Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

રેલનગર અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા કુદરતી તંત્રએ હાથ ઉંચા કર્યા

કોર્પોરેટર અતુલ રાજાણીએ પુછેલા પ્રશ્નના જવાબમાં ઇજનેરોએ કહ્યું 'અન્ડરબ્રીજમાં ભુગર્ભજળને કારણે પાણીની આવક ચાલુ રહે છે જેનો પમ્પીંગથી નિકાલ કરવામાં આવે છે લોકોની સુરક્ષા માટે ચેતવણીના બોર્ડ પણ મુકાયા છેઃ પાણીની સમસ્યાનો પાઇપ ગટર નાંખીને ઉકેલ લાવવાને બદલે ઇજનેરોએ ગોળ-ગોળ જવાબ આપી જવાબદારી ખંખેરી નાંખીઃ વિપક્ષી દંડકનો આક્ષેપ'

રાજકોટ તા. ર૧ : શહેરનાં વોર્ડ નં.૩માં આવેલ રેલનગર વિસ્તારમાં પ્રવેશદ્વાર સમા 'રેલનગર અંડરબ્રીજ' કરોડોના ખર્ચે બનાવાયો પરંતુ તેમાં ચોમાસાના ૪ મહીના અને ત્યારબાદ બીજ ૪ મહીના સુધી એમ વર્ષમાં ૮ મહીના સુધી પાણી ભરાવાની સમસ્યા કાયમી છે જેના કાયમી ઉકેલ માટે કોંગ્રેસના વોર્ડ નં.૩ના કોર્પોરેટર અતુલ રાજાણીએ છેલ્લા જનરલ બોર્ડમાં પ્રશ્ન પુછયો હતો જેમાં તંત્ર વાહકોએ આ સમસ્યાને કાયમી ઉકેલ લાવવા માટેની વિગતો આપવાને બદલે અન્ડરબ્રિજમાં પાણી નિકાલ અને નાગરીકોની સુરક્ષા માટે ચેતવણીના બોર્ડ મુકયા હોવાનો ગોળ-ગોળ જવાબ આપી દેવાયાનો આક્ષેપ અતુલ રાજાણીએ કર્યો છે.

આ અંગે શ્રી રાજાણીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 'રેલનગર અન્ડરબ્રિજ' ચોમાસામાં સ્વીમીંગ પુલ બની જાય છે. અને ત્યારબાદ શીયાળા સુધી બ્રિજની દિવાલોમાંથી પાણીના ધોધ છુટે છે.જેના કારણે વર્ષમાં ૮ મહીના સુધી બ્રીજ પાણીથી ભરાયેલા રહે છે.

જેના કારણે સેવાળ જામી જાય છે. વાહન ચાલકો સ્લીપ થઇ પડી છે. અનેકના હાડકા ભાંગ્યા છે. અને હજુ પણ સતત નાના-મોટા અકસ્માતો થઇ રહ્યા છે. ત્યારે આ બ્રિજનો નકશો ડીઝાઇનમાં ફેરફાર કરાયો છે કે નહી ? ફેરફાર કયા કારણોસર કરાયો વગેરે પ્રશ્નોના જવાબ જનરલ બોર્ડમાં માંગ્યા હતા.

આ પ્રશ્નના જવાબમાં ઇન્જનેરોએ લેખીતમાં જણાવ્યું છે કે ચોમાસા બાદ પણ પાણી ભરાઇ રહે છે. તેના નિકાલ માટે પમ્પીંગ કરવામાં આવે છે બ્રિજમાં સેવાળ સાફ કરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ફાયર ટેન્કરથી સેવાળ સાફ કરાયો છે.

ભુગર્ભ જળને કારણે બ્રિજમાં સતત પાણી ભરાયેલુ રહે છે આ પાણીના નિકાલની બને તેટલી વ્યવસ્થા થઇ છે ઉપરાંત નાગરીકોની સુરક્ષા માટે બ્રિજના બંને છેડા ઉપર ચેતવણીના બોર્ડ પણ મુકાયા છે. આમ તંત્ર જવાબદારી પૂર્વક કામ કરે છે.

'આમ બ્રિજમાં કુદરતી ભુગર્ભ જળને કારણે પાણી ભરાયેલુ રહે છે.' તેવું કહી તંત્રએ તેના નિકાલ માટે પાઇપ ગટર કે અન્ય ટેકનીકલ કામગીરી કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાને બદલે પાણી ભરાવા બાબતે હાથ ઉંચા કરી દિધા હોય તેઓ ગોળ-ગોળ જવાબ આપી  અતુલ રાજાણીએ નિવેદનના અંતે જણાવી લોકોની જાન-માલને નુકશાન કરતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠાવી છે.

(3:14 pm IST)