Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

પોલીસ શહિદ દિન નિમીતે સલામી અપાઇઃ ૩૦મી સુધી એકતા દિવસ અંતર્ગત યોજાશે વિવિધ કાર્યક્રમોઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

રાજકોટઃ આજે શહેર પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ શહિદ દિન નિમીતે શહિદ પોલીસ જવાનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, તમામ એસીપી, તમામ પીઆઇ તેમજ બીજા અધિકારીઓ જોડાયા હતાં. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ૧૯૫૯માં ચાઇના તરફથી હુમલો કરવામાં આવતાં પોલીસ ચોકીના દસ જવાનો શહિદ થયા હતાં. આ કાળા દિવસની યાદમાં દર ૨૧ ઓકટોબરના રોજ પોલીસ શહિદ દિવસેની ભારતભરમાં ઉજવણી કરવામાં આવે છે. દેશની સલામતિ, સુરક્ષા અને શાંતિ માટે પોલીસ જવાનોએ જે બલિદાન આપ્યા છે તેને યાદ કરી આજના દિવસે શહિદી આપવામાં આવે છે. તેમજ ભારતની એકતા અંખડિતતા માટે પોલીસ કટીબધ્ધ છે તે સંદેશો આપવા એકતા દિવસની ૩૦મી તારીખ સુધી રાજકોટ પોલીસ ઉજવણી કરશે અને તે અંતર્ગત અલગ-અલગ કાર્યક્રમો યોજશે. દસ દિવસ સુધી કોરોનાના સંક્રમણને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરીને જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવશે. જેમાં ઓનલાઇન સાયબર ક્રાઇમ એકઝીબીશન, સ્કૂલ કોલેજોમાં ડિબેટ અને સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રન ફોર યુનિટી સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવશે. તસ્વીરમાં શહિદોને ફુલહારથી અંજલી આપતાં પોલીસ અધિકારીઓ અને સંદેશો પાઠવી રહેલા શ્રી અગ્રવાલ જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા) 

(3:05 pm IST)