Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળના પ્રમુખ-રાજકોટ સોની સમાજના અગ્રણી મુકેશભાઇ પાટડીયાનું કોરોનાની ટુંકી બીમારીથી અવસાન

રાજકોટ : શ્રી સ્વામિનારાયણ મૂળ સંપ્રદાયના મહાન સંત સદ્ગુરૂ શ્રી ધ્યાનીસ્વામીજીના કૃપાપાત્ર શિષ્ય અને શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ રાજકોટના પ્રમુખ તેમજ રાજકોટ સોની સમાજના અગ્રણી વેપારી મુકેશભાઇ કનૈયાલાલ પાટડીયા અક્ષરવાસી થયા છે. તેમની વય ૬પ વર્ષની હતી. અમદાવાદ ખાતે પવિત્ર પુરૂષોત્તમ માસની શરૂઆતના પ્રથમ દિવસે કોરોનાની ટૂંકી બીમારીમાં તેમનું અવસાન થતાં સમગ્ર સત્સંગ સમાજ અને રાજકોટ સોની સમાજમાં દુઃખ અને ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે.  મૂળ મોરબીના વતની અને સદ્ગુરૂ પૂજયપાદ શ્રી ધ્યાનીસ્વામીજીના કૃપાપાત્ર મુકેશભાઇ પાટડીયા પ્રેમાળ સ્વભાવ ધરાવતા હતાં. ૧૯૭૧થી સદ્ગુરૂ શ્રી ધ્યાનીસ્વામીજીના પરિચયમાં આવી તેમનું શિષ્ય પદ સ્વીકારી જીવનના છેલ્લા શ્વાસ સુધી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને સદ્ગુરૂ શ્રી ધ્યાનીસ્વામીજીના સિદ્ધાંત અને આજ્ઞા ઉપાસનાનંુ દૃઢતાથી પાલન કરતા મુકેશભાઇ પાટડીયાના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર અમદાવાદ ખાતે કરવામાં આવ્યો હતો.

સદ્ગુરૂ શ્રી ધ્યાનીસ્વામીજીએ મુકેશભાઇને અનેક સમૈયા, સેવા અને સત્સંગના દિવ્ય કાર્યોમાં લાભ આપી તેમની આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ સરળ કરી આપી કૃતાર્થ કર્યા છે. શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ રાજકોટના પ્રમુખ તરીકે તેમની સેવાઓ ખૂબ નોંધપાત્ર રહી છે. નાત, જાત, ધર્મ કે કોમના ભેદભાવ વગર જરૂરીયાત મંદોને દર મહિને અનાજ કરિયાણું, મસાલા, તેલ, ઘી, ખાંડ તેમજ માંદા માટે દવા અને રોકડ રકમની સહાય મુકેશભાઇ અને મંડળના અન્ય સભ્યો સાથે રહી સ્વયંમ સેવા કરી દેખરેખ રાખતા હતાં.

સોની સમાજમાં મોટુ નામ ધરાવતા મુકેશભાઇ પાટડીયા એન્ટીક, કાસ્ટીંગ અને પ્લેન જવેલરીમાં સમગ્ર ગુજરાત ઉપરાંત ઉતર અને દક્ષિણ ભારતમાં ખૂબ મોટું માર્કેટ ધરાવે છે. તેમના બનાવેલ દાગીનાની ઘણી માંગ ઉતર અને દક્ષિણ ભારતમાં છે. વ્યવસાયમાં પ્રમાણિકતા, નિષ્ઠા, વિશ્વાસ અને પારદર્શિતાને કારણે મુકેશભાઇએ મોટું નામ મેળવ્યું છે.

ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સદ્ગુરૂ શ્રી ધ્યાનીસ્વામીજીની કૃપાથી શૂન્યમાંથી સર્જન કરી, અતિ નિર્માની ભાવે સત્સંગ અને સમાજની સેવા કરનાર મુકેશભાઇ પાટડીયા તેમની પાછળ આ સેવા, પ્રમાણિકતા, વિશ્વાસ અને દાસભાવનો વારસો તેમના પુત્ર જુગલભાઇ અને પૌત્રો અનુપ અને ઘનશ્યામને સોંપી ગયા છે. કણભા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના મેનેજિંગ ટ્રસ્ટી સદ્ગુરૂ શાસ્ત્રીશ્રી સત્સંગભૂષણદાસજી સ્વામી અને ઉપમેનેજિંગ ટ્રસ્ટી સદ્ગુરૂ પુરાણી શ્રી ન્યાલકરણદાસજી સ્વામી તેમજ બ્રહ્મનિષ્ઠ સંતો અને હરિભકતોએ અક્ષર નિવાસી મુકેશભાઇ પાટડીયાને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે.

શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ રાજકોટ, મોરબી, ભુજ, ગાંધીધામ, જામનગર, ભાવનગર, સુરત, અમદાવાદ, પુના અને મુંબઇ તેમજ વિદેશોના મંડળ દ્વારા મુકેશભાઇ પાટડીયાને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા છે. વર્તમાન સંજોગો અને સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ તમામ લૌકિક ક્રિયા બંધ રાખવામાં આવી છે.

(4:12 pm IST)
  • સૌરાષ્ટ્ર - કચ્છ અને ગુજરાત ઉપરથી આજે વાદળા વિખેરાવા લાગ્યા :ગઈકાલે વાદળાઓના ઝુંડ છવાયા હતા તો આજે સવારથી આછા વાદળા થવા લાગ્યા. રાજકોટમાં અત્યારે તડકા છાયાનું વાતાવરણ છે.( access_time 1:04 pm IST

  • માંડવી તાલુકાના કોડાય ગામ પાસેથી રોયલ્ટી વગર રેતી (ખનીજ) ભરેલા બે ટ્રેકટર તથા એક હાઇવા ડમ્પર ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ, ભુજ access_time 6:34 pm IST

  • સારા સમાચાર : ભારતમાં પૂનાની સસૂન જનરલ હોસ્પિટલમાં ઓક્સફર્ડ ની કોવીડ -19 રસીના ત્રીજા ચરણનું માનવ તબીબી પરીક્ષણ શરૂ કરાયું. access_time 11:20 pm IST