Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ઓઇલ મીલ એશો.નો સીંગતેલનું ઉત્‍પાદન વધારવા સાનુકુળ નિર્ણય

રાજકોટ :  સૌથી મોંઘા મગફળીના સીંગતેલના ઉત્પાદનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે રાજકોટમાંસૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં આ વર્ષે મગફળીના પાકના ઉત્પાદનના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં આ વર્ષે 31 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. સારા વરસાદને કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થશે. તેમજ સીંગતેલનું ઉત્પાદન વધશે અને ભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

એકબાજુ મગફળીના ઓપન હરાજીમાં દરોજ ભાવ ઘટી રહ્યા છે. મગફળીના ઘટતા ભાવ વચ્ચે ઓઇલ મિલરો ભાવ અને પાકનો અંદાજ કાઢશે. રાજકોટ, ગોંડલ યાર્ડમાં મગફળીની બમ્પર આવકને લઇને ભાવ ઘટી રહ્યા છે. મગફળી પ્રથમવાર યાર્ડમાં આવી ત્યારે 1400થી 1500 ભાવ હતા. હાલ ખેડૂતોને 800થી 1000 મળી રહ્યા છે.

રાજકોટ અને ગોંડલ યાર્ડમાં દરરોજ 40 હજાર ગુણઈ મગફળીની આવક છે. સરકાર દ્વારા ટેકાના ભાવે એક મણના 1018 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં સારા વરસાદના કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે.

આ અંગે સોમાના પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા ઉત્પાદન સારૂ થયું છે. પીવાના પાણી અને સિંચાઇનું પાણી પણ આવ્યું છે. રવિ પાક પણ થશે. પામોલિન તેલની આયાત પર પાબંધી લાદવી જોઇએ. આ માટે સરકારને પણ રજૂઆત કરવામાં આવશે. મંદીના માહોલમાંથી ઉગરવા માટે સ્થાનિક ઉદ્યોગોને ફાયદો પહોંચે તે માટે સરકારે પ્રયત્નો કરવા જોઇએ. આયાત ઘટાડવામાં આવે તો ખેડૂતોને પણ ફાયદો થાય.

(9:11 am IST)