Gujarati News

Gujarati News

News of Thursday, 21st September 2023

રાજકોટમાં રજપૂતપરામાં ગરાસીયા છાત્રાલય પાસે રાત્રે બે જુથ વચ્‍ચે બબાલઃ મારામારીમાં ૪ને ઇજા

મુળ ગઢાળીના યુવરાજસિંહ ગોહિલ અને બોર્ડીંગમાં રહેતાં કુલદિપસિંહ જાડેજાને ઇજાઃ વસીમ સહિતના શખ્‍સો નીકળતાં વાહન અડતું અડતું રહી જવા પ્રશ્ને ડખ્‍ખોઃ મોબાઇલથી વિડીયો ઉતારતાં વાત વણસીઃ ડીસીપી, એસીપી, ક્રાઇમ બ્રાંચ, એ-ડિવીઝન પોલીસે પહોંચી મામલો થાળે પાડયો

રાજકોટ તા. ૨૧: શહેરમાં રજપૂતપરામાં શેરી નં. ૫માં આવેલી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય પાસે રાતે છાત્રાલયમાં રહેતાં યુવાનો અને દૂધની ડેરી તથા રૈયા રોડ પર રહેતાં શખ્‍સોના જુથ વચ્‍ચે માથાકુટ થતાં અને મારામારી થતાં ચારને ઇજા પહોંચી હતી. બનાવને પગલે ડીસીપી, એસીપી, ક્રાઇમ બ્રાંચ, એ-ડિવીઝનની ટીમો અને એસઆરપીના જવાનો દોડી ગયા હતાં અને મામલો થાળે પાડયો હતો. જો કે આ બનાવમાં સવાર સુધી ગુનો નોંધાયો નહોતો. શેરીમાંથી નીકળતી વખતે વાહન અડતું અડતું રહી જતાં બોલાચાલી બાદ માથાકુટ થતાં અને તેનો વિડીયો ઉતારવાનું ચાલુ થતાં વાત વણસી હતી. બાદમા ફોન કરી બીજા લોકોને બોલાવાતાં ડખ્‍ખો વકર્યો હતો.

આ માથાકુટમાં મુળ બોટાદના ગઢાળી ગામે રહેતાં અને રાજકોટ રહી યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરતાં યુવરાજસિંહ વાસુદેવસિંહ ગોહિલ (ઉ.વ.૨૨) તથા રજપૂતપરા છાત્રાલયમાં રહેતાં કુલદિપસિંહ જનકસિંહ જાડજા (ઉ.વ.૨૨)ને ઇજાઓ થતાં સિવિલ અને ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં એ-ડિવીઝનમાં નોંધ કરાવાઇ હતી. પ્રાથમિક વિગતો મુજબ રાતે સાડા આઠેક વાગ્‍યે છાત્રાલય બહાર રોડ પર યુવરાજસિંહ ઉભેલ ત્‍યારે બે શખ્‍સો છાત્રાલયના બીજા શખ્‍સો સાથે ઝઘડો કરતાં હોઇ યુવરાજસિંહ અને કુલદિપસિંહ છોડાવવા જતાં તેની સાથે માથાકુટ કરી મારામારી કરવામાં આવી હતી. સામેના છોકરાએ પોતાનું નામ વસીમ કહ્યું હતું. બાદમાં તેને દૂર મુકી આવવામાં આવ્‍યા પછી થોડીવાર બાદ ફરીથી વસીમ સહિતના અમુક શખ્‍સોએ આવી માથાકુટ કરી મારામારી કરી હતી.

બીજી તરફ સામા પક્ષે રૈયા રોડ કનૈયા ચોકમાં રહેતાં વસીમ  અને દૂધ સાગર રોડ પર ભગવતી સોસાયટીમાં રહેતાં એઝાજ નામના યુવાનને પણ ઇજા થઇ હતી. વસીમના કહેવા મુજબ રાતે તે અને મિત્ર ગરાસીયા બોર્ડિંગ પાસે બૂલેટના પાર્ટ લેવા આવ્‍યા ત્‍યારે વાહન છાત્રાલય પાસે ઉભેલા છોકરાને અડતાં અડતાં રહી જતાં ઝઘડો થયો હતો.  જ્‍યારે એઝાઝે કહ્યું હતું કે પોતે અને મિત્ર ક્રિકેટ મેચની ટ્રોફી લેવા યાજ્ઞિક રોડ પર જતાં હતાં ત્‍યારે ગરાસીયા બોર્ડિંગ પાસે માથાકુટ ચાલતી હોઇ ત્‍યાં જઇ મોબાઇલથી શુટીંગ કરતાં ઝઘડો થયો હતો. પોલીસે વિશેષ પુછતાછ હાથ ધરી હતી. ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયા, પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ બી. ટી. ગોહિલ, પીઆઇ એ-ડિવીઝન ડી. એમ. હરીપરા સહિતનો કાફલો પહોંચ્‍યો હતો. એસઆરપી જવાનોને પણ બોલાવાયા હતાં.  વાહન અડતું અડતું રહી જવા મામલે થયેલી બોલાચાલી બાદ આ માથાકુટ થઇ હતી. જો કે આજ સવાર સુધી કોઇ ફરિયાદ નોંધાવાઇ નથી. પોલીસે તપાસ યથાવત રાખી હતી.

(12:41 pm IST)