Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

લાતી પ્લોટમાં માથાના દુઃખાવાની ટીકડી પીધા બાદ ગંગાબેનની તબિયત બગડીઃ મોત

પોસ્ટ મોર્ટમ થતાં હાર્ટએટેક આવી ગયાનું ખુલ્યું: પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૧: ભગવતીપરા જયપ્રકાશનગરમાં રહેતાં ગંગાબેન કિશનભાઇ મહેશ્વરી (પાતરીયા) (ઉ.વ.૪૫) નામના મહિલા લાતી પ્લોટ ગણેશનગરમાં તેલના ડબ્બાના ઢાંકણા બનાવવાના કારખાનામાં કામ કરતાં હોઇ બપોરે માથુ ચડતાં તેની ટીકડીઓ પીધા બાદ તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના આર.એસ. સાંબડ અને જયમિન પટેલે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસ મથકના હેડકોન્સ. હિતેષભાઇ જોગડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ગંગાબેન મુળ કચ્છના વતની હતાં.  પોસ્ટ મોર્ટમ થતાં હાર્ટએટેક આવ્યાનું ખુલ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

લોહાનગરમાં લોહીની ઉલ્ટી થયા બાદ જમુનાબેનનું  મોત

લોહાનગર લિજ્જત પાપડ પાછળ રહેતાં જમુનાબેન રવજીભાઇ મીઠાપરા (દેવીપૂજક) (ઉ.વ.૪૨) બિમાર હોઇ લોહીની ઉલ્ટી થયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે જાણ કરતાં એ-ડિવીઝનના આર. એલ. વાઘેલાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક એકલા રહેતાં હતાં અને ભીક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવતાં હતાં.

મહાત્મા ગાંધી પ્લોટના રમેશભાઇનું બેભાન હાલતમાં મોત

પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટ-૫માં રહેતાં રમેશભાઇ કાનજીભાઇ પારઘી (વણકર) (ઉ.વ.૪૨) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. તેઓ સ્મશાનમાં પગી તરીકે કામ કરતાં હતાં અને કુંવારા હતાં. ચાર ભાઇમાં બીજા હતાં. બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. 

(2:58 pm IST)