Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સિવિલ કોવિડ હોસ્પિટલમાં ધડાકા સાથે અમુક મિનિટો સુધી વિજપુરવઠો ખોરવાયો

પ્રારંભે જનરેટર પણ ચાલુ ન થતાં દોડધામઃ જો કે બાદમાં પુરવઠો પુર્વવત થયો

રાજકોટ તા. ૨૧: સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં સવારે અચાનક ધડાકા સાથે વિજપુરવઠો ખોરવાઇ જતાં દોડધામ મચી ગઇ હતી. પ્રારંભે જનરેટર પણ ચાલુ ન થતાં તંત્રવાહકો અને કોવિડમાં જ ફરજ પર હાજર પીજીવીસીએલના અધિકારી અને ટીમ કામે લાગ્યા હતાં. અમુક મિનિટો બાદ વિજ પુરવઠો પુર્વવત થઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ સવારે અચાનક જ ધડાકો થયો હતો અને સમગ્ર કોવિડ કેર સેન્ટરમાં વિજળી ઠપ્પ થઇ જતાં દોડધામ મચી ગઇ હતી. અગાઉ પણ આવું બન્યું હતું. ત્યારે એક કાબર સબ સ્ટેશનમાં ફસાઇ જતાં શોર્ટ સરકિટને કારણે પુરવઠો ઠપ્પ થયો હતો. એ વખતે કલેકટરશ્રીની સુચનાથી કાયમી ધોરણે કોવિડ ખાતે પીજીવીસીએલના એક અધિકારીની નોકરી શરૃ કરવામાં આવી હતી. આજે ફિડરમાં ખોટકો આવતાં અચાનક ધડાકો થયો હતો અને વિજપુરવઠો ઠપ્પ થઇ જતાં દોડાદોડી થઇ પડી હતી. જો કે અમુક મિનિટોમાં જ વિજપુરવઠો ફરી ચાલુ થઇ જતાં સોૈએ હાશકારો અનુભવ્યો હતો.

(3:04 pm IST)