Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ગાયો-બળદો નિભાવ માટે કિશાન સંઘ-ગૌશાળા સંચાલકો ઉમટી પડયા

કલેકટર કચેરીએ ઉગ્ર દેખાવોઃ કિસાન સંઘ-ર૬ ગૌશાળા સંચાલકોનું કલેકટરને વિસ્તૃત આવેદન : પોલીસના ધાડાઃ ગાયો-બળદો માટે દરરોજ પ૦ રૃા. સબસીડી આપવા-ગામોની અંદર રખડતા પશુની વ્યવસ્થા કરવાઃ ગૌશાળા માટે ભાડા કરાર કરવા માંગ

આજે ભરવાડ સમાજે કલેકટર કચેરીએ સુત્રોચ્ચાર કરી ધ્રોલમાં પરિણીતા ઉપર થયેલ દુષ્કર્મની ઘટનાને વખોડી કાઢી આવેદન પાઠવ્યું હતું. (તસ્વીર : સંદિપ બગથરીયા)

ભારતીય કિસાન સંઘ અને ર૬ જેટલી ગૌશાળાના સંચાલકોએ દેખાવો - સુત્રોચ્ચાર સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૧ :.. ભારતીય કિસાન સંઘ અને શહેર - જીલ્લાની ર૬ જેટલી ગૌશાળાના સંચાલકોએ મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે, સરકાર જો ગાયોને માન આપતી હોય તો ગૌશાળાનું ડેમોલેશનની જગ્યાએ કાયમી ભાડાકરાર કરી દેવો જોઇએ.

દરેક ગામડાની અંદર રખડતા માલિકી વગરના પશુધનનો યોગ્ય વ્યવસ્થા કરવી. ગૌશાળાઓની દરેક ગાયોને પ૦ રૃપિયા સબસીડી નિભાવ પેટે આપવી., સજીવ ખેતી માટે બળદોને પ૦ રૃપિયા સબસીડી આપવી.   પાંજરાપોળની સહાય યોજનાની જમીન મર્યાદા હટાવવી. સહિતની માગણીઓ કરી હતી.

આવેદનમાં જણાવેલ કે સૌરાષ્ટ્રના ખેડૂતોને પરેશાન કરતી મુશ્કેલીઓમાં જે દરેક ગામની અંદર એવરેજ પ૦ જેટલા અંદાજીત બિનવારસી પશુઓ જેમ કે બળદો, આખલાઓ તેમજ બાખડ ગાયો જેવા પ્રાણીઓ ખેતીને ભયાનક રીતે નુકશાન કરે છે. દરેક ખેડૂતને પોતાના ખેતરને ફરતી રક્ષણ માટે દિવાલ તેમજ તાર માટેનો ખર્ચ કરવાની તાકાત હોતી નથી. તેનાથી દરેક ખેડૂતોને દિવસનું કામ કરવું અને રાત્રે આવા પશુઓના ત્રાસથી પાકના રક્ષણ માટે આખી રાત જાગવું પડે છે. તો આવા બિનવારસી પશુઓનો યોગ્ય નિકાલ થાય તેવા તાત્કાલીક પ્રયાસ કરવાની જરૃર છે. સરકાર આને સાચવવાની કોઇ વ્યવસ્થા કરતી નથી. અને જે સંસ્થાઓ સાચવે છે. તેને ડેમોલેશનનો ઓર્ડર આપે છે.

લોકડાઉનની અંદર દરેક ગૌશાળાઓને દિવસના ૩૦ રૃપિયા એક ગાય દીઠ નિભાવવા માટે સરકારે પહેલા બે મહિના અને પાછળથી ત્રણ મહિના તેમ ટોટલ પાંચ મહિના સુધી ચુકવેલ છે. ભારતમાં ઘણા બધા રાજય આ સબસીડી કાયમી માટે આપે છે. તો ગુજરાત સરકારે પણ આ કાયમી સહાય ૩૦ ની જગ્યાએ પ૦ રૃપિયા ચુકવવી જોઇએ. સજીવ ખેતી કરતા ખેડૂતોને પણ દરરોજ ગાય દીઠ ૩૦ રૃપિયા સહાયની જે જાહેરાત થયેલ છે. તેમાં ગાય રાખતા દરેક ખેડૂતનો વારો આવવો જોઇએ.

ગુજરાત સરકારે પાંજરાપોળો માટે આ વર્ષે નવી સહાયની જે જાહેરાત કરેલ છે. તે જાહેરાતમાં જમીન મર્યાદા જે રાખેલ છે. તે યોગ્ય નથી. ઘણી ગૌશાળાઓ અને પાંજરાપોળો પાસે માલિકીની જગ્યા નથી તેમ છતાં લાખો ગાયોની સેવા કરે છે. તો સરકારે તે દરેક ગાયોને મદદ રૃપ થઇ શકે તે માટે જમીન મર્યાદાનો નિયમ લાગુ ન પડવો જોઇએ. અને દરેક ગાયોને સહાય મળે તેવું સરકારે આયોજન કરવું જોઇએ. જે સંસ્થા પાસે માલિકીની જમીન નથી તે ગાયોનો શું વાંક. સરકારે દરેક ગૌશાળાની હયાત જગ્યાના ભાડાકરાર કરી દેવા જોઇએ.

આવેદન દેવામાં ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા, રમેશભાઇ ચોવટીયા, ભરતભાઇ પીપળીયા, જીવનભાઇ વાછાણી, મનોજભાઇ ડોબરીયા, રમેશભાઇ હાપલીયા, મહિપાલસિંહ જાડેજા, ધર્મેશભાઇ સોરઠીયા, વિગેરે જોડાયા હતા, ગૌશાળા સંચાલકોએ ઉપરોકત પ્રશ્નો નિવેડો નહિ આવે તો પશુઓ રોડ ઉપર મુકી દેવાશે તેવી ચેતવણી પણ ઉચ્ચારી હતી. આવેદન દેવામાં કિશાન ગૌશાળા, વૃંદાવન, ક્રિષ્ણગીર, દ્વારકેશ, ક્રિષ્ણા સેવધામ, ઓમ વિમાર નંદી ગૌશાળા, ગોપીનાથજી, સરદાર ગૌશાળા, બજરંગ, નંદિની, લક્ષ્મીનાર દેવ, રાધાકૃષ્ણ, સહજાનંદ, ખોડીયાર, ગાયત્રી મંદિર, ગોપાલ સહિત કુલ ર૬ ગૌશાળાના સંચાલકો પણ જોડાયા હતાં.

આવેદન સમયે કલેકટર કચેરીએ પોલીસના ધાડા ઉતરી પડયા હતાં., જો કે, કોઇ માથાકુટ થઇ ન હતી, પ વ્યકિતને આવેદન દેવા અંદર જવા દેવાયેલ, કલેકટર કચેરીનો મેઇન દરવાજો બંધ કરી દેવાયેલ, કલેકટરે પણ પાછળના ભાગેથી એન્ટ્રી લીધી હતી.

(3:15 pm IST)