Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

આર.ટી.ઓનું અલબેલુ તંત્ર ફકત ‘‘ઓનલાઇન'' ફિ જ સ્‍વીકારે છે!!!

રોકડા-ડી.ડી.ને બદલે ઓનલાઇન પેમેન્‍ટ માટે કહેવાય છેઃ દરરોજ રાજકોટ શહેર જીલ્‍લાના હજારો વાહન ધારકોને રજીસ્‍ટ્રેશન, લાયસન્‍સ જેવા કામ માટે ભારે હાલાકી : ઇન્‍ટરનેટ ચાલતુ જ નથી હોતુ!!!

 રાજકોટઃ તા.૨૧, વધુ એક સરકારી ખાતા દ્વારા લોકોને હેરાનગતી થતો હોવાનો રાજકોટ આર.ટી.ઓ.નો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. હાલમાં ઓનલાઇનની બોલબાલા વચ્‍ચે રાજકોટ શહેર જીલ્લામાંથી આવતા હજારો વાહન ધારકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઘણા લોકોને તો ફકત ઓનલાઇનથી જ પેમેન્‍ટ સ્‍વીકારવાની હઠ કારણે દંડ પણ ભરવો પડી રહયો છે.

 જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં આવેલ આર.ટી.ઓની ઓફિસ ખાતે શહેર જીલ્લાના તમામ વાહન ધારકોએ રજીસ્‍ટ્રેશન કરાવવા, લાયસન્‍સ કઢાવવા, રીન્‍યુ કરાવવા માટે જવાનું થાય છે ત્‍યારે આરટીઓ તંત્ર દ્વારા રોકડા કે ડી.ડી. ના બદલે ફકત ઓનલાઇનથી જ ફિ ભરવાનુ કહેવાતા લોકોને પારવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહયો છે.

 કોઇ વ્‍યકિત જો રોકડા કે ડી.ડી. ભરવાનુ કહે તો તેમને તરત જ ઓનલાઇન ફિ  ભરવા જણાવી દેવામાં આવે છે. ઉપરાંત નાના અને અશિક્ષિત લોકો ઓનલાઇન ફિ કઇ રીતે ભરે એ પણ મોટો પ્રશ્ન તંત્ર દ્વારા કોને લેવામાં આવતો નથી. રાજકોટની આસપાસના પંથકમાં લોકો જો એક ધકકામાં આરટીઓનુ કામ પતે તો ભગવાનનો પાળ માને તેવી પરિસ્‍થિતિ છે.

વાહનોના ડીલર પાસે રજીસ્‍ટ્રેશન થઇ શકે છે પણ ત્‍યાંનુ કોમ્‍પ્‍યુટર મુખ્‍ય સરવર સાથે લીંક કરેલુ હોય છે અને આ મુખ્‍ય સરવરમાં આખો દિવસ ઇન્‍ટરનેટ ડાઉન જ હોય છે.  જેથી આ પ્રાઇવેટ ડિલરો પાસેથી રજીસ્‍ટ્રેશન થઇ જાય તેવી આશાએ ગયેલ લોકોને પણ મુશ્‍કેલી થઇ પડે છે. મોબાઇલમાં પૈસા કપાય ગયાનો મેસેજ આવી ગયો હોવા છતા રસીદ નિકળતી ન હોય આરટીઓ તંત્ર મેસેજને પણ વેલીડ ગણતુ નથી!!!

ઓનલાઇન એકાઉન્‍ટ માટે સામાન્‍ય માણસે ઇ-મેઇલ આઇડી, પીન નંબર વગેરે આપવુ  પડે છે. સામાન્‍ય રીક્ષા ચાલક કે અન્‍ય નાનો માણસ આ બધી માહિતી કઇ રીતે આપે ? ઉપરાંત તંત્ર દ્વારા તો બહારથી ઓનલાઇન પેમેન્‍ટ કરાવો તેવુ જણાવી દેવામાં આવતા ભારે મુશ્‍કેલી થઇ રહી છે. આવનાર  દિવસોમાં કામનો ભરાવો અને ઓનલાઇન પેમેન્‍ટની હઠ રાજકોટ આર.ટી.ઓ કચેરીમાં વધુ મુશ્‍કેલીઓ સર્જે તો નવાઇ નહિ!!

(12:26 pm IST)