Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

બેભાન હાલતમાં ત્રણના મોતઃ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

વિજયપ્લોટના ચંદુભાઇ, રૈયા રોડના હસીનાબેન અને ગોંડલ રોડ ચોકડી પાસે રહેતાં હસમુખભાઇના મૃત્યુથી સ્વજનોમાં શોક

રાજકોટ તા. ૨૧: વિજય પ્લોટ-૧૦માં રહેતાં ચંદુભાઇ કાળુભાઇ ઝરીયા (ઉ.૪૨) નામના લોધા યુવાન ઘર નજીક શેરી નં. ૧૨માં આવેલા મોમાઇ હેડ રિપેરીંગ નામના ગેરેજમાં કામ કરતાં હતાં ત્યારે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. ચંદુભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું પરિવારજનોએ કહ્યું હતું. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

અન્ય બનાવમાં રૈયા રોડ પર આમ્રપાલી ટોકિઝ પાછળ મન્નત એપાર્ટમેન્ટમાં રહેતાં હસીનાબેન યુસુફભાઇ સુધાગુનિયા (ઉ.૪૫) સાંજે ઘરે બિમારી સબબ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના  દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ જાણ કરતાં ગાંધીગ્રામના એએસઆઇ એમ.વી. લુવાએ જરૂરી કાર્યવાહી કરી હતી.  મૃતકના પતિ જમીન-મકાનનું કામ કરે છે. સંતાનમાં એક પુત્ર છે. જે મા વિહોણા થતાં શોક છવાઇ ગયો હતો.

અન્ય બનાવમાં ગોંડલ રોડ ચોકડીએ રિધ્ધી સિધ્ધી સોસાયટી-૧માં રહેતાં હસમુખભાઇ જેન્તીભાઇ ભારદીયા (ઉ.૪૦) રાત્રે બારેક વાગ્યે ઘરે બિમારી સબબ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત જાહેર કરવામાં આવતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ જાણ કરતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:03 pm IST)