Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

પોલીસ શહિદ દિવસ નિમિતે પોલીસ હેડકવાર્ટરમાં શહિદોને સલામી અને પુષ્પાંજલિઃ વિરાણી હાઈસ્કૂલમાં શહિદ કોન્સ. ભરતભાઇ નેચડાનું સ્મારક મુકી અંજલી અપાઇ

રાજકોટઃ આજે ૨૧ ઓકટોબરનો દિવસ 'પોલીસ શહિદ દિવસ' તરીકે ભારતભરમાં મનાવવામાં આવે છે. જે અન્વયે રાજકોટ શહેર પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ શહિદ દિવસ નિમીતે  શહિદોને સલામી આપવા માટે પરેડ યોજવામાં આવી હતી અને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સવારે પોણા આઠ કલાકે પોલીસ શહિદ પરેડ યોજાઇ હતી. જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ભારતભરના શહિદ જવાનોના નામ વાંચી સંભળાવવામાં આવ્યા હતાં ત્યારબાદ વીર શહિદોને સલામી અપાઇ હતી. ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી પી. કે. દિયોરા, એસીપી એસ.આર. ટંડેલ, એસીપી જે. એસ. ગેડમ, એસીપી એચ.એલ. રાઠોડ, એસીપી જી.એસ. બારીયા તથા તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર અને ઉપસ્થિત રહ્યા હતાં અને જુદા જુદા સ્થળોએ શહિદ થયેલા પોલીસ જવાનોને સલામી આપી હતી.

આ ઉપરાંત બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતાં અનાર્મ કોન્સ્ટેબલ ભરતભાઇ અશ્વિનભાઇ નેચડાનું તા. ૩-૦૩-૨૦૧૬ના રોજ સ્થાનિક ગુનેગારો દ્વારા છરીથી હુમલો કરવામાં આવતાં તેઓ શહિદ થયા હતાં. તેમની યાદમાં તેઓ જ્યાં અભ્યાસ કરતાં હતાં તે વિરાણી હાઇસ્કૂલ ખાતે તેમનું શહિદ સ્મારક બનાવવામાં આવ્યું છે. વિરાણી સ્કૂલ ખાતે શહિદ ભરતભાઇ નેચડાને શ્રધ્ધાંજલિ આપવા એસીપી જી.એસ. બારીયા, એસીપી એસ.આર. ટંડેલ, એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજા, રિઝર્વ પી.આઇ. એમ. એન. બોરીસાગર, પોલીસ કર્મચારીઓ, શહિદ ભરતભાઇના પરિવારજનો અને વિરાણી હાઇસ્કૂલનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.  શહિદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તસ્વીરોમાં સલામી પરેડ અને પુષ્પાંજલિના દ્રશ્યો જોઇ શકાય છે. ડાબી બાજુ ઇન્સેટમાં શહિદ પોલીસમેન ભરતભાઇ નેચડાનું સ્મારક જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:12 pm IST)