Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ત્રિકોણ બાગથી માલવિયા ચોક સુધીનો રોડ ૮૦ ફુટનો થશેઃ ર૧ મીલકતો પર બુલડોઝર ફરશેઃ નોટીસ

સરકારી લાઇબ્રેરી, શો-રૂમ-દુકાનો સહિતની મીલ્કતોમાં માર્જીનની જગ્યા કપાશેઃ બન્ને બાજૂએ ૩-૩ મીટર કપાત કરી ર૪ મીટર પહોળો રસ્તો બનાવાશે

માલવીયા ચોકથી ત્રિકોણ બાગ સુધીનો રસ્તો પહોળો કરવા ટાઉન પ્લાનીંગ વિભાગે રોડ પરનાં મીલ્કત ધારકોને નોટીસો અપાઇ છે. તસ્વીરમાં આ રોડ દર્શાય છે.

રાજકોટ તા. ર૧ :.. શહેરના જૂના રાજકોટમાં રસ્તાઓમાં ટ્રાફીક જામની સમસ્યા અસહય બની છે ત્યારે મ્યુ. કોર્પોરેશનનાં તંત્ર વાહકો દ્વારા ભારે ટ્રાફિકવાળા રાજમાર્ગોને પહોળો કરવા કવાયત હાથ ધરાઇ છે. જે અંતર્ગત હવે માલવીયા ચોકથી ત્રિકોણ બાગ સુધીનો ૩૭૦ મીટર લંબાઇનો ૬૦ ફુટનો રોડ ૮૦ ફુટ પહોળો કરવાનો નિર્ણય લેવાયો છે. આ માટે આ રોડ ઉપરનાં ર૧ મીલ્કત ધારકોને કપાતની નોટીસો આપવામાં આવી છે.

આ અંગે ટાઉન પ્લાનીંગ વિભાગના સત્તાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ કોઇપણ રસ્તાને પહોળો કરવાની જરૂર જણાય તો લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ નકકી કરીને નિયમ મુજબ રસ્તો પહોળો કરી શકાય અને આ રસ્તો પહોળો કરવામાં નડતરૂપ મીલ્કતોને નોટીસો આપી વાંધા-સુચનો મેળવી મીલ્કત ધારકોની મીલ્કતોની કપાત કરી શકાય અને કપાનાં બદલામાં મીલ્કત ધારકોને વળત સ્વરૂપે એફ. એસ. આઇ. અથવા વૈકલ્પીક જમીન આપવામાં આવે છે.

આ જ પ્રકારે લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ માલવીયા ચોકથી ત્રિકોણ બાગ સુધીનાં ૩૭૦ મીટર લંબાઇના રોડને જે હાલમાં ૧૮ મીટર એટલે કે ૬૦ ફુટનો છે તેને ર૪ મીટર એટલે કે ૮૦ ફુટનો બનાવવા નિર્ણય લેવાયો છે.

દરમિયાન આ રોડ માટે ર૦૧૦ માં જ લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ કપાત માટે ઠરાવ થઇ ગયો હતો. અને તે મુજબ આ રોડ ઉપરનાં કેટલાક જુના મકાના મકાનો પાડીને જે નવા બિલ્ડીંગો બન્યા તેમાં રોડની કપાત થઇ ગઇ છે. હવે આ રોડ પરની એક સરકારી લાઇબ્રેરી, ઉપરાંત ૧૦ થી ૧ર જૂની મીલ્કતો રોડ ઉપર છે. બાકીની નવી મીલ્કતોમાં માત્ર માર્જીનની જગ્યામાં થયેલ દિવાલ વગેરેનું બાંધકામ નડતર રૂપ છે. આ તમામ મળીને રોડની બંન્ને તરફની કુલ ર૧ જેટલી મીલ્કતોને ૩-૩ મીટર કપાત કરવાની થાય છે.

આથી આ તમામ મીલ્કત ધારકોને તેઓની રોડ ઉપર નડતરરૂપ ૧ થી ૩ મીટરની જગ્યાની કપાત કરવા માટે નોટીસો આપવામાં આવી છે.

આમ હવે ત્રિકોણ બાગથી માલવીયા ચોક ટ્રાફિક સર્કલ સુધીનો રોડ ૮૦ ફુટનો રોડ બનશે ત્યારબાદ આ રોડ ઉપર ટ્રાફીક જામની સમસ્યા હળવી થશે.

(4:16 pm IST)