Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

જલારામ જયંતીએ ભવ્ય શોભાયાત્રા નીકળશેઃ કાલે કાર્યાલય ઉદ્દઘાટન

૩ નવેમ્બરે બાપાની જન્મ જયંતી ઉજવવા થનગનાટઃ ગયા વર્ષના ફલોટસના વિજેતાઓનું સન્માન

રાજકોટ તા. ર૧: શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આવતીકાલે મંગળવારે રાત્રે ૮-૩૦ કલાકે કરણપરા-કેશરીયા લોહાણા મહાજનવાડી-રાજકોટ ખાતે શ્રી જલારામ જન્મોત્સવ સમિતિના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવશે જેમાં જલારામ જન્મોત્સવ સમિતિના તમામ સદસ્યો, રાજકોટ લોહાણા-મહાજન-મહાપરિષદ, રઘુવંશીની તમામ સંસ્થાઓ તથા વોર્ડવાઇઝ જલારામ જયંતિ-ઉજવતા તમામ અગ્રણીઓને આમંત્રિત કરવામાં આવેલ છે તથા ભોજનપ્રસાદનું આયોજન કરાયું છે.

ગત વર્ષે જલારામ જયંતિમાં જે ફલોટ હોલ્ડરોએ ભાગ લીધેલ હતો તેમાંથી શ્રેષ્ઠ દેખાવ કરનારા ટુ વ્હીલર તથા ફોર વ્હીલર-ફલોટ હોલ્ડરોનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા યોજાશે. શ્રી જલારામ બાપાની રર૦ મી જન્મ જયંતિ કારતક સુદ-૭ રવિવારે આવતી હોવાથી જલારામ ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શોભાયાત્રા સાથે મહાપ્રસાદ-જલારામ ઝૂંપડી દર્શન, જલારામ ભકિત સંધ્યા, રકતદાન કેમ્પ જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવનાર છે. કાલે ઉદ્દઘાટન પ્રસંગે તમામ ભકતોને ઉપસિથત રહેવા સમિતિએ આમંત્રણ પાઠવ્યું છે.

(4:12 pm IST)