Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

વ્યાજના પૈસા ન હોય તો ઝેર પી મરી જા મને ફેર નથી પડતો...કહી વેપારીને ધમકીઃ ખોડુ ભરવાડની ધરપકડ

કોલસાના વેપારી પરેશભાઇ બુધ્ધદેવે ૮૦ હજાર સામે ૧.૬૨ લાખ ચુકવ્યા છતાં ૨ાા લાખ માંગ્યાઃ તેના મિત્ર આનંદ સિંધવએ ૪૦ હજાર સામે ૯૦ ભર્યા છતાં ૩ લાખ માંગી બંનેને ધમકી અપાતી હતીઃ એ-ડિવીઝન પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૨૧: વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આર્યનગરમાં રહેતાં કોલસાના વેપારી લોહાણા યુવાન પરેશભાઇ હરસુખરાય બુધ્ધદેવ (ઉ.૪૨) અને તેના મિત્ર આનંદભાઇ ઘનશ્યામભાઇ સિંધવને વ્યાજની ઉઘરાણી માટે સંત કબીર રોડ પર ઓફિસ ધરાવતાં ખોડુ સામતભાઇ મુંધવા નામના ભરવાડ શખ્સે સતત મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ એ-ડિવીઝનમાં નોંધાતા પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. પરેશભાઇએ વ્યાજે લીધેલા ૮૦ હજાર સામે ૧,૬૨,૦૦૦ ચુકવી દીધા છેતાં વધુ અઢી લાખ વ્યાજ માંગી 'તું વ્યાજ નહિ આપ તો તારી દૂકાને માણસો બેસાડી દઇશ, તું ઝેર પી મરી જા તો પણ મને ફેર નહિ પડે, મારે પૈસાથી મતલબ છે' તેવી ધમકી અપાતી હતી.

પોલીસે આ બારામાં પરેશભાઇ બુધ્ધદેવની ફરિયાદ પરથી ખોડુ ભરવાડ સામે આઇપીસી ૩૮૬, ૫૦૪, ૫૦૬ (૨), ૫૦૯, મનીલેન્ડ એકટ ૫, ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધ્યો છે. પરેશભાઇએ વિતક વર્ણવતા જણાવ્યું છે કે હું કોલસાનો વેપાર કરુ છું. મારે ધંધા માટે પૈસાની જરૂર પડતાં જુલાઇ મહિનામાં ખોડુ મુંધવા પાસેથી ૮૦ હજાર વ્યાજે લીધા હતાં. તેની સામે દર દસ દિવસે રૂ.૨૮ હજાર વ્યાજ ચુકવ્યું હતું. ૨૦/૮ન સુધીમાં તેને રૂ. ૧,૧૨,૦૦૦ ચુકવ્યા હતાં. છતાં વધુ વ્યાજ માટે ધમકી અપાતાં ૨૦/૧૦ના રોજ બીજા ૫૦ હજાર ચુકવ્યા હતાં. 

આમ કુલ રૂ. ૧,૬૨,૦૦૦ ચુકવી દીધા હતાં. આમ છતાં ખોડુએ વધુ વ્યાજ માંગી ૫૦ હજાર તો હિસાબમાં ગણાશે જ નહિ, એ તો પેનલ્ટી થઇ તેમ કહી વધુ અઢી લાખ વ્યાજ માંગ્યું હતું. એ પછી તેણે સતત ઉઘરાણી કરી ધમકીઓ આપી હતી કે જો પૈસા નહિ આપ તો તારા ઘરે માણસો બેસાડી દઇશ. તેની આવી ધમકીથી હું દિવાળી જેવા તહેવારમાં પણ ઘરે જઇ શકયો નહોતો. ખોડુએ એવી પણ ધમકી આપી હતી કે અગાઉ નિલેષ સોની પણ પૈસા આપી ન શકતાં દવા પી મરી ગયો, તારા મરવાથી પણ મને કોઇ ફેર નહિ પડે. મારે તો પૈસાથી જ મતલબ છે. તારાથી પૈસા ન અપાય તો તું પણ ઝેર પી લેજે. પોલીસમાં જવું હોય તો ત્યાં પણ જજે મને કોઇ ફેર નહિ પડે. તેવી ધમકી આપી હતી.

પરેશભાઇએ આગળ જણાવ્યું હતું કે મારા મિત્ર આનંદ સિંધવે પણ રૂ. ૪૦ હજાર ખોડુ પાસેથી લીધા હતાં. તેણે આ રકમ સામે ૯૦ હજાર ચુકવી દીધા છે. છતાં તેની પાસેથી ૩ લાખ માંગીને મારી નાંખવાની ધમકી આપે છે. આનંદને ખોડુએ પૈસા આપ્યા ત્યારે મને વચ્ચે રાખ્યો હતો. અમને બંને મિત્રોને સતત ટોર્ચર કરી મારી નાંખવાની ધમકી આપે છે.

પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એસ.વી. સાખરા, આર. સી. રામાનુજ અને ટીમે ખોડુ સામંતભાઇ મુંધવા (ભરવાડ) (ઉ.૩૫-રહે. સંત કબીર રોડ)ની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

(2:48 pm IST)