Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ગીતાના વિચારોથી સાંસ્કૃતિક ચેતના જગાવનાર પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીના જન્મ દિવસની 'મનુષ્ય ગૌરવદિન' તરીકે રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ઉજવણી : શતાબ્દી વર્ષ નિમિતે ૨૦૦ સ્થળોએ કાર્યક્રમો : ૪ લાખ લોકો જોડાયા

રાજકોટ : ગીતાજ્ઞાન પ્રવર્તક, સ્વાધ્યાય મંત્ર દ્રષ્ટા, પંચરંગી સાંસ્કૃતિક ક્રાંતિના પ્રણેતા, વૈશ્વિક સ્વાધ્યાય પરિવારના પથદર્શક પૂ. પાંડુરંગશાસ્ત્રીજી આઠવલેનું જન્મશતાબ્દી વર્ષ શરુ થઇ રહ્યું છે. ત્યારે સમગ્ર સ્વાધ્યાય પરિવારમાં  અનેરો ઉત્સાહ, ઉમંગ અને હર્ષોલ્લાસ છવાયેલો છે. પૂ. દાદાજીનો જન્મ ઈ.સ. ૧૯૨૦ માં મહારાષ્ટ્ર રાજયના રોહા ગામે થયો હતો. સૈકાઓથી વિદેશી શાસકોની ગુલામી તળે રહેલો ભારત દેશ તે સમયે સામાજીક, આર્થિક અને સાંસ્કૃતિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યો હતો. પશ્ચિમી સભ્યતા, અંગ્રેજી શિક્ષણ અને તેમના ભૌતિક વિકાસની ચકાચૌંધથી આકર્ષાયેલા અને મહદ્દઅંશે અંજાયેલા ભારતવાસીઓ ભારતીય આદર્શો, મૂલ્યો અને વિચારપરંપરાથી વિમુખ થઇ રહ્યાં હતા. એક બાજુ સાંસ્કૃતિક અસ્મિતા અને સામાજીક સ્થૈર્ય ડામાડોળ થયું હતું તો બીજી બાજુ અસ્મિતા અને આત્મગૌરવ ખોવાયા હતાં. તેવા સમયે દાદાજીએ જીવનભર સાતત્યપૂર્ણ રીતે ગીતાજ્ઞાનનો અસ્ખલિત પ્રવાહ વહાવી પોતાના પ્રખર કર્મયોગ થકી સમાજના છેવાડાના માણસ સુધી ગીતાના તેજસ્વી વિચારો પહોંચાડી લોકોમાં સાંસ્કૃતિક ચેતના પ્રગટાવી. ઉદાત્ત ભારતીય સંસ્કૃતિ અને વિચારધારાનો વિશ્વભરમાં ડંકો વગાડયો. આત્મગૌરવ અને પરસન્માનની ભાવના થકી મનુષ્યગૌરવ નિર્માણ કર્યું. તેથી જ સમગ્ર સ્વાધ્યાય પરિવાર પુ. દાદાજીના જન્મ દિવસ ૧૯ ઓકટોબરને 'મનુષ્ય ગૌરવદિન' તરીકે ઉજવે છે. આઇડેન્ટી ક્રાઇસીસના આ જમાનામાં માણસ પોતાની સાચી ઓળખ ભુલ્યો છે. કાંચન મૂલ્યવાદી સમાજમાં માણસની કિંમત તેના ગજવાની સાઈઝ, તેના પદની ઊંચાઈ કે બાહુઓના બળથી એટલે કે પૈસા, પદ, પ્રતિષ્ઠા અને પાવરથી જ થાય છે. તે સમાજમાં આ બધાથી વંચિત છે તેવા હેવ નોટ્સની કોઈ કિંમત, સન્માન કે ગૌરવ થતું નથી. ત્યારે દાદાજીએ ગીતાના વિચારોની મજબૂત આધારશિલા પર મનુષ્યગૌરવ ઉભું કર્યું. ગીતાના પ્રાણવાન વિચારોને માત્ર પુસ્તક સુધીના રાખતાં પૂ.દાદાએ માણસના મસ્તકમાં બેસાડયા. પોતાને હલકો, ક્ષુદ્ર કે લાચાર સમજતાં માણસને ગીતાના 'સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો' હું માનવ માત્રના હૃદયમાં બિરાજમાન છું, મમૈવાંશોજીવલોકે માણસ એ મારો (ઈશ્વરનો) જ અંશ છે જેવા તેજસ્વી વિચારોથી તેનામાં આત્મ ગૌરવ જગાડયું. માણસને ભગવાન સાથેનો નાતો સમજાવ્યો અને સ્વાર્થપરાયણ સમાજમાં નિઃસ્વાર્થ દૈવીસંબંધોથી ભ્રાતૃભાવનું નિર્માણ કર્યુ. પદ, પ્રતિષ્ઠા કે પૈસાથી પ્રાપ્ત થતું ગૌરવ ટકતું નથી, બલકે તે ગૌરવ માણસનું નહિ પણ તેના પઝેશનનું છે, માણસની માલિકીની વસ્તુઓનું છે. પૈસાથી મળતી કિંમત, માનપાન અને ગૌરવ પૈસો જતાં જ ખલાસ થાય છે. માણસનું ખરું ગૌરવ શેમાં છે? 'નાહંપશુૅં નાહંપક્ષીૅં અહં મનુષ્ય' હું પશુ નથી, પક્ષી નથી, માણસછું. હું ભગવાનનું શ્રેષ્ઠ સર્જન છું. માત્ર આત્મ ગૌરવથી મનુષ્ય ગૌરવ પૂરું થતું નથી. માટે જ દાદાજીએ સમજાવ્યું કે, આત્મ ગૌરવ સાથે પરસન્માન ત્યારેજ સાચું માનવ ગૌરવ નિર્માણ થાય છે. કારણ કે, જે ઈશ્વર મારામાં બેઠો છે તેજ ઈશ્વર બીજામાં બેઠો છે.  આ એક જ એવા મહાપુરુષ છે કે જેમણે સમાજ પાસે કે વ્યકિત પાસે આજીવન કશું માંગ્યું જ નહીં, પરંતુ સમગ્ર જીવન માનવજાત માટે ખર્ચ્યું. તેવા મહાપુરુષના જન્મશતાબ્દી વર્ષના પ્રારંભે અખિલ વિશ્વનો સ્વાધ્યાય પરિવાર હૃદયપૂર્વક 'દૈવીભ્રાતૃ ભાવનો ભાતીગળ ગુલાલ' આ ભૂતલ પર ઉડાડવા થનગની રહ્યો છે. મહર્ષિ યાજ્ઞવલ્કય, મહર્ષિ પતંજલિ કે મહર્ષિ વશિષ્ઠ વિષે આપણે પુસ્તકમાં વાંચતા હતા કે, અંતિમ મનુષ્ય સુધી તેઓ ગયા અને દરેકના પરિવાર સુધી નિઃસ્વાર્થ પ્રેમના પુષ્પોથી જીવનને સુગંધમય બનાવ્યું. તે જ વાત અને તે જ સુગંધ સમગ્ર સ્વાધ્યાય પરિવાર દાદાજીના જીવનથી અનુભવી રહ્યો છે.આવા મહાપુરુષનું જયારે 'શતાયુ જન્મોત્સવ પર્વ'  ૧૯ ઓકટોબરથી શરુ થઇ ચુકયો છે ત્યારે સમગ્ર સ્વાધ્યાય પરિવારમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્ર કચ્છમાં લગભગ ૨૦૦ (બસો) જગ્યાએ મનુષ્ય ગૌરવદિનની ઉજવણી કુલ ૪,૦૦,૦૦૦ (૪ લાખ) લોકો દ્વારા થઇ રહી છે.

(4:13 pm IST)