Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

મેટોડાના ભરતભાઇ જાદવે ખુશ્બુ અને તેના પ્રેમીના બ્લેક મેઇલીંગના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો'તો

ખુશ્બુ મૃતક ભરત પાસે બ્લેકમેઇલીંગ કરી અવારનવાર રૂપીયા પડાવતી'તીઃ સુસાઇડ નોટના આધારે લોધીકા પોલીસે ખુશ્બુ અને તેના પ્રેમી સામે આપઘાત મજબુર કર્યાનો ગુન્હો દાખલ કર્યો

રાજકોટ, તા., ૨૧: મેટોડા જીઆઇડીસીમાં રહેતા યુવાને ઝેરી દવા પી  આપઘાત કર્યાના બનાવમાં એક યુવતી અને તેના પ્રેમી સામે આપઘાત માટે મજબુર કર્યાનો ગુન્હો દાખલ થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના  ખીરસરા ગામની સીમમાં પરમદિ' રાત્રીના ભરતભાઇ નારણભાઇ જાદવ (ઉ.વ.૩૦) (રહે. મેટોડા જીઆઇડીસી ગેટ નં.૩, રોટરી મીટડાઉન સોસાયટી, બ્લોક નં. ૧૯) એ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક યુવાનના ભાઇ સુરેશભાઇ નારણભાઇ જાદવ (રહે. હાલ વિરડા વાજડી , મૂળ જાળીયા દેવાણી ગામ (તા.ધ્રોલ)એ ખુશ્બુ નામની યુવતી તથા તેને જે યુવક સાથે અફેર છે તે યુવક અને તપાસમાં ખુલે તે શખ્સો સામે લોધીકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ખુશ્બુ નામની યુવતી ફરીયાદીના મૃતક ભાઇ ભરતભાઇને અવારનવાર બ્લેક મેઇલીંગ કરી રૂપીયા પડાવતી હતી અને રૂપીયા ન આપે તો ફરીયાદીના ભાઇની પત્નીને કહી દેવાની ધમકી આપતા હતા. આરોપી ખુશ્બુને અન્ય કોઇ યુવક સાથે અફેર હોય તે યુવકને બોલાવી ધમકી આપતા અને આ યુવકને ફરીયાદીના ભાઇના મોબાઇલમાં બીભત્સ એસએમએસ મોકલી બ્લેક મેઇલીંગ કરતો હતો અને આ અંગે મૃતક ભરતભાઇએ સુસાઇડ નોટમાં પણ ઉલ્લેખ કરી ખુશ્બુ અને તેના પ્રેમીના બ્લેક મેઇલીંગના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનું જણાવ્યું હતું.

લોધીકા પોલીસે ખુશ્બુ અને તેના પ્રેમી સામે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીએસઆઇ એચ.પી.ગઢવી ચલાવી રહયા છે.

(12:18 pm IST)