Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ગ્રંથાલય સપ્તાહની જ્ઞાનવર્ધક ઉજવણી

રાજકોટઃ વી.વી.પી. ઇજનેરી કોલેજ લાઇબ્રેરી ખાતે ગ્રંથાલય સપ્તાહ અંતર્ગત પુસ્તક પ્રદર્શન,  પુસ્તક પૂજન તથા જ્ઞાન આધારિત વાંચન વિષય જેવા ત્રિવિધ સુંદર જ્ઞાનવર્ધક ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ દ્વારા પુસ્તક પૂજન કરી પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવેલ. તેમજ બેસ્ટ યુઝર એવોર્ડ વિજેતા વિદ્યાર્થીઓ સાગઠીયા સૌરભ તેમજ કલ્યાણી પંડયા દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ. પુસ્તક પ્રદર્શન દરમ્યાન આચાર્યશ્રી ડો. દેશકરે વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓને લાઇબ્રેરીમાં રહેલ ટેકનિકલ-નોન ટેકનિકલ પુસ્તકો તથા અન્ય રીડીંગ મટીરીયલ્સનો વધુને વધુ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ નિમિતે યોજાયેલ 'જ્ઞાન આધારિત વાંચન' વિષય પર મોટીવેશનલ સ્પીકર તથા લાઇફ કોચ શ્રી મોહિત કાચાનું એકસપર્ટ લેકચર રાખવામાં આવેલ હતું. કાર્યક્રમના વકતાશ્રી મોહિતભાઇ કાચાએ તેમના પ્રેરક પ્રવચનમાં જણાવેલ હતું કે, પુસ્તકો વાંચવાથી આપણને જ્ઞાન મળે છે જયારે અન્ય ડીજીટલ માધ્યમોથી આપણે ફકત માહિતી મેળવીએ છીએ. આજે  જયારે આજની યુવા પેઢી મોબાઇલ, લેપટોપ, જેવા ડીજીટલ માધ્યમોને મહત્વ આપે છે ત્યારે તેઓ તે  માધ્યમોથી ફકત માહિતી મેળવે છે, પ્રાથમિક માહિતી મેળવે છે, ખરા અર્થમાં વાંચતા નથી, જ્ઞાન મેળવતા નથી. આજે જ્ઞાન આધારિત વાંચન ઓછું થતું જાય છે જે ચિંતાનો વિષય છે. કાર્યક્રમની શરૂઆત ત્રણ ઓમકારના નાદ સાથે અને બાદમાં દિપપ્રાગટય કરીને કરવામાં આવી હતી. દિપપ્રાગટય બાદ ગ્રંથપાલ શ્રી ડો. તેજસભાઇ શાહે કાર્યક્રમની પૂર્વ ભૂમિકા અને વકતાશ્રીનો પરિચય આપી ગ્રંથાલય સપ્તાહની ઉજવણીની શરૂઆત કેવી રીતે થઇ તેની વિસ્તૃત માહિતી આપી હતી. સ્વાગત કેતન પરમારે કરેલ. મહેમાનોને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી દ્વારા સંપાદિત કરાયેલ ભારતીય શિક્ષણ પદ્ધતિ દર્શાવતું 'ભારતીય શિક્ષણ ચિંતન' નામનું માહિતીસભર પુસ્તક ગ્રંથપાલ ડો. તેજસ શાહે અર્પણ કરેલ. મોમેન્ટો દ્વારા અભિવાદન આચાર્યશ્રી ડો. દેશકરે કરેલ. રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ જયેશભાઇ સંઘાણીએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા લાઇબ્રેરી સ્ટાફના બકુલેશભાઇ રાજગોર, હિતેષભાઇ ત્રિવેદી, કેતનભાઇ પરમાર, દિપેનભાઇ વ્યાસ, કલ્પેશભાઇ છાંયા, વિગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની સફળતા બદલ મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા તથા હર્ષલભાઇ મણીયારે શુભકામનાઓ પાઠવી હતી.

(4:09 pm IST)