Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

પુરતા સભ્યો ન રહે તો પ્રમુખનું રાજીનામુ ? ભાજપને હાર દેખાય જાય તો ગેરહાજર ?

જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા સુધીમાં અવનવા ખેલની સંભાવના

રાજકોટ, તા. ૨૧ :. જિલ્લા પંચાયતમાં તા. ૨૪મીએ પ્રમુખ-ઉપપ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત બાબતે ફેંસલા માટે કલેકટરની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા મળનાર છે. બળાબળના પારખાનો દિવસ જેમ નજીક આવી રહ્યો છે તેમ ભાજપ-કોંગ્રેસ બન્ને તરફ ગતિવિધિ વધી રહી છે. અત્યારે તો બન્ને જીતના દાવા સાથે આગળ વધે છે. કોંગ્રેસ પાસે જરૂરી સંખ્યાબળ (ઓછામાં ઓછા ૧૩) ન રહે તો બન્ને સુકાનીઓએ પદભ્રષ્ટ થતા બચવા રાજીનામુ એકમાત્ર વિકલ્પ છે. બીજી તરફ ભાજપ પાસે પુરતુ સંખ્યા બળ ન થાય અને હાર નિશ્ચિત દેખાય જાય તો સામાન્ય સભામાં ભાજપ જુથ ગેરહાજર રહે અથવા સરકારના સહકારથી નવો કોઈ ખેલ પાડે તેવી સંભાવના પંચાયતના વર્તુળો નકારતા નથી.

 

પંચાયતમાં કુલ ૩૬ સભ્યો ચૂંટાયેલા છે. અવિશ્વાસ દરખાસ્ત મંજુર કરવા માટે ઓછામાં ઓછા ૨૪ સભ્યોનું સંખ્યા બળ જરૂરી છે. દરખાસ્તની તરફેણમાં ૨૪થી ઓછા મત કોઈપણ કારણસર પડે તો દરખાસ્ત નામંજુર થઈ ગણાય. આ દ્રષ્ટિએ જોતા દરખાસ્ત મંજુર કરાવવાનું કામ ભાજપ માટે ઘણુ કપરૂ છે. ૧૮થી ઓછા સભ્યો શાસક પક્ષ પાસે રહે તો સાદી બહુમતી ગુમાવે પરંતુ સત્તા ટકાવવા ૧૩ સભ્યોનો ટેકો કાફી છે. બળાબળના પારખાનો દિવસ નજીક આવતો જાય છે તેમ સભ્યોની ખેંચતાણ વધી રહી છે. બન્ને તરફથી જાત જાતની વાતો ફેલાવવામાં આવી રહી છે. સભ્યોને કઈ બાબત આકર્ષી શકે તે બન્ને પક્ષ જાણે છે.

ભાજપમાં અવિશ્વાસ દરખાસ્તનો મોરચો ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજા, કિશોર આંદીપરા, ચંદુભાઈ શીંગાળા વગેરેએ સંભાળ્યો છે. જયરાજસિંહ જાડેજા સહકાર આપી રહ્યા છે. કોંગ્રેસમાં મહદઅંશે એકલા અર્જુન ખાટરિયાનો વન મેન શો છે. બન્ને જુથને પોતાની પાસેના સંખ્યા બળના દાવાનો અને વાસ્તવિકતાનો અંદાજ આવી ગયો છે. પંચાયતના કેટલાય સભ્યો ગમે ત્યારે - ગમે તે તરફ વળી જવા માટે જાણીતા છે એટલે સામાન્ય સભા સુધી રાજકીય ઉત્સુકતા અકબંધ રહે તેવા અત્યારના સંજોગો છે. એક વખત સામાન્ય સભાનો એજન્ડા બહાર પડે એટલે બોલાવવી ફરજીયાત છે. અસામાન્ય સંજોગોમાં જ સામાન્ય સભા મુલત્વી રહી શકે છે. કોરમના અભાવે મુલત્વી રહેલી સામાન્ય સભા ફરીથી બોલાવવાનો વિકાસ કમિશનરને અધિકાર છે. પંચાયતના રાજકીય વર્તુળોમાં જો અને તો આધારીત જાત જાતની ચર્ચા થઈ રહી છે.

(4:18 pm IST)