Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ભાગ્યે જ મળતા વિશિષ્ટ ચંદ્રકમાં ર૮મીએ રાજકોટ છવાઇ જશે

અંતે ૪ વર્ષથી જેની રાજય પોલીસ તંત્ર ચાતક નજરે વાટ જોતુ હતુ તેવી રળીયામણી ઘડી આવી પહોંચીઃ રાજકોટ માટે તો આંગણે અવસર આનંદનો : પ્રથમવાર પીએસઆઇ કક્ષાએ ગજુભા રાઠોડ અને એએસઆઇ લેવલે એલ.વી.રાણાનો સમાવેશઃ રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને પુર્વ પોલીસ કમિશ્નર મોહન ઝાને પણ વિશિષ્ટ એવોર્ડથી વિભુષીત કરાશે

રાજકોટ, તા., ર૧: રાજય પોલીસ તંત્રમાં ટોપ ટુ બોટમ કક્ષાએ જેની ચાતક નજરે છેલ્લા ૪ વર્ષથી વાટ જોવાઇ રહી હતી  તેવા પોલીસ તંત્રના પ્રસંશનિય અને તેમાં પણ વિશિષ્ટ રાષ્ટ્રપતિ મેડલ જાહેર થવાનું મુહુર્ત આખરે આવેલ છે.  ર૮મી તારીખે ગાંધીનગરમાં રાજયપાલ અને મુખ્યમંત્રી સહીતના મહાનુભાવોની વિશિષ્ટ ઉપસ્થિતિમાં યોજાનાર આ સમારોહમાં રાજય પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને તેઓની  ટીમને જવાબદારી સુપ્રત કરી છે.

પોલીસમાં પ્રસંંશનિય કામગીરી માટે એવોર્ડ મળે એ સારી બાબત છે પરંતુ વિશિષ્ટ રાષ્ટ્રપતિ ચંદ્રક મળવો એ ખુબ જ ભાગ્યની વાત છે. સામાન્ય રીતે આઇપીએસ કક્ષાએ  કે વધીને ડીવાયએસપી કક્ષાએ આ એવોર્ડ મળતા હોય છે. પરંતુ આનંદની વાત એ છે કે આ વખતે એક પીએસઆઇ અને એક એએસઆઇનો વિશિષ્ટ મેડલમાં સમાવેશ છે. રાજકોટ માટે તો આંગણે અવસર આનંદનો રૂડો અવસર છે ભુતકાળમાં રાજકોટમાં લાંબો સમય સુધી યશસ્વી ફરજ બજાવી થોડો સમય અગાઉ જ નિવૃત થયેલા  ગજેન્દ્રસિંહ (ગજુભા) રાઠોડ તથા રાજકોટ ગ્રામ્યમાં નાસતા ફરતા ગુન્હેગારોને ઝડપવાની રેકોર્ડ બ્રેક કામગીરી કરનાર એલ.વી.રાણા (સ્વ.મહાવીરસિંહ રાણાના નાનાભાઇ)ને પણ આ સન્માન મળનાર છે.  રાજકોટ માટે આનંદના અવસરની વાત અહીથી પુરી થતી નથી. રાજકોટના પોલીસ કમિશ્નર અને ટેકનોલોજીમાં માસ્ટરી ધરાવતા  મનોજ અગ્રવાલને પણ વિશિષ્ટ એવોર્ડ મળનાર છે. હજુ વિશેષ આનંદની વાત કરીએ તો રાજકોટમાં ભુતકાળમાં પ્રજામિત્ર તરીકે યશસ્વી કામગીરી કરનાર ડીજી કક્ષાએ નિવૃત થયેલા પુર્વ પોલીસ કમિશ્નર મોહન ઝાનો પણ સમાવેશ હોવાનું સુત્રો જણાવે છે.

વિશિષ્ટ એવોર્ડ માટેની લાયકાત જોઇએ તો ભુતકાળમાં પ્રસંશનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવ્યા બાદ ૫ વર્ષ પછી સંબંધક અધિકારી કામગીરીનો રીવ્યુ થાય છે. તેમના સી.આર. તપાસવામાં આવે છે.  આ એવોર્ડ મેળવનાર વિરૂધ્ધ કોઇ ગુન્હાહીત ફરીયાદ કે એસીબી છટકા જેવી ફરીયાદ ન હોવી જોઇએ. યશસ્વી કામગીરી બદલ ર૦૦ જેટલી ગુડસર્વિસ ટીકીટ અને રોકડ ઇનામ મેળવ્યા હોવા જોઇએ.

તમામ એવોર્ડ માટે શહેરમાં પોલીસ કમિશ્નર અને જીલ્લા કક્ષાએ એસપી દરખાસ્ત કરે આવી દરખાસ્તની સંબંધક રેન્જ વડા તપાસ કરે ત્યાર બાદ ડીજી ઓફીસને મોકલવામાં આવે ત્યાં પણ ખાસ કમીટી દ્વારા ચકાસણી કરવામાં આવે આ કમીટીમાં ગૃહ ખાતા સહીતના પોલીસ તંત્રના ઉચ્ચકક્ષાના અધિકારીઓ હોય છે. આ ચકાસણી બાદ મુખ્ય સચિવ મારફત કેન્દ્રમાં મોકલવામાં આવે અહી પણ આકરી ચકાસણી બાદ લીલીઝંડી મળ્યે રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે.એવોર્ડની કેટેગરી જોઇએ તો પોલીસ ખાતામાં પ્રસંશનીય કામગીરી વિશિષ્ટ કામગીરી એવોર્ડ તથા ગેલેન્ટરી એવોર્ડ હોય છે. ગેલેન્ટરી એવોર્ડ આગ, અકસ્માત, ધાડ, લુંટ અને આતંકવાદી હુમલા સમયે જાનના જોખમે બજાવેલી કામગીરી બદલ જ આ એવોર્ડ આપવામાં આવે છે. ર૦૦રની સાલમાં સુરતના હાલના પોલીસ કમિશ્નર કે જે તે સમયે તેઓ ગાંધીનગરના એસપી હતા આ સમયે અક્ષર ધામમાં આતંકી હુમલો થયેલ. બહાદુરીથી આતંકવાદીઓનો મુકાબલો કરવા જતા તેમને હાથમાં ગોળી વાગી હતી. પરંતુ આમ છતા તેઓ સારવાર લઇ આતંકવાદી વિરોધી ઓપરેશનમાં સામીલ થયા હતા.

(1:04 pm IST)