Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ખડપીઠ કપિલા હનુમાન પાસેની ૭ લાખની ઝોંટનો ગુનો ઉકેલાયોઃ ફરિયાદી જ આરોપી, બીજા ૪ પણ સકંજામાં

ક્રાઇમ બ્રાંચની ટૂકડીએ કલાકોમાં ભેદ ઉકેલ્યોઃ વાહનો, મુદ્દામાલ કબ્જેઃ વિક્રમસિંગે કાવત્રુ રચી પટના સ્થિત શેઠના રૂપિયા ચાંઉ કરી જવાનો પ્લાન ઘડ્યો અને અમલમાં મુકયોઃ પણ પોલીસે ઉઘાડો પાડી દીધો

રાજકોટ તા. ૨૧: ગઇકાલે ભરબપોરે ખડપીઠ રોડ પર કપિલા હનુમાનજી મંદિર પાસે મુળબિહારના વતની અને હાલ સંત કબિર રોડ પર સરદાર સ્કૂલ પાસે ગઢીયાનગર-૩માં જીતુભાઇ કાપડીયાના મકાનમાં રહેતાં તેમજ બિહારની ન્યુ દુર્ગા એર સર્વિસ નામની કંપનીમાં નોકરી કરતાં વિક્રમસિંગ કેદારસિંગ પાસેથી ટુવ્હીલર પર આવેલા બે શખ્સો રૂ. ૭ લાખની રોકડનો થેલો લૂંટી ભાગી ગયા હતાં. આ મામલે એ-ડિવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચની ટીમે ગણત્રીની કલાકોમાં ઉકેલી નાંખી પાંચ આરોપીઓને ઝડપી લઇ મુદ્દામાલ રિકવર કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓમાં ફરિયાદી પોતે પણ સામેલ છે!

વિક્રમસિંગ કેદારસિંગ ક્ષત્રીય (ઉ.૩૦) બિહારના ગયા જીલ્લાના ભોજપુર ગામનો વતની છે. તે બિહારની ન્યુ દુર્ગા એર સર્વિસ નામની કંપનીમાં નોકરી કરે છે. આ કંપનીની મુખ્ય ઓફિસ બિહારના પટનામાં છે. જ્યાં માલિક ઉદસિંગ બેસે છે. આ કંપનીનું કામ ચાંદીના પાર્સલ મોકલવાનું, પહોંચાડવાનું છે. રાજકોટની આ કંપનીની બ્રાંચ વિક્રમસિંગ સંભાળે છે. તેનો પરિવાર વતનમાં રહે છે.

ગઇકાલે સવારે સાડા દસેક વાગ્યે તેના શેઠ ઉદયસિંગે ફોન કરી ગ્રાહકને આપવાના ૭ લાખ રૂપિયા જય ભારત આંગડિયા પેઢીમાં મોકલ્યા છે તે લઇ આવવાની જાણ વિક્રમસિંગને કરી હતી. આથી તેણે જય ભારતમાં ફોન કરી પૃછા કરતાં ત્યાંથી પૈસા આવી ગયાનું કહેવાતા વિક્રમસિંગ ઘરેથી તેના મકાન માલિક જીતુભાઇ કાપડીયાનું બાઇક લઇને પૈસા લેવા જવા નીકળ્યો હતો. સાથે જીતુભાઇ પણ જોડાયા હતાં.

બંને સોની બજાર માંડવી ચોકમાં આવેલી જય ભારત આંગડિયા પેઢીએ પહોંચ્યા હતાં અને ત્યાંથી રૂ. ૭ લાખ મેળવી થેલામાં રાખી દીધા હતાં. એ પછી તે અને જીતુભાઇ પરત સામા કાંઠે જવા રવાના થયા હતાં. આ વખતે બાઇક જીતુભાઇ ચલાવતાં હતાં અને વિક્રમસિંગ પાછળ બેઠો હતો. રામનાથપરા કપિલા હનુમાન મેઇન રોડ પર પહોંચ્યા ત્યારે એકટીવા પર બે શખ્સ આવ્યા હતાં અને પાછળ બેઠેલા વિક્રમસિંગના હાથમાંથી રોકડનો થેલો ઝુંટવી રામનાથપરા સ્મશાન તરફ ભાગી ગયા હતાં. આ બનાવ બનતાં વિક્રમસિંગે પોતાના શેઠ ઉદયસિંગને ફોનથી જાણ કરી હતી. તેમજ ઓફિસની બાજુમાં  કામ કરતાં મહેશભાઇને પણ વાત કરી હતી.

પોલીસે આ અંગે આઇપીસી ૩૭૯ (એ) (૩), ૧૧૪ મુજબ રોકડના થેલાની ઝોંટ મારી જવા અંગે ગુનો નોંધ્યો હતો. ઘટના બનતાં જ એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજા અને ટીમે દોડધામ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમો પણ એકશનમાં આવી ગઇ હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાએ તાકીદે ગુનો ડિટેકટ કરવા સુચના આપતાં પી.આઇ. એચ. એમ. ગઢવી તથા ટીમોએ દોડધામ શરૂ કરી દીધી હતી.

પોલીસને ફૂટેજને આધારે તથા ફરિયાદીએ જે રીતે વિગતો આપી તેના આધારે વિશેષ તપાસ કરતાં ખુદ ફરિયાદી જ શંકાના દાયરામાં આવી ગયો હતો અને ભેદ ઉકેલવામાં મહત્વની દિશા મળી ગઇ હતી. આ ગુનામાં પોલીસે પાંચ આરોપીઓને રોકડ સાથે પકડી લીધા છે. જેમાં એક ફરિયાદી પોતે પણ છે. વિશેષ માહિતી કોન્ફરન્સમાં આપવામાં આવશે.

(11:46 am IST)