Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

૭ લાખની ચિલઝડપમાં ફરિયાદી જ કાવત્રાબાજઃ પાંચ ઝડપાયા

વિક્રમસિંગે પોતે જેની કંપનીમાં નોકરી કરે છે એ કૌટુંબીક કાકા ઉદયસિંગના દિકરા પાસે રૂ. ૨૦ હજાર માંગતા તેણે ન આપતાં તેના આંગડિયા મારફત આવતાં પૈસા બારોબાર હડપ કરી જવાનો બે દિવસ પહેલા પ્લાન પડ્યો'તોઃ ક્રાઇમ બ્રાંચ અને એ-ડિવીઝન પોલીસે ભેદ ખોલ્યોઃ ફરિયાદી વિક્રમસિંગ જ સુત્રધાર નીકળ્યો : પટનાના ઉદયસિંગની ન્યુ દુર્ગા એર સર્વિસ નામની કંપનીનું કામ રાજકોટમાં કૌટુંબીક ભત્રીજો વિક્રમસિંગ સંભાળે છેઃ વિક્રમસિંગે મિત્ર રંજન પાંડને પૈસાની જરૂર હોવાનું અને કાકાના પૈસાના પાર્સલની લૂંટનો પ્લાન સંભળાવતાં રંજને મિત્ર ચેતનને વાત કરી, ચેતને તેના મિત્ર અમરસિંગ અને જીગાને વાત કરીઃ આ ચારેયને ૨૦-૨૦ હજારની લાલચ અપાઇ હતી

કાલે ચિલઝડપ, આજે ડિટેકશનઃ ખડપીઠ પાસે ગઇકાલે ભરબપોરે મુળ બિહારના વિક્રમસિંગના હાથમાંથી એકટીવા પર આવેલા બે શખ્સ ૭ લાખની રોકડનો થેલો ખેંચી ભાગી જતાં સનસનાટી મચી ગઇ હતી. ક્રાઇમ બ્રાંચ અને એ-ડિવીઝન પોલીસની ટીમોએ ગઇકાલના આ ગુનાનું કલાકોમાં ડિટેકશન કરી પાંચને પકડ્યા છે. જેમાં મુખ્ય કાવત્રાખોર તરીકે ખુદ ફરિયાદી વિક્રમસિંગ  : (તસ્વીરમાં રાઉન્ડ કર્યુ છે તે) સામે આવ્યો છે. તેના સહિત પાંચને પકડી લઇ રોકડ તથા એકટીવા કબ્જે કરાયા છે. આ અંગેની માહિતી આપી રહેલા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, પી.આઇ. એચ. એમ. ગઢવી તથા તમામ પીએસઆઇ અને તેમની ટીમો જોઇ મુખ્ય તસ્વીરોમાં જોઇ શકાય છે. નીચેની તસ્વીરમાં પાંચેય આરોપી અને કબ્જે થયલી રોકડ તથા વાહન જોવા મળે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧: શહેરના રામનાથપરા સ્મશાન નજીક ખડપીઠવાળા રોડ પર કપિલા હનુમાન પાસે ગઇકાલે ભરબપોરે સામા કાંઠે રહેતાં અને આંગડિયા સર્વિસનું પટનાની કંપનીનું કામ સંભાળતા મુળ બિહારના વતની અને હાલ સંત કબિર રોડ પર સરદાર સ્કૂલ પાસે ગઢીયાનગર-૩માં રહેતાં વિક્રમસિંગ કેદારસિંગ પાસેથી ટુવ્હીલર પર આવેલા બે શખ્સો રૂ. ૭ લાખની રોકડનો થેલો ખેંચી ભાગી ગયા હતાં. આ મામલે એ-ડિવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચ અને એ-ડિવીઝનની ટીમના સંકલનથી ગણત્રીની કલાકોમાં ઉકલાઇ ગયો છે. ફરિયાદી વિક્રમસિંંગ જ આ ગુનાનો સુત્રધાર નીકળ્યો છે. તેણે કંપનીના શેઠના પુત્ર પાસેથી ૨૦ હજાર ઉછીના માંગ્યા હતાં, તે ન અપાતાં તેના જ પૈસા બારોબાર ઉડાડી લેવાનો બે દિવસ પહેલા પ્લાન ઘડી પોતાના મિત્ર સહિત ચાર શખ્સો સાથે મળીને અંજામ આપ્યો હતો. પોલીસે રોકડ મુદ્દામાલ સાથે પાંચેયને દબોચી લઇ આગવી ઢબે કાયદાનું ભાન કરાવ્યું છે.

ચિલઝડપથી આ ઘટનાના ડિટેકશનની વિગતો આપવા પોલીસ કમિશનર કચેરી ખાતે કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પોલીસે આ ગુનામાં પાંચ શખ્સો વિક્રમસિંગ કેદારસિંગ ક્ષત્રિય (ઉ.૩૦-રહે. સંત કબીર રોડ સરદાર સ્કૂલ સામે, જીતુભાઇ કાપડીયાના મકાનમાં, મુળભોજપુર જી. ગયા બિહાર), તેના મિત્ર રંજન દિલીપભાઇ પાંડે (ઉ.૧૯-રહે. શિવધારા હોટેલ પાછળ શકિત સોસાયટી, ભાવનગર રોડ મુળ નનવરા, જી. નવાદા બિહાર), રંજનના મિત્ર ચેતન સંજયભાઇ ચાવડા (ઉ.૨૨-રહે. હરસિધ્ધી સોસાયટી-૨, માનસરોવર પાર્ક પાસે આજીડેમ ચોકડી), તથા ચેતનના મિત્રો જીજ્ઞેશ પ્રભુભાઇ વેગડા (ઉ.૨૮-રહે. આરએમસી કવાર્ટર માયાણીનગર બ્લોક નં. ૫, ત્રીજો માળ) અને અમરસિંગ શિવનારાયણ તંબોળીયા (ઉ.૩૭-રહે. હરસિધ્ધી પાર્ક-૨, મહાદેવ મંદિર પાસે, આજીડેમ ચોકડી નજીક. મુળ બડનગર ઉજ્જૈન-એમપી)ની ધરપકડ કરી કુલ રૂ. ૬,૮૩,૫૦૦ તથા જીજે૦૩એલએ-૧૧૦૨ નંબરનું એકટીવા કબ્જે કર્યા છે. આરોપીમાં ફરિયાદી વિક્રમસિંગ પણ સામેલ છે.

ઘટનાની વિગતો જોઇએ તો વિક્રમસિંગ કેદારસિંગ ક્ષત્રીય (ઉ.૩૦) બિહારના ગયા જીલ્લાના ભોજપુર ગામનો વતની છે. તે બિહારની ન્યુ દુર્ગા એર સર્વિસ નામની કંપનીમાં નોકરી કરે છે. આ કંપનીની મુખ્ય ઓફિસ બિહારના પટનામાં છે. જ્યાં માલિક ઉદયસિંગ બેસે છે, જે વિક્રમસિંગના કૌટુંબીક કાકા થાય છે. આ કંપનીનું કામ ચાંદીના પાર્સલ મોકલવાનું, પહોંચાડવાનું છે. રાજકોટની આ કંપનીની બ્રાંચ વિક્રમસિંગ સંભાળે છે. 

ગઇકાલે સવારે સાડા દસેક વાગ્યે તેના શેઠ ઉદયસિંગે ફોન કરી ગ્રાહકને આપવાના ૭ લાખ રૂપિયા જય ભારત આંગડિયા પેઢીમાં મોકલ્યા છે તે લઇ આવવાની જાણ તેને કરી હતી. આથી તેણે જય ભારતમાં ફોન કરી પૃછા કરતાં ત્યાંથી પૈસા આવી ગયાનું કહેવાતા વિક્રમસિંગ ઘરેથી તેના મકાન માલિક જીતુભાઇ કાપડીયાનું બાઇક લઇને પૈસા લેવા જવા નીકળ્યો હતો. સાથે જીતુભાઇ પણ જોડાયા હતાં.

બંને સોની બજાર માંડવી ચોકમાં આવેલી જય ભારત આંગડિયા પેઢીએ પહોંચ્યા હતાં અને ત્યાંથી રૂ. ૭ લાખ મેળવી થેલામાં રાખી દીધા હતાં. એ પછી તે અને જીતુભાઇ પરત સામા કાંઠે જવા રવાના થયા હતાં. આ વખતે બાઇક જીતુભાઇ ચલાવતાં હતાં અને વિક્રમસિંગ પાછળ બેઠો હતો. રામનાથપરા કપિલા હનુમાન મેઇન રોડ પર પહોંચ્યા ત્યારે એકટીવા પર બે શખ્સ આવ્યા હતાં અને પાછળ બેઠેલા વિક્રમસિંગના હાથમાંથી રોકડનો થેલો ઝુંટવી રામનાથપરા સ્મશાન તરફ ભાગી ગયા હતાં. આ બનાવ બનતાં વિક્રમસિંગે પોતાના શેઠ ઉદયસિંગને ફોનથી જાણ કરી હતી. તેમજ ઓફિસની બાજુમાં  કામ કરતાં મહેશભાઇને પણ વાત કરી હતી.

પોલીસે આ અંગે આઇપીસી ૩૭૯ (એ) (૩), ૧૧૪ મુજબ રોકડના થેલાની ઝોંટ મારી જવા અંગે ગુનો નોંધ્યો હતો. ઘટના બનતાં જ એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજા અને ટીમે દોડધામ શરૂ કરી દીધી હતી. પોલીસે આ અંગે આઇપીસી ૩૭૯ (એ) (૩), ૧૧૪ મુજબ રોકડના થેલાની ઝોંટ મારી જવા અંગે ગુનો નોંધ્યો હતો. ઘટના બનતાં જ એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજા અને ટીમે દોડધામ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમો પણ એકશનમાં આવી ગઇ હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાએ તાકીદે ગુનો ડિટેકટ કરવા સુચના આપતાં પી.આઇ. એચ. એમ. ગઢવી તથા ટીમોએ દોડધામ શરૂ કરી દીધી હતી.

ટૂકડીઓએ આઇ-વે પ્રોજેકટ અંતર્ગત  ભોગ બનનાર વિક્રમસિંગ જે રૂટ પરથી પસાર થયો હતો તેના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તે ગુના ઉકેલવામાં મહત્વાના સાબિત થયા હતાં. અલગ-અલગ રસ્તાના અનેક ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતાં. ચિલઝડપકારના એકટીવાના નંબર સ્પષ્ટ દેખાતા નહોતા, ટેકનિકલ પધ્ધતિથી અને પોલીસ કન્ટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાના ફૂટેજથી તપાસ આગળવધારાઇ હતી.

દરમિયાન એસીપી જયદિપસિંહ સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની સુચનાથી ડીસીબી અને એ-ડિવીઝનની અલગ-અલગ ટીમો બનાવી શહેરભરમાં નાકાબંધી કરાવાઇ હતી. પોલીસે જ્યાંથી રૂપિયાનું પાર્સલ વિક્રમસિંગે મેળવ્યું હતું ત્યાંના ફૂટેજ ચેક કરતાં ત્યાંથી આરોપીઓની માહિતી મળી હતી. તેના આધારે ટૂકડી જીજ્ઞેશ વેગડાના ઘરે પહોંચી હતી પણ તે ઘરે નહોતો. તેના સગા મારફત તેના ફોન નંબર મેળવી લોકેશન શોધવા તવજવીજ કરવામાં આવી હતી.

આ ગુનામાં ચિલઝડપ થયેલી રોકડ સાથે ત્રણ શખ્સો જીજ્ઞેશ, અમરસિંગ અને ચેતન ગ્રીનલેન્ડ ચોકડીએથી જામનગર-અમદાવાદ રૂટની એસટી બસમાં બેસીને રવાના થઇગયાની માહિતીને આધારે પીએસઆઇ યુ. બી. જોગરાણાએ એસટી ડેપોના મેનેજરના સહયોગથી બસના લોકેશનની વિગતો મેળવી હતી. તેમણે બસ બામણબોર સુધી પહોંચી હોવાનું કહ્યું હતું.  એ સાથે જ ક્રાઇમ બ્રાંચની બીજી ટીમે બસનો પીછો કરવાની શરૂઆત કરી હતી.

અંતે ડોળીયા બાઉન્ડ્રી પાસે બસને રોકી પોલીસની ટૂકડી બસમાં બેસી ગઇ હતી અને વર્ણનને આધારે ત્રણ આરોપીઓને શોધી કાઢી સકંજામાં લેતાં અને તલાશી લેતાં તેની પાસેથી ચિલઝડપની રકમ પણ મળી આવી હતી. જીજ્ઞેશની પુછતાછ કરતાં તેણે આ ચિલઝડપમાં કાવત્રાખોર તરીકે ફરિયાદી વિક્રમસિંગનું જ નામ આપ્યું હતું. એ પછી પોલીસ ટૂકડી ત્રણેયને રાજકોટ લાવી હતી. ફરિયાદી બનેવા વિક્રમસિંગની વિશેષ પુછતાછ થતાં તેણે કબુલાત આપી હતી કે તેણે કંપનીના શેઠ ઉદયસિંગના દિકરા પાસે રૂ. વીસ હજાર માંગ્યા હતાં. પોતાના દિકરાની બિમારીની સારવાર માટે આ રકમની જરૂર હતી. પણ તેણે ન આપતાં પોતાને ગુસ્સો આવ્યો હતો અને હવે પછી પાર્સલમાં શેઠ મોટી મત્તાની રોકડ મોકલે તો તે લૂંટાઇ ગયાની સ્ટોરી બનાવી બારોબાર હડપ કરી જવાનો પ્લાન ઘડી લીધો હતો.

આ પ્લાનમાં સામેલ થવા તેણે પરિચીત એવા રંજનને વાત કરી હતી અને જો તે આ પ્લાનમાં સામેલ થશે તો પોતે ૨૦ હજાર આપશે તેમજ બીજા લોકોની પણ જરૂર હોઇ આવા લોકો શોધી આપવાનું અને તેને પણ પોતે ૨૦-૨૦ હજાર આપશે તેવી વાત કરતાં રંજને પોતાને ત્યાં પાણીના જગ ઉતારવા આવતાં ચેતન ચાવડાને આ પ્લાનની વાત કરી હતી. ચેતનને પૈસાની લાલચ જાગતાં તેણે પણ હા પાડી હતી અને બીજા બે શખ્સો તરીકે પોતાના મિત્રો જીજ્ઞેશ વેગડા તથા અમરસિંગ તંબોળીયાને જોડ્યા હતાં.

ત્યાં જ વિક્રમસિંગ જેની રાહમાં હતો એ ફોન પટનાથી આવ્યો હતો. શેઠે ૭ લાખ મોકલ્યાનું ગઇકાલે કહેતાં જ વિક્રમસિંગે પ્લાન મુજબ રંજનને અને રંજને બાકીના ત્રણને જાણ કરી દીધી હતી. સોની બજારમાં જય ભારત આંગડિયા પેઢી પાસે જ બધા ગોઠવાઇ ગયા હતાં. પ્લાન મુજબ વિક્રમસિંગ પોતાના પર શંકા ન જાય એ માટે મકાન માલિકને સાથે લાવ્યો હતો. વળવતી વખતે વાહન પણ મકાન માલિક જીતુભાઇને જ હંકારવા આપ્યું હતું અને પોતે રોકડના થેલા સાથે પાછળ બેઠો હતો. એ પછી ખડપીઠ રોડ પર પહોંચતા જ ચેતન અને અમરસિંગે આવી થેલો ખેંચી લીધો હતો અને આગળ ઉભેલા ચેતન સાથે મળી ભાગી ગયા હતાં.

બાદમાં ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી ત્યાંથી અમદાવાદ જતી બસમાં ચડી ગયા હતાં. એકાદ-બે દિવસ પછી પોલીસ તપાસ ધીમી પડે ત્યારબાદ રાજકોટ આવી જવાનું નક્કી કર્યુ હતું. પરંતુ તમામને પોલીસે કલાકોમાં જ દબોચી લીધા હતાં. પાંચયને પોલીસ કમિશનર કચેરીના લીમડા નીચે કડવાણી અપાઇ હતી.

ઝડપાયેલામાં જીજ્ઞેશ ડ્રાઇવીંગ કરે છે, ચેતના પાણીના કેરબા પહોંચાડવાનું કામ કરે છે, અમરસિંગ અગાઉ ચેતન ભેગો નોકરી કરતો હતો. જ્યારે રંજન વિક્રમસિંગનો મિત્ર છે અને તેના વતનનો છે. બધાને પૈસાની જરૂર હોઇ એક સાથે પ્લાનમાં જોડાયા હતાં. ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, એ. એસ. સોનારા, યુ. બી. જોગરાણા, એસ. વી. સાખરા, એસ. વી. પટેલ, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, બળભદ્રસિંહ જે. જાડેજા, બિપીનભાઇ ગઢવી, એભલભાઇ બરાલીયા,કુલદીપસિંહ જાડેજા, જે. પી. મેવાડા, જે. વી. ગોહિલ, હિતેન્દ્રસિંહ ઝાલા, પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, અમિતભાઇ અગ્રાવત, સંજય ચાવડા, કરણભાઇ મારૂ, યોગીરાજસિહ જાડેજા, સોકતભાઇ ખોરમ, યુવરાજસિંહ ઝાલા, હિરેનભાઇ સોલંકી, મનજીભાઇ ડાંગર, પરેશગીરી ગોસ્વામી, સંજયભાઇ રૂપાપરા, સુર્યકાંતભાઇ જાદવ, નગીનભાઇ ડાંગર તથા પોલીસ કન્ટ્રોલ રૂમ આઇ-વે પ્રોજેકટના કર્મચારીઓએ આ ડિટેકશન કર્યુ હતું.

ક્રાઇમ બ્રાંચ અને એ-ડિવીઝન પોલીસની ટીમને કલાકોમાં ભેદ ઉકેલવા બદલ પોલીસ કમિશનરશ્રીએ ૧૫-૧૫ હજારની રોકડનું ઈનામ આપ્યું હતું.

ગુનાઓના ડિટેકશનમાં શહેરની તમામ પોલીસ-બ્રાંચો એક બનીને સફળતા મેળવે છેઃ પી.આઇ. એન. કે. જાડેજા

. એ-ડિવીઝન પોલીસ મથકના પી.આઇ. એન. કે. જાડેજાએ જણાવ્યું હતું કે આ ગુનાનું ડિટેકશન કરવામાં એ-ડિવીઝન પોલીસની ટીમના પીએસઆઇ એસ.વી. સાખરા, ભરતસિંહ ગોહિલ, હારૂનભાઇ ચાનીયા, ઇન્દુભા, નરેશભાઇ, મેરૂભા ઝાલા, મોૈલિકભાઇ સહિતની ટીમે પણ દોડધામ કરી હતી. આરોપીઓની તસ્વીર અને બસમાં જઇ રહ્યાની મહત્વની ટીપ્સ મેળવવામાં સફળતા મળી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે પણ પણ તાકીદે આરોપીઓ જે બસમાં જઇ રહ્યા હતાં તેને આંતરી લેવામાં સફળ થઇ હતી. શહેરમાં દરેક પોલીસ મથકની ટીમો અને બ્રાંચની ટીમો આવા ગુના વખતે એક બનીને કામગીરી કરે છે અને તેના કારણે ગંભીર ગુના ડિટેકટ કરવામાં સફળતા મળે છે. ઉચ્ચ અધિકારીઓના સતત માર્ગદર્શન હેઠળ આ ગુનામાં પણ બધાએ સાથે મળી કામ કરતાં સફળતા મળી છે. એ-ડિવીઝનની ટીમને પણ પોલીસ કમિશનરશ્રીએ ઇનામ આપ્યું છે.

ભાગબટાઇમાં નહિ મળે તો?...એમ વિચારી  વિક્રમસિંગે ૭ લાખમાંથી ૧ લાખ ચિલઝડપ

થઇ એ પહેલા જ કાઢી લીધા'તા

. વિક્રમસિંગે સમગ્ર ઘટનાને અંજામ આપવાનો પ્લાન ઘડ્યો હતો. પ્લાન મુજબ જ તેના હાથમાં રોકડનો થેલો ખેંચી જવાયો હતો. તેમાં સાત લાખ હોવાની તેણે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ વિક્રમસિંગને એમ હતું કે પ્લાનને અંજામ આપ્યા પછી કદાચ ભાગબટાઇમાં પોતાના હાથમાં કંઇ નહિ આવે તો? એમ વિચારે તેણે પાર્સલના ૭ લાખમાંથી ૧ લાખ પહેલા જ કાઢીને અલગ રાખી દીધા હતાં. એ પછી જે થેલો ખેંચી જવાયો હતો તેમાં ૬ લાખ જ હતાં. બાકીના ચારને ચિલઝડપ બાદ રૂ. ૨૦-૨૦ હજાર આપવાનુું વિક્રમસિંગે વચન આપ્યું હતું. પરંતુ બાકીનોએ પણ પોતાની રીતે છ લાખમાંથી ભાગ પાડી લીધા હતાં. મોટા ભાગની રકમ સાથે જીજ્ઞેશ, ચેતન અને અમરસિંગ રાજકોટથી એસટી બસમાં બેસી અમદાવાદ તરફ જવા રવાના થઇ ગયા હતાં. પણ બસને ક્રાઇમ બ્રાંચની ટીમે આંતરી લઇ બસમાંથી ત્રણેયને વર્ણનને આધારે ઓળખી લઇ સકંજામાં લીધા હતાં. રોકડ પણ તેની પાસેથી મળી આવી હતી.

(3:23 pm IST)