Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

કેટરીંગના ધંધાર્થીઓ ૯ મહિનાથી બેકાર, કંઈક કરો...

ઓલ ગુજરાત કેટરીંગ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત : ઘરના ખર્ચા પણ નિકળતા નથી, બેંકના હપ્તા પણ ચડી ગયા, સરકારી યોજનાઓનો કોઈ લાભ મળતો નથી, ભવિષ્ય હજુ ડરામણું: લગ્ન સમારંભોમાં ૨૦૦ લોકોની મંજૂરીની છૂટ આપો

રાજકોટ,તા.૨૧: કોરોનાએ તમામ  પ્રકારના ધંધા- ઉદ્યોગો ઉપર માઠી અસર કરી દીધી છે. પરંતુ હવે ધીમે- ધીમે ધંધા રોજગાર ફરીથી સેટ થવા લાગ્યા છે. ત્યારે કેટરીંગ અને તેને લગતા ધંધાર્થીઓના ધંધા હજુ ઠપ્પ છે બંધ હાલતમાં છે. આ મામલે ઓલ ગુજરાત કેટરર્સ એસોસીએશનના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરવામાં આવી હતી.

આ અંગે રાજકોટના રચીત કેટરર્સવાળા કિરીટભાઈ બુધ્ધદેવએ જણાવેલ કે આઉટડોર કેટરીંગમાં હાલ ૧૦૦ લોકોને છૂટ આપવામાં આવી છે. જેને ૨૦૦ની છૂટ આપવામાં આવે તેવી રજૂઆત કરેલી જેનો મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. સરકારી નિયમો પાલન કરવા પૂરેપૂરી ખાત્રી આપવામાં આવી હતી. મુલાકાત માટે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને જયોતિન્દ્રમામાએ પૂરતો સહયોગ પૂરો પાડેલ. ઉપરાંત ફાઈવસ્ટાર કેટરર્સવાળા દિપકભાઈ સંઘવીની તબીયત નાદુરસ્ત હોવા છતાં તેઓએ માર્ગદર્શન આપ્યું હતું.

ઓલ ગુજરાત કેટરર્સ એસો. દ્વારા રજુઆતમાં જણાવેલ કે લોકડાઉન દરમ્યાન અનેક ઉદ્યોગ અને ધંધાર્થીઓની જેમ, અમારા કેટરિંગ ઉદ્યોગને પણ ખૂબ જ નુકસાની વેઠવાની થઈ છે. આપણાં રાજયમાં ઘણી મોટી સંખ્યામાં કેટરર્સ ખાનપાન અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેઓ લગ્ન ઉપરાંત બીજા અનેક પ્રસંગોમાં કેટરિંગની સેવા આપે છે. દરેક કેટરર્સની સાથે લગભગ બીજા ૧૦૦-૨૦૦ કે મોટા સમારંભોમાં તેથી પણ વધુ લોકોને કામ મળી રહેતું હોય છે. આમાં મોટા ભાગના લોકો અશિક્ષિત હોય છે, અને રોજનું કમાઈને રોજ ખાવા વાળા હોય છે. ઘણા મોટા પ્રમાણમાં અશિક્ષિત લોકોને રોજગાર આપતો આ સૌથી મોટો વ્યવસાય છે.

કેટરિંગની સાથે અનેક અન્ય એજન્સીનાં વ્યવસાયીઓ પણ જોડાયેલા હોય છે અને આમ અસંખ્ય પરિવારો તેમની રોજી-રોટી મેળવતાં હોય છે.

લોકડાઉનના કારણે, આ વર્ષે અત્યાર સુધીનો સમય સંપૂર્ણપણે ધંધા વગર જતાં, અમારા ધંધાર્થી ભાઈઓ આર્થિક રીતે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. મોટાભાગના અશિક્ષિત અને અસંગઠીત હોવાથી, બીજા કોઈ કામ-ધંધા પણ કરી શકતાં નથી અને સામાજિક કે સરકારી સહાય યોજનાઓનો કોઈ લાભ પણ મેળવી શકતાં નથી. આથી, અમારા ઘણાં કેટરર્સ અને સંલગ્ન ધંધાર્થીઓ આપદ્યાત જેવા પગલાં પણ ભરી રહ્યાં છે, જે આ વિષમ પરિસ્થિતિની પરાકાષ્ઠા દર્શાવે છે. ભવિષ્ય હજુ પણ વધું ડરામણું લાગી રહ્યું છે.

હાલ અનલોક અંતર્ગત, લગભગ દરેક ઉધોગ-ધંધામાં ઘણી જ છુટછાટ આપવામાં આવી છે અને મોટાભાગના વ્યવસાય-ક્ષેત્રો તેમની ૫૦ ટકા ક્ષમતાએ કામ-ધંધો કરી શકે તે માટે કેન્દ્ર અને રાજય સરકાર છૂટ આપી રહી છે, જે ખૂબજ પ્રશંસનીય છે. પરંતુ, અમોને અનલોકમાં ધંધો કરવા માટે માત્ર ૧૦૦ વ્યકિત માટેના જ સમારંભ કરી શકવાની છૂટ મળેલ છે, જે અમારા ધંધા અને આર્થિક સ્થિતિનાં બે-છેડા ભેગા કરવા પર્યાપ્ત નથી. ઉપરાંત, જેમનો પ્રસંગ હોય છે તેમને માટે પણ આટલી જ છૂટ સામાજિક અને આર્થિક રીતે અનુકૂળ થતી નથી.

ખાનપાન અને કેટરિંગ ઉદ્યોગ માટે અન્ય ક્ષેત્રોની જેમ જ, સમારંભના સ્થળની કૂલ ક્ષમતાના ૫૦ટકા ક્ષમતા સુધી વ્યકિતઓની છૂટ આપવા તાત્કાલિક યોગ્ય કરશો અને કોવિડ-૧૯નું સંક્રમણ ના ફેલાય, તે માટે અમો આરોગ્ય-સેતુ એપ, સોશ્યલ ડિસ્ટન્સીંગ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ, ફૂડ સેફટી તેમજ અન્ય જે કોઈ નિયમ અને ગાઈડ-લાઇન્સનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવશે તેમ ઓલ ગુજરાત કેટરર્સ એસો.ના સ્થાપક પ્રમુખ નરેન્દ્રભાઈ સોમાણી, પ્રમુખ દીપકભાઈ સંઘવી અને સેક્રેટરી પરેશભાઈ દેસાઈએ અંતમાં જણાવ્યું હતું.

(4:01 pm IST)