Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ચાર દિવસ પહેલા ઘર છોડી નીકળી ગયેલા છાત્રને મુંબઇથી શોધી કાઢતી તાલુકા પોલીસ

ધોરણ-૧૦ની તૈયારી કરતો ન હોઇ ઠપકો આપતા નીકળી ગયો'તો : ટેણીયો રેલ્વે સ્ટેશનના સીસીટીવી ફૂટેજમાં મુંબઇની ટ્રેનમાં બેસતો દેખાતા ત્યાં રહેતાં સગાને જાણ કરી હેમખેમ પરત લાવવામાં આવ્યો

રાજકોટઃ કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજના કવાર્ટર ૪૦/૬માં રહેતાં  દશરથસિંહ જાદવનો ૧૫ વર્ષનો પુત્ર ૧૫મીએ ઘરેથી બપોરે કોઇને જાણ કર્યા વગર નીકળી ગયા બાદ ગૂમ થઇ જતાં પરિવારજનો આકુળ વ્યાકુળ થઇ ગયા હતાં. આ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં સગીર ગુમ થયો હોઇ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ તથા એસીપી જે. એચ. સરવૈયાએ તાકીદે તપાસ કરવા સુચના આપતાં પી.આઇ. વી. એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ જી. એસ. ગઢવી,  કોન્સ. અશોકભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી સહિતની ટીમે અલગ-અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં રેલ્વે સ્ટેશને એક છોકરો મુંબઇની ટ્રેનમાં જતો જોવા મળ્યો હતો. પરિવારજનોને આ ફૂટેજ બતાવતાં તે ગૂમ થયેલો તરૂણ જ હોવાનું સ્પષ્ટ થતાં રાજકોટ પોલીસે ત્યાં રહેતાં સગાને જાણ કરી દીધી હતી. છોકરો સ્ટેશને ઉતરીને કોઇ લેભાગુના હાથમાં આવી ન જાય તેની તકેદારી રાખવા પણ જણાવાયું હતું. ત્યાં તે ઉતરતા જ સગાએ તેને પોતાની સાથે લઇ ગયા હતાં. ત્યાંથી આ સગીરને હેમખેમ પરત લાવી પરિવારજનોને સોંપાયો હતો. આ કામગીરી બદલ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ ટીમને ખાસ અભિનંદન આપ્યા હતાં. ધોરણ-૧૦ની પરિક્ષા આવી રહી હોઇ છતાં આ છાત્ર વાંચતો ન હોઇ માતા-પિતાએ ઠપકો આપતાં તે ઘર છોડી ગયાનું ખુલ્યું હતું.

(2:45 pm IST)