Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

રોકડાની લાલચમાં એએસઆઇએ રાજકોટ દારૂ પહોંચાડી દીધોઃ શોર્ટીંગ થાય એ પહેલા એસઓજીએ ત્રણને પકડ્યા

અગાઉ એક વખત હેમખેમ 'માલ' ઉતારી ગયા, બીજી વાર આવ્યા ને દબોચાઇ ગયા : દારૂની મોંઘીદાટ બોટલો ભરેલી કારનું ખુદ અમદાવાદના આસી. સબ ઇન્સ્પેકટરે પાઇલોટીંગ કર્યુઃ વિદ્યાનગર રોડ પર પહોંચ્યા ને પકડાયાઃ બોટલો કોને આપવાની હતી? તે અંગે તપાસ

રાજકોટ તા. ૨૧: શહેર એસઓજીની ટીમે રૂ. સવા લાખની સ્કોચની બોટલો ભરેલી કાર સાથે એક શખ્સને વિદ્યાનગર રોડ પરથી પકડી લઇ તેમજ આ કારનું પાયલોટીંગ કરી રહેલા અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતાં એએસઆઇ સહિત બે જણાને પણ પકડી લઇ રૂ. ૯,૫૩,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી વિશેષ પુછતાછ હાથ ધરી છે. દારૂનો જથ્થો પાયલોટીંગ કરી રાજકોટ હેમખેમ પહોંચાડી દેવા બદલ એએસઆઇને રોકડા મળવાના હતાં. તેણે પોતાનું કામ સફળતા પુર્વક પાર પાડ્યું હતું. પણ માલનું શોર્ટીંગ થાય એ પહેલા પોલીસે ત્રણેયને પકડી લીધા હતાં.

એસઓજીની ટીમના હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, કિશનભાઇ આહિર, કોન્સ. હિતેષ રબારી અને નિખીલ પીરોજીયાની બાતમી પરથી વિદ્યાનગર રોડ પરથી સ્વીફટ કાર અને સિયાઝ કાર અટકાયતમાં લેવાઇ હતી. જેમાં સિયાઝ કારમાથી દારૂની મોંઘીદાટ બોટલોનો જથ્થો મળતાં તેના ચાલક મહેન્દ્રસિંહ અશોકકુમાર વૈદ (ઉ.વ.૩૦-રહે. ઇદગાહ ચોક, રાજનગર મીલ કમ્પાઉન્ડ ગલી-૨, અસારવા)ને પકડી લેવાયો હતો. આગળની સ્વીફટ કારમાં બે શખ્સ હોઇ પુછતાછમાં પોતાના નામ વિરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબાર (ઉ.વ.૩૬-રહે.ડી-૨૦૧, પરિમલ રેસિડેેન્સી, નવા નરોડા) તથા કૃણાલ હસમુખભાઇ શાહ (ઉ.વ.૩૬-રહે. એ-૧૦૪, નરોડા સ્માર્ટ સીટી-૨, દહેગામ રોડ) જણાવ્યા હતાં. જેમા વિરેન્દ્રસિંહે પોતે અમદાવાદ આઇ ડિવીઝનમાં ટ્રાફિક શાખામાં એએસઆઇ હોવાની ઓળખ આપી હતી. તેણે અને કૃણાલે દારૂ ભરેલી કારનું પાયલોટીંગ કર્યુ હતું.

પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ અગાઉ પણ એક વખત આ રીતે માલ ઉતારી ગયા હતાં. ત્યારે હેમખેમ ખેપ ઉતરી ગઇ હતી. પણ આ વખતે એસઓજીની ટીમે દબોચી લીધા હતાં. પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના મુજબ પીઆઇ આર. વાય. રાવલ, ભાનુભાઇ, કિશનભાઇ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હિતેષભાઇ અને નિખીલભાઇએ આ કામગીરી કરી હતી. આ બોટલો કોને આપવાની હતી? કેટલી વાર આ રીતે હેરાફેરી કરી? રાજકોટનું બીજુ કોઇ સામેલ છે કે કેમ? તે સહિતના મુદ્દે તપાસ કરવાની હોઇ રિમાન્ડની તજવીજ થઇ રહી છે. એએસઆઇને આ પાયલોટીંગ બદલ દસેક હજારની રકમ મળવાની હોવાની ચર્ચા છે. આ અંગે તપાસ થઇ રહી છે. પૈસાની લાલચમાં ખુદ પોલીસે દારૂની હેરાફેરી કરાવ્યાનું સામે આવતાં ચકચાર જાગી છે.

(11:26 am IST)