Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

જામકંડોરણા પોલીસના અત્યાચારની ઘટનામાં ભોગ બનનાર છાત્રનું નિવેદન લેતા એસીપી

ભોગ બનનાર હરપાલસિંહે ચોંકાવનારી વિગતો વર્ણવીઃ પીએસઆઇ ચૌહાણના અત્યાચારનો ભોગ બનેલ અન્ય અડધો ડઝન બનાવ અંગે પણ એસીપીએ છાનબીન શરૂ કરીઃ તોળાતા પગલા : કાલે રાજકોટ જીલ્લા રાજપુત સમાજની મહત્વની બેઠક

રાજકોટ, તા., ૨૧:  આર્મીમાં ભરતી માટે કેરેકટરનું સર્ટીફીકેટ કઢાવવા ગયેલ ચરેલના છાત્ર  હરપાલસિંહ વાળા પર જામકંડોરણાના પીએસઆઇ વિનોદ ચૌહાણ તથા સ્ટાફ દ્વારા ગુજારાયેલ અત્યાચારની ઘટના અંગે રૂરલ એસપી બલરામ મીણાએ જેતપુર એસીપીને તપાસ સોંપતા જેતપુરના એસીપી સાગર બાગમારે ભોગ બનનાર હરપાલસિંહ વાળાનું નિવેદન લીધું હતું. આ નિવેદનમાં હરપાલસિંહે પોલીસ દ્વારા ગુજારાયેલ અત્યાચાર અંગે ચોંકાવનારી વિગતો વર્ણવી હતી.

દરમિયાન જામકંડોરણાના પીએસઆઇ  વિનોદ ચૌહાણ દ્વારા જામકંડોરણા પંથકમાં અત્યાચારના અન્ય અડધો ડઝન બનાવો સામે આવતા તે અંગે પણ એસીપી સાગર બાગમારે છાનભીન્ન શરૂ કરી છે. એસીપીના રીપોર્ટ બાદ જામકંડોરણાના પીએસઆઇ  સામે આકરા પગલા તોળાઇ રહયા છે.

અત્રે એ નોંધનીય છે કે ચરેલના છાત્ર હરપાલસિંહ વાળા પર ગુજારાયેલ  પોલીસ અત્યાચારની ઘટનામાં જવાબદારો સામે તાકીદે પગલા  ન લેવામાં આવે તો રાજપુત સમાજના વિવિધ સંગઠનોએ આવતીકાલથી  આંદોલન કરવાની ચીમકી આપેલ છે. સાંજ સુધીમાં પગલા ન લેવાય તો આંદોલનના કાર્યક્રમો ઘડવામાં આવશે અને આ સંદર્ભે આવતીકાલે રાજકોટ જીલ્લા રાજપુત સમાજની મહત્વની બેઠક મળનાર છે.

(4:18 pm IST)