Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

રજપૂત વૃધ્ધનું ગેરેજ રાતોરાત ગાયબ...ઇમલો પાડીને મેદાન કરી નખાયું!: ન્યાય ન મળતાં ઇચ્છા મૃત્યુ માંગ્યું

૩૬ વર્ષથી હાથીખાના રોડ પર ભાડલાવાળા ડેલામાં ગેરેજ ચલાવતા'તાઃ બાયપાસ કરાવ્યું હોઇ બે વર્ષથી ત્યાં જઇ શકયા નહોતાં: ૨૨/૭/૧૯ના ખબર પડતાં જોવ ગયા તો આશરે ૧૧૦૦ વારનું ગેરેજ અને તમામ મશીનરી ગૂમ હતાં: કમ્પાઉન્ડ વોલ હતી, અંદરનો ઇમલો નહોતો!: પોલીસને અરજીઓ કરી પરંતુ ન્યાય ન મળ્યો : ગેરેજ હતું કે કેમ તેવા પુરાવા રજૂ કરવા કહેવાય છેઃ કમનસિબે તમામ પુરાવા પણ ગેરેજમાં જ હતાં: વ્યથિત વૃધ્ધ કિશોરભાઇ ગોહેલે ગૃહ સચિવ, જેસીપી, કલેકટર પાસે ઇચ્છા મૃત્યુની પરવાનગી માટે અરજ કરી

રાજકોટ તા. ૨૦: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડપર ઇગલ ટાવર્સ પાછળ શ્રીજીનગર-૨માં 'અંજલી' ખાતે રહેતાં રજપૂત વૃધ્ધ કિશોરભાઇ મોહનભાઇ ગોહેલ (ઉ.વ.૭૭)એ ગૃહસચિવ, જોઇન્ટ પોલીસ કમિશનર અને કલેકટરને લેખિત રજૂઆત કરી ઇચ્છા મૃત્યુની પરવાનગી આપવા માંગણી કરી છે!...આ વૃધ્ધે વિસ્તૃત રજૂઆતમાં જણાવ્યું છે કે પોતે ૩૬ વર્ષથી હાથીખાના મેઇન રોડ પર ફોરવ્હીલરનું ગેરેજ ભાડલાવાળાના ડેલામાં ચલાવતાં હતાં. હાર્ટનું ઓપરેશન કરાવ્યું હોઇ બે વર્ષથી તેઓ પોતાના આ ગેરેજ આટો મારવા જઇ શકયા નહોતાં. ૨૨/૭/૧૯ના રોજ ત્યાં ગયા ત્યારે ગેરેજને બદલે પટ જોવા મળ્યો હતો!...એટલુ જ નહિ ગેરેજનો ચારેક લાખનો કિંમતી સામાન પણ ગાયબ હતો. તપાસ કરતાં ખબર પડી હતી કે બિલ્ડરે ટ્રસ્ટની આ જગ્યા લીધી હતી. આ મામલે તે વખતે પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનરને અરજીઓ કરી હતી. પરંતુ કોઇ કાર્યવાહી ન થતાં અને ઉલ્ટાના એ જગ્યાએ ગેરેજ હતું કે કેમ? તેના પુરાવા લઇ આવવાનું કહેવાતાં અંતે થાકી હારીને તેમણે ઇચ્છા મૃત્યુની પરવાનગી માંગી છે.

ગૃહસચિવશ્રીને ઉદ્દેશીને કરવામાં આવેલી અરજીમાં વૃધ્ધ કિશોરભાઇ ગોહેલે જણાવ્યું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની લગામ જમીન કોૈભાંડકારો અને પૈસાપાત્ર લોકો તથા રાજકારણીઓના હાથમાં હોય એવું લાગે છે. વર્ષો જુનો હું ભાડૂઆત હતો અને મારી જગ્યા છીનવી લેવામાં આવી છે. તેમજ ત્યાંનો લાખોનો માલસામાન ગાયબ કરી દેવામાં આવ્યો છે. મેં હૃદય રોગનું ઓપરેશન કરાવ્યું છે અને આંખે બરાબર દેખાતુ પણ નથી કે હું બરાબર ચાલી શકતો નથી.  પોલીસ પાસેથી ન્યાય મળ્યો નથી. ફરિયાદ કરવા જતાં મને કહેવાયું કે ખરેખર મારું ગેરેજ હતું કે કેમ? તેના પુરાવા આપવા પડે. પણ મારી કમનસિબી એ છે કે બધા જ પુરાવા ગેરેજમાં રાખતો હતો. હવે એ ગેરેજ જ ત્યાં રહ્યું નથી અને મારો લાખોનો સામાન-મશીનરી પણ ત્યાં નથી. ત્યાં ૧૧૦૦ વારની જગ્યામાં હું ગેરેજ ચલાવતો હતો. અનેક મારા ગ્રાહકો છે જે રિપેરીંગમાં આવતાં હતાં તે પણ જાણે છે કે મારું ગેરેજ હતું. પરંતુ મારી પાસે તેનો કોઇ પુરાવો હાથ ઉપર નથી. 

કિશોરભાઇના પુત્ર ભુષણભાઇએ જણાવ્યું હતું કે મારા પિતા કિશોરભાઇ ૩૬ વર્ષથી ભાડલાવાળાના ડેલામાં ગેરેજ ચલાવતાં હતાં. ભાડાની આ જગ્યા હતાં. તેમને હાર્ટએટેક આવતાં ઓપરેશન કરાવવું પડ્યું હોઇ બે વર્ષથી તેઓ ગેરેજવાળી જગ્યાએ જઇ શકયા નહોતાં. એ પછી અમે ૨૨/૭ના રોજ ત્યાં ગયા ત્યારે કમ્પાઉન્ડ વોલ જેમની તેમ હતી, પરંતુ અંદર જતાં અમારું ગેરેજ ગાયબ હતું અને ત્યાં પટ જોવા મળ્યો હતો! આ જોઇ અમે ચોંકી ગયા હતાં. ત્યાં હાજર લોકોને પુછતાં અહિ હવે કંઇ નથી તેવું કહેવાતાં અમે એ દિવસે જ એ-ડિવીઝન પોલીસમાં અરજી કરી હતી. અમારા નિવેદન નોંધતી વખતે ગેરેજના પુરાવા માંગવામાં આવ્યા હતાં. પરંતુ અમારી પાસે કોઇ પુરાવા હાથ પર નથી. જે પુરાવા હતાં તે ગેરેજમાં જ રાખતા હતાં. ગેરેજના ઇમલાની સાથો સાથ અમારી ગેરેજની સાધનસામગ્રી અને મશીનરી પણ ગાયબ કરી દેવામાં આવ્યા છે. એ પછી પોલીસ કમિશનરશ્રીને પણ લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ હજુ સુધી તે અંતર્ગત કોઇ કાર્યવાહી થઇ નથી.

વૃધ્ધ કિશોરભાઇ ગોહેલે લેખિત રજૂઆતમાં આગળ કહ્યું છે કે મારી રજૂઆત સંદર્ભે સામાવાળા કોઇને બોલાવીને પુછતાછ કરવાની કે નિવેદન નોંધવાની પોલીસે હિમત દાખવી નથી. વળી પુરાવા તરીકે મારા અનેક ગ્રાહકો છે તેના નિવેદન પણ લેવામાં આવતા નથી. ગેરેજની જગ્યા તો ગઇ છે, સાધન સામગ્રી પણ ગાયબ છે. લાખોનો માલસામાન કયાં ગયો? તે અંગે પણ કોઇ તપાસ થઇ નથી. અમારા ગેરેજમાં જે તે વખતે કામ કરી ગયેલા કર્મચારીઓના નિવેદન લેવામાં આવે તો પણ પુરાવા મળી શકે તેમ છે. પરંતુ કોઇપણ કારણોસર અમારી આ ફરિયાદમાં ન્યાયી કાર્યવાહી ન થતી હોઇ અંતે અમે હવે જો ન્યાય મળી શકે તેમ ન હોય તો ઇચ્છા મૃત્યુ માટેની પરવાનગી આપવામાં આવે તેવી અરજ કરી છે. આ મામલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, જેસીપી ખુરશીદ અહેમદ અને કલેકટર રૈમ્યા મોહનને પણ નકલ મોકલી છે. તેમણે અંતમાં વસવસો વ્યકત કરતાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના મતદાર વિસ્તારના વરિષ્ઠ નાગરિકની દયનીય હાલત થઇ ગઇ હોઇ હવે ન્યાય કયા માગવા જવું?

(3:41 pm IST)
  • જમ્મુ કાશ્મીરના અનંતનાગના વાનપોહમાં નેશનલ હાઈવે ઉપર શંકાસ્પદ વસ્તુ મળી આવતા પોલીસ અને આર્મીએ પહોંચી વધુ તપાસ આદરી છે access_time 12:55 pm IST

  • દેશ છોડી ભાઈ ગયો વિવાદી બાબા નિત્યાનંદ : બાળકોના અપહરણનો આરોપી નિત્યાનંદ ફરાર થયો :અમદાવાદના હાથીજણમાં નિત્યાનંદના આશ્રમમાં પોલીસનું સર્ચ ઓપરેશન : 43 ટેબ્લેટ,14 લેપટોપ અને પેનડ્રાઈવ જપ્ત : મોબાઈલનો લોક ખોલવાની ના પડતા એફએસએલ તપાસમાં મોકલાશે access_time 1:13 am IST

  • શિયાળુસત્રમાં પીએમ મોદીએ મંત્રીઓને સદનમાં હાજર રહેવા કરી ટકોર : મોદીએ સખત શબ્દોમાં કહ્યું કે સામાન્ય દિવસોમાં મંત્રીઓની મોજુદગી કેટલી ઓછી હોય છે તેનો અંદાજ લગાવી શકાય છે access_time 1:10 am IST