Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

રાજકોટ ચેમ્બરના સહયોગથી ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ૧૭મો FIG એવોર્ડ અપાશે : અરજીની છેલ્લી તારીખ ૧૫/૧૦

ગુજરાતના વિવિધ ક્ષેત્રે આગવું યોગદાન આપનારને અપાય છે એવોર્ડ : કોઇ પણ સંસ્થા, કંપની, એનજીઓ, વ્યકિત વગેરે પોતાને લગતી ૧૪ કેટેગરીમાંથી એક થી વધુમાં અરજી કરી શકે છે

રાજકોટ તા. ર૧ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી ૧૭મો એફ. જી. આઇ. એવોર્ડસ ફોર એકસીલન્સ આપવાનું આયોજન કરવામાં આવેલ છે.

કાર્યક્રમના પ્રારંભે રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવ દ્વારા સર્વેને આવકારી ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ૧૭મો એફ. જી. આઇ. એવોર્ડસનું આગામી ટૂંક સમયમાં આયોજન થનાર છે જેમાં ગુજરાત રાજયના વિવિધ ક્ષેત્રે આગવું નોંધપાત્ર યોગદાન આપનારને એવોર્ડ આપવામાં આવે છે જે સર્વે માટે પ્રેરણારૂપ છે. તેમજ આવા પ્રેરણારૂપ કાર્યમાં રાજકોટ ચેમ્બર હંમેશા સહભાગી બની રહેશે. સાથોસાથ રાજકોટ તથા સૌરાષ્ટ્રના તમામ ઉદ્યોગકારોને આગામી ૧૭મો એફ. જી. આઇ. એવોર્ડસમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવેલ.

ફેડેરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ મેનેજીંગ કમીટી મેમ્બર શ્રી નિલેશભાઇ શુકલા તથા સેક્રેટરી જનરલ શ્રી પ્રેમલભાઇ દવેએ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવા તથા સહયોગ આપવા બદલ આભારની લાગણી વ્યકત કરેલ. તેમજ આગામી ૧૭મો એફ. જી. આઇ. એવોર્ડસ ફોર એકસીલન્સી અંગે જાણકારી આપતા આ એવોર્ડ એફ. જી. આઇ. દ્વારા દર બે વર્ષે આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ એવોર્ડસના વિજેતાઓને ડો. એ. પી. જે. અબ્દુલ કલામ, ડો. મનમોહન સિંઘ, શ્રી નરેન્દ્રભાઇ મોદી, શ્રી સુરેશ પ્રભુ, શ્રી મનોહર પરીકર તથા શ્રીમતી મેનકા ગાંધી જેવા વિશિષ્ટ વ્યકિતઓના હસ્તે બિરદાવામાં આવ્યા છે. એફ. જી. આઇ. નો એવોર્ડ મેળવવા વિજેતાઓ માટે વ્યાપાર - ઉદ્યોગ અને સમાજમાં પ્રતિષ્ઠા વધારનારો સાબીત થયેલ છે. આ એવોર્ડમાં કોઇ પણ સંસ્થા,કંપની, એન.જી.ઓ. વ્યકિત વગેરે પોતાને લગતી ૧૪ કેટેગરીમાંથી એકથી વધુમાં અરજી કરી શકે છે. સમયથી સાથે ચાલતા ડિજીટલ માધ્યમથી પણ ઓનલાઇન અરજી કરવાની સુવિધા રાખવામાં આવેલ છે. જેના માટે https://awards.fgiindia.com ઉપર જઇને અરજી કરવાની રહેશે. એવોર્ડસ માટે અરજી કરવાની છેલ્લી તા. ૧૫/૧૦/૨૦૨૧ રાખવામાં આવેલ છે. આમ છતાં આ અંગે વધુ માહિતીની આવશ્યકતા હોય તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીનો સંપર્ક કરવો તેમ વગેરે વિવિધ બાબતોની પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજકોટ ચેમ્બરના કારોબારી સભ્યશ્રી મયુરભાઇ આડેસરા દ્વારા કરવામાં આવેલ. તેમજ ઉપસ્થિત વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓનો રાજકોટ ચેમ્બરના કારોબારી સભ્યશ્રી અમૃતભાઇ ગઢીયા દ્વારા આભાર વ્યકત કરવામાં આવેલ. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:03 pm IST)