Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

કોરોના ઇફેકટઃ રાજકોટના ટ્રાન્સપોર્ટરોની દશા ખરાબ ધંધામાં પ૦ ટકાનું ગાબડુઃ રોજના માંડ રપ૦ ટ્રક જાય છે!!

નવા માલના ઉત્પાદનમાં કારખાનેદારો દ્વારા કાપ અને નવો ઓર્ડર આવતો ન હોય ખટારા માલીકો હતપ્રભ : પહેલા દરરોજ પ૦૦ થી વધુ ટ્રકો ગુજરાત અને ગુજરાત બહાર જતાઃ રોજના ર૦ ટ્રક દોડાવનાર હવે માંડ પ ટ્રકો મોકલે

રાજકોટ, તા., ર૧: કોરોના લોકડાઉને સૌથી વધુ ખરાબ અસર ટ્રાન્સપોર્ટ માલીકોને પણ કરી હોવાનું આજે રાજકોટ ટ્રાન્સપોર્ટ એસો.ના એક અગ્રણી હોદેદારે નામ ન આપવાની શરતે જણાવાયું હતું.તેમણે વિગતો આપતા જણાવેલ કે કોરોનાની ગંભીર અસર અમારા ધંધા ઉપર પણ પડી છે. રાજકોટના ટ્રાન્સપોર્ટરોની દશા ખરાબ છે. ધંધામાં પ૦ ટકાનું ગાબડુ પડયાનું ઉમેર્યુ હતું.

તેમણે જણાવેલ કે કોરોના-લોકડાઉનને કારણે નવા માલના ઉત્પાદનમાં કારખાનેદારો દ્વારા કાપ, તેમને મળતા ઓર્ડરો ઓછા થવા અને ટ્રાન્સપોર્ટરોને નવા ઓર્ડરો આવતા અટકી જતા ખટારા માલીકો હતપ્રભ બની ગયા છે. રાજકોટમાં અંદાજે ૪૦૦ થી ૫૦૦ જેટલા ટ્રાન્સપોર્ટરો આવેલા છે. પહેલા દરરોજ પ૦૦ થી ૬૦૦ કે તેથી વધુ ટ્રકો માલ ભરીને ગુજરાત અને ગુજરાત બહાર લોંગ રૂટ ઉપર રવાના થતા ભારે ધમધમાટ હતો. પરંતુ હવે કોરોનાએ પથારી ફેરવી છે. છેલ્લા ત્રણ મહિનાની એવરેજમાં રોજ માંડ રપ૦ થી ૩૦૦ ટ્રકો મીલ ભરીને બહાર જાય છે. ધંધામાં ભાડાની આવકમાં પ૦ ટકા જેવું ગાબડુ પડયું છે. એક વિગત મુજબ રોજના ર૦ ટ્રક દોડાવનાર હવે માંડ ૪ થી પ ટ્રકો દોડાવે છે. આની અસર રાજકોટના ૧૦૦ જેટલા વજન માપ કાંટા ઉપર પણ આવી છે. તેમના ધંધા ઉપર પણ અસર ઉદભવી છે.

(3:58 pm IST)