Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

કોરોનાના દર્દીઓની સેવા-સારવાર ભગવાનની સેવા સમાન છેઃ ક્રિષ્નાબેન

સિવિલ કોવિડના આરોગ્ય કર્મી કહે છે -દર્દીઓ સાજા થાય ત્યારે અનેરો આનંદ મળે

રાજકોટ : સમગ્ર રાજયમાં કોરોનાને નાથવા આરોગ્યકર્મીઓ દ્વારા સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ હોસ્પિટલમાં ચોવીસ કલાક અવિરત સારવાર અને ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. જેઓની નિઃસ્વાર્થ સેવા અને ફરજનિષ્ઠાને કારણે અનેક સંક્રમિત લોકો કોરોના મુકત બની સ્વગૃહે પરત ફરી રહયાં છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવા જ એક ફરજનિષ્ઠ આરોગ્યકર્મી ક્રિષ્નાબેન કાશીયાણી કાર્યરત છે, જેમના માટે કોરોના સંક્રમિત દર્દીઓની સેવા-સારવાર મારા માટે ભગવાનની સેવા સમાન છે. 

ક્રિષ્નાબેન તેમની કામગીરી વિશે જણાવતા કહે છે કે,'મારૃ મુખ્ય કાર્ય અહીં દાખલ દર્દીઓની સેવા-સારવાર કરવાનું છે, હું દરરોજ અહીં દાખલ થયા દર્દીઓ સાથે વાતચીત કરીને તેમને આત્મીયતા સભર હૂંફ આપી કોરોના સામે લડવા મક્કમ મનોબળ પુરુ પાડું છું.

જેથી દર્દીઓ સ્વસ્થ થઈ કોરોના મુકત થઈ શકે, સારવારની આ પદ્ઘતિથી દર્દીના સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો પણ આવે છે. સુયોગ્ય ઉપચાર અને મક્કમ મનોબળ દ્વારા આપણે સાથે મળીને કોરોનાને પરાસ્ત કરીશું, મારી આ વાત સાંભળીને તેમને બળ મળ્યું અને તેઓ કોરોનામુકત થયા, આમ પરિવાર જેવા જ માહોલમાં સારવાર આપી દર્દીઓને સ્વસ્થ કરીને પોતાના ઘરે પરત મોકલીએ છીએ ત્યારે ઘણો આનંદ થાય છે કે જે સેવા આપી છે તે વ્યર્થ નથી ગઈ. મારા માટે તો કોરોનાનાં દર્દીઓની સેવા-સારવાર ભગવાનની સેવા સમાન છે, હું નસીબદાર છું કે આ મહામારીના સમયમાં પેરામેડિકલ સ્ટાફમાં કાર્ય કરી દર્દીઓને કોરોનામુકત બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરૃં છું.'

(3:10 pm IST)