Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટીમાં ફિલ્મી ઢબે આતંકનો મામલો

પોલીસ સમન્વયના જેતપુરના પ્રમુખ રોહિત ગાજીપરા, રાજકોટના રવિ રામાણી સહિત ૧૨ની ધરપકડઃ જ્યાં ધમાલ મચાવી હતી ત્યાં હાથ જોડી માફી માંગી

રોહિત ગાજીપરાએ પોતાના પૂર્વ કર્મચારી મોચી યુવાને સોલાર કંપનીના ડેટા ન આપતાં તેના ઘરે ગૂંડાગીરી આચરી હતી : માલવીયાનગર પોલીસે રોહિત-રવિ ઉપરાંત પ્રશાંત ગાજીપરા, તેજસ ગાજીપરા, રવિરાજ કટારીયા, મુકેશ પરમાર, રાજેન આંકલીયા, અજય ચાવડા, રાહુલ ગજેરા, રમેશ ચરમાણી, વિશાલ ડોબરીયા અને પંકજ શીંગાળાની ધરપકડ કરી બે કાર, ત્રણ બાઇક, પ્લાસ્ટીક અને લોખંડના ૬ પાઇપ કબ્જે કર્યાઃ તમામે રાત લોકઅપમાં વિતાવી

કાયદો બધા માટે સરખો...પોલીસે સાબિત કર્યુ :  ભુલ થઇ ગઇ, હવે આવું નહિ કરીએ...મવડી પ્લોટની શ્રીનાથજી સોસાયટીમાં બુધવારની રાતે ફિલ્મી ઢબે ધમાલ મચાવનારા ૧૨ શખ્સોને આજે માલવીયાનગરના પી.આઇ. એન. એન. ચુડાસમા અને ટીમે ઘટના સ્થળે લઇ જઇ તપાસના ભાગ રૂપે રિકન્સ્ટ્રકશનની કાર્યવાહી કરતાં લોકો આ કામગીરી નિહાળવા ભેગા થઇ ગયા હતાં. ત્યારે બારેય આરોપીઓએ પોતાનાથી જે થયું તે ભુલ હોવાનો અહેસાસ કરી હાથ જોડી માફી માંગી હતી. પોલીસની કાર્યવાહીની રહેવાસીઓએ પ્રશંસા કરી હતી. કાયદો બધા માટે સરખો તેવી પ્રતિતિ પોલીસે કરાવી હતી. તસ્વીરમાં જેની ધરપકડ થઇ તે શખ્સો, જેના પર હુમલો થયો હતો તે મોચી પરિવારના સભ્યો અને કામગીરી નિહાળવા એકઠા થયેલા લોકો જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા) 

રાજકોટ તા. ૨૧: મવડી પ્લોટની શ્રીનાથજી સોસાયટી-૧૧માં મંગળવારે રાત્રીના પટેલ કારખાનેદારે અને જેતપુર પોલીસ સમન્વયના પ્રમુખ રોહિત ગાજીપરાએ બીજા અગિયાર જેટલા શખ્સો સાથે મળી પોતાના પૂર્વ કર્મચારી મોચી યુવાનના ઘરે જઇ ફિલ્મી ઢબે આતંક મચાવતાં દેકારો મચી ગયો હતો. હુમલામાં મોચી યુવાન નિતેશ ચાવડા, તેના મોટા ભાઇ દિપકભાઇ ચાવડા, પિતા દુર્લભજીભાઇ, ભત્રીજા હિરેન તથા મિત્રને ઇજા થઇ હતી. અગાઉ મોચી યુવાન રોહિતના કારખાનામાં ત્યાં સોલાર સિસ્ટમના સેલ્સમેન તરીકે કામ કરતો હતો. હાલમાં બીજી કંપનીમાં કામે રહ્યો હોઇ પટેલ કારખાનેદારે એ કંપનીના ભાવ સહિતના ડેટા માંગતા મોચી યુવાને ન આપતાં હુમલો કરાયો હતો. આ ગુનામાં બારેય શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરતાં તમામે રાત લોકઅપમાં વીતાવી હતી. દરમિયાન બપોરે આ તમામે જ્યાં ફિલ્મી સ્ટાઇલ ધમાલ મચાવી હતી ત્યાં લઇ જઇ પોલીસે રિકન્સ્ટ્રકશનની કાર્યવાહી કરતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં.

બનાવ અંગે માલવીયાનગર પોલીસે શ્રીનાથજી-૧૧માં રહેતાં અને ફોટોગ્રાફીનું કામ કરતાં દિપકભાઇ દુર્લભજીભાઇ ચાવડા (મોચી) (ઉ.૪૭)ની ફરિયાદ પરથી રાધાનગરમાં રહેતાં અને જયસન સોલાર નામે કારખાનુ ચલાવતાં પોલીસ સમન્વયવાળા રોહિત ગાજીપરા (પટેલ) તથા તેની સાથેના રાજન અંકોલીયા, અજય (વેકરીગામ વાળો), રવિ (ડૈયા ગામવાળો), તેજસ ગાજીપરા, પ્રશાંત ગાજીપરા અને છ અજાણ્યા સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

ફરિયાદી દિપકભાઇનો નાનો ભાઇ નિતેશ અગાઉ રોહિત ગાજીપરાની ફેકટરીમાં કામ કરતો હતો અને તેની સોલાર સિસ્ટમ વેંચતો હતો. હાલમાં તેણે તેની નોકરી મુકી દીધી છે અને મનિષ પટેલની અલ્ટ્રા પાવર નામની સોલાર સિસ્ટમનું વેંચાણ કરે છે. રોહિતે નિતેશને ફોન કરી તે હાલમાં જે કંપનીના સોલાર વેંચે છે તેની વિગતો આપવા ડેટા આપવા અને શું ભાવે વેંચાણ થાય છે? તે સહિતની માહિતી આપવા ફોન કરતાં નિતેશે ન આપતાં રોહિતે ટોળકી રચી તેના ઘરે જઇ આતંક મચાવ્યો હતો.

આ ગુનામાં પોલીસે રોહિત ચકુભાઇ ગાજીપરા (ઉ.૪૧-રહે. રાધાનગર-૧૦, માયાણી ચોક પાસે), રવિરાજ જીવાભાઇ કટારીયા (ઉ.૨૬-રહે. ડૈયા તા. ગોંડલ), મુકેશ ભુપતભાઇ પરમાર (ઉ.૩૦-રહે. ચંદ્રેશનગર-૮), રાજેશ ધીરજલાલ આંકોલીયા (ઉઉ૨૨-રહે. સરદારનગર-૨, મવડી રોડ રાધારમણ), અજય અશોકભાઇ ચાવડા (ઉ.૨૮-રહે. વેકરી તા. ગોંડલ), રાહુલ જયસુખભાઇ ચાવડા (ઉ.૨૮-રહે. સરદારનગર, મવડી રોડ), રમેશ નરસીભાઇ સરમાણી (ઉ.૫૦-રહે. ચરખડી તા. ગોંડલ), રવિ રાજેશભાઇ રામાણી (ઉ.૨૩-રહે. વોરાકોટડા રોડ ગોંડલ), વિશાલ રમેશભાઇ રામાણી (ઉ.૨૮-રહે. મહેશ્વરી પાર્ક મોરબી રોડ), પંકજ ધરમશીભાઇ શીંગાળા (ઉ.૪૧-રહે. રાજદિપ સોસાયટી-૪, ૪૦ ફુટ રોડ), તેજસ ભીખાભાઇ ગાજીપરા (ઉ.૩૫-રહે. ક્રિષ્ના પાર્ક-૯, ૧૫૦ રીંગ રોડ) અને પ્રશાંત રમેશભાઇ ગાજીપરા (ઉ.૩૮-રહે. રાધાનગર-૬/૭, મવડી પ્લોટ)ની ધરપકડ કરી છે.

પોલીસે એક સ્વીફટ કાર, એક રાહીનો કાર તથા ત્રણ બાઇક અને ત્રણ પ્લાસ્ટીકના તથા ત્રણ લોખંડના પાઇપ કબ્જે કર્યા છે. આ તમામે રાત લોકઅપમાં વિતાવી હતી. ઝડપાયેલાઓમાં રોહિત ગાજીપરા પોલીસ સમન્વય જેતપુરમાં પ્રમુખનો હોદ્દો ધરાવે છે. રવિ રામાણી પોલીસ સમન્વયમાં ક્રાઇમ રિપોર્ટર છે, તેમજ ગુજરાત આઇટી સેલ સંભાળે છે. આ ઉપરાંત તેજ ગાજીપરા પોલીસ સમન્વયમાં રાજકોટ જીલ્લા પ્રેસિડેન્ટ છે અને પ્રશાંત ગાજીપરા રાજકોટ ઝોન-૨માં પ્રેસિડેન્ટનો હોદ્દો ધરાવતો હોવાનું પોલીસે કહ્યું હતું.

બપોરે આ તમામને શ્રીનાથજી સોસાયટીમાં લઇ જઇ રિન્કન્ટ્રકશનની કાર્યવાહી કરવામાં આવી હતી. રોહિત ગાજીપરા, રવિ રામાણી સહિતનાએ હાથ જોડીને લોકોની માફી માંગી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પી.આઇ. એન. એન. ચુડાસમા, એએસઆઇ પરેશભાઇ જારીયા, જાવેદખાન રિઝવી, અરૂણભાઇ બાંભણીયા અને ડી. સ્ટાફની ટીમે કાર્યવાહી કરી હતી.

(3:50 pm IST)