Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

બેંકમાંથી ચોરીની કોશિષ કરવાના ગુનામાં પકડાયેલ આરોપીઓની જામીન અરજી મંજુર

રાજકોટ, તા.ર૧ : બેંકમાં ચોરી કરવાની કોશિશના ગુન્હામાં આરોપીઓના જામીન મંજૂર કરી સેસન્સ કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મનાપુરમ ફાયનાન્સ લી. ગોલ્ડ લોન બેંકમાં રાત્રીના સમય દરમ્યાન બેંકની અંદર પ્રવેશ કરી બેંકમાં રહેલ સી.સી. ટી.વી.ના કેબલ તથા આલારામ તથા ડી.વી.આ. તથા મોનીટરની સ્ક્રીન મોડેમ રાઉટરમાં નુકશાન કરી ચોરી કરવાની કોશિશ કરવા સબબ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં બેંકના એરીયા મેનેજર એ પોલીસ ફરીયાદ ઇ.પી.કો. કલમ-૩૮૦, ૪પ૪, ૪પ૭ વિગેરેના કામની ફરીયાદ નોંધાવેલ.

આ ફરીયાદના અનુસંધાને પોલીસે સી.સી.ટી.વી. ફુટેજના આધારે આ કામમાં અરજદાર આરોપીઓ (૧) અનિલ જયંતીભાઇ તાવીયા (ર) રાહુલ રમેશભાઇ તાવીયા તથા અન્ય વિરૃદ્ધ ગુન્હો દાખલ કરીને ધરપકડ કરી જેલ હવાલે કરેલ. આ કામમાં આરોપીએ તેમના એડવોકેટ મનીષ એચ. ખખ્ખર મારફત રાજકોટની સેસન્સ કોર્ટમાં જામીન ઉપર મુકત થવા જામીન અરજી દાખલ કરેલ હતી.

આ જામીન અરજીના અનુસંધાને તેમના એડવોકેટ એ એવી દલીલ કરેલ કે કહેવાતો બનાવ બન્યા બાદ છ દિવસ પછી બનાવ અંગે પોલીસ ફરીયાદ થયેલ છે. બેંકના એરીયા મેનેજર કક્ષાના માણસને જયારે બેંકમાં ચોરીની કર્યાની કોશિશની માહિતી મળે તરત જ તેઓએ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઇએ. હાલના કેસમાં પાંચ દિવસ મોડી ફરીયાદ દાખલ કરેલ છે જે પણ શંકા ઉત્પન્ન કરે છે. તેમજ જુદી જુદી હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ટાંકી દલીલ કરેલ કે ફરીયાદીએ ખોટી રીતે આરોપીને ખોટા ગુન્હામાં સંડોવાયેલ છે. ફરીયાદમાં દર્શાવેલ કોઇ બનાવ બનેલ નથી. આ સંજોગોમાં હાલના અરજદાર આરોપીઓને જામીન ઉપર મુકત કરવા જોઇએ.ઉપરોકત બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં લઇ આ કામમાં આરોપી અનિલ જયંતીભાઇ તાવીયા, રાહુલ રમેશભાઇ તાવીયાને રાજકોટની સેસન્સ કોર્ટએ જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે. આ કામમાં બંન્ને આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ શ્રી મનીષ એચ. ખખ્ખર, કિરીટસિંહ જાડેજા, દિવ્યેશ મહેતા, ભરતભાઇ હિરાણી, સુરેશભાઇ પંડયા તથા આસીસ્ટન્ટ તરીકે અલય એમ. ખખ્ખર, ધર્મેશ જે. ખીમસુરીયા, પ્રધ્યુમનસિંહ જાડેજા રોકાયેલ હતાં.

(3:16 pm IST)