Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

માંગરોળના આરટીઆઇ એકટીવિસ્ટ બે કાર્યકર સાથે રાજકોટ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ધરણા કરવા આવતાં અટકાયત

માંગરોળ વિજ ડિવીઝનના કરોડોના કોૈભાંડમાં ૨૦૧૭થી પુરાવા સાથે રજૂઆતો કરી હોવા છતાં તપાસ ન થતાં રોષે ભરાયાઃ ગત રાતે માંગરોળ પોલીસે હમીરભાઇ ધામા તથા અન્ય બે કાર્યકરો સુરેશચંદ્ર જોષી અને કાનાભાઇ ચાવડાને અટકાયતમાં લીધાઃ વહેલી સવારે ત્રણેય બસમાં બેસી રાજકોટ રવાના થયાઃ ખાનગી ડ્રેસમાં માંગરોળ પોલીસ કર્મચારીઓ પણ બેસી ગયાઃ બસ રાજકોટ પહોંચતા જ ત્રણેયની ગાંધીગ્રામ પોલીસે અટકાયત કરી

હમીરભાઇ ધામા વહેલી સવારે  માંગરોળથી બસમાં બેઠા ત્યારની તસ્વીર

ગાંધીગ્રામ પોલીસે ત્રણેય સામે અટકાયતી પગલા લીધા હતાં

રાજકોટ તા. ૨૧: માંગરોળ વિજ ડીવીઝનના કરોડોના લાઈન કામમાં કૌભાંડો થયાના આક્ષેપો સાથે તંત્રને જગાડવા કાર્યવાહી કરવાની માંગણી સાથે માંગરોળના આરટીઆઇ એકટીવિસ્ટ લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે. પરંતુ આ મામલે તપાસ શરૂ ન થતાં આરટીઆઇ એકટીવિસ્ટ હમીરભાઇ લક્ષમણભાઇ ધામા (ઉ.વ.૫૪) તથા તેની સાથે બીજા બે વ્યકિત સુરેશચંદ્ર મણીલાલ જોષી (ઉ.વ.૬૫) અને કાનાભાઇ મેરામણભાઇ ચાવડા (ઉ.વ.૫૫) (રહે. ત્રણેય માંગરોળ શકિતનગર, ટાવર રોડ તથા ટ્રાફિક પોઇન્ટ) રાજકોટ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિવાસ સ્થાને ધરણા કરવા માટે આવી પહોંચતા ગોંડલ રોડ ચોકડીએ બસમાંથી ઉતરતા જ ગાંધીગ્રામ પોલીસે ત્રણેયની અટકાયત કરી લીધી હતી.

એકટીવિસ્ટ હમીરભાઇ ધામાએ પોતે ૨૧મીએ રાજકોટ આવી મુખ્યમંત્રીશ્રીના નિવાસ સ્થાને બે કલાક ધરણા કરશે તેવી જાહેરાત કરતાં માંગરોળ પોલીસ ધંધે લાગી હતી. ત્યાંના ઇન્ચાર્જ પીએસઆઇ વાઘેલા સહિતની ટીમે હમીરભાઇ તથા અન્ય બે વ્યકિતને બોલાવી નિવેદન નોંધય હતાં. દોઢેક કલાક પોલીસ મથકમાં  રોકાયા પછી પણ હમીરભાઇએ પોતે ધરણા કરવા તો અચુક જશે જ તેવી જીદ પકડી રાખતાં વહેલી સવારે તેમને પોલીસ મથકમાંથી મુકત કરાયા હતાં. તેઓ બહાર નીકળી સીધા માંગરોળ બસ સ્ટેશનેથી એસટી બસમાં બેઠા હતાં અને તેની સાથે બીજા બે કાર્યકરો સુરેશચંદ્ર તથા કાનાભાઇ પણ જોડાયા હતાં.

આ બધા રાજકોટ મુખ્યમંત્રીશ્રીના બંગલે ધરણા માટે જઇ રહ્યા હોઇ માંગરોળ પોલીસના બે કર્મચારીઓ પણ ખાનગી ડ્રેસમાં બસમાં ચડી ગયા હતાં અને હમીરભાઇ સહિતના ઉપર વોચ રાખી રાજકોટ પોલીસને જાણ કરતાં મુખ્યમંત્રીશ્રીના બંગલે બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને પી.આઇ. વી.વી. ઓડેદરા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, રાહુલભાઇ વ્યાસ, રશ્મીનભાઇ પટેલ, ભાનુભાઇ મિંયાત્રા, વનરાજભાઇ લાવડીયા, હીરાભાઇ રબારી, સંતોષભાઇ રબારી સહિતની ટીમે  ગોંડલ રોડ ચોકડીએ વોચ રાખી હતી.

સવારે પાંચ વાગ્યે માંગરોળથી ઉપડેલી બસ રાજકોટ પહોંચતા જ અને હમીરભાઇ સહિતના ત્રણેય નીચે ઉતરતાં જ અટકાયતમાં લઇ લેવાયા હતાં અને પોલીસ મથકે લઇ જઇ નિવેદન નોંધાયા હતાં. હમીરભાઇએ કહ્યું હતું કે ૨૦૧૭થી પોતે કરોડાના કોૈભાંડોની આધાર પુરાવા સાથે અનેક વખત રજૂઆત કરી ચુકયા છે. ગત ગાંધી જયંતિના દિવસે પણ પોરબંદર વ્જિ સર્કલ કચેરી સામે બે કલાક ધરણા કરી આવેદન પત્ર પાઠવ્યા હતાંઉ છતાં કોઇ કાર્યવાહી ન કરતાં અંતે રાજકોટ ખાતે મુખ્યમંત્રીશ્રીના નિવાસ સ્થાને ધરણા કરવાનું નક્કી કર્યુ હતું. હમીરભાઇ સીએમ રૂપાણી તથા પીજીવીસીએલના એમડી શ્વેતા મેડમ-આઇએએસને આવેદન પાઠવશે તેમ જણાવ્યું હતું. આરટીઆઇ એકિટર્વિસ્ટની સીએમના નિવાસસ્થાને ધરણાની જીદને કારણે માંગરોળ પોલીસ અને રાજકોટ પોલીસની ટીમોને દોડધામ થઇ પડી હતી.

(1:13 pm IST)