાય તેવો આશ્રમના પ્રાચીન મંદિરમાં માતાજીના લોટા ઉત્સવો ઉજવે તો અહિં રહેતા વૃધ્ધ મા- બાપને પણ તેનો અનન્ય લાભ મળે.આ પ્રસંગે તેમણે સમાજને પણ અપીલ કરતા જણાવેલ કે દરેક મનુષ્યે પોતાની આવકને થોડા ભાગ સતકાર્યોમાં વાપરવો જોઈએ તો તે માટે સમાજમાં તરછોડાયેલ અને અંધ વૃધ્ધાશ્રમ ખાતે રહેતા મા- બાપોની તન- મન- ધનથી યથાશકિત સેવા કરી પુણ્યનું ભાથુ બાંધવુ જોઈએ.આ પ્રસંગે સંસ્થાના મેને.ટ્રસ્ટી જયંતીભાઈ પટેલે જણાવેલ કે આશ્રમ સંપૂર્ણપણે દાતાના દાન આધારીત છે. કોઈપણ વ્યકિત તિથી ભોજન નિમિતે નાસ્તો, ભોજનની સાથે કપડા- અનાજ- અન્ય વસ્તુનું દાન પણ  આપી સંસ્થાને મદદરૂપ થઈ શકે છે.આ પ્રસંગે અંધ અપંગ વૃધ્ધાશ્રમના પ્રમુખ અને જાણીતા બિલ્ડર ભગવાનજીભાઈ પરસાણા, ગોવિંદભાઈ પટેલ, શિવલાલ વેકરીયા, કિશોર કોટડીયા, અકિલાના સિનિયર પત્રકાર અને જીવન કોમર્શીયલ કો.ઓપ.બેન્કના એમ.ડી. નરેન્દ્રસિંહજી જાડેજા, ભૂપતભાઈ બોદર સહિતના અગ્રણીઓ, તેમજ દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાવતી તેજશભાઈ કાલરીયાએ સર્વેનો આભાર માનેલ હતો. આ અંગે વધુ માહિતી માટે મો.૯૪૨૭૪ ૯૭૦૮૫ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:40 pm IST)