Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

દારૂ પીવાનો ખર્ચો કાઢવા નકલી પોલીસ બની પૈસા પડાવી લેતાં પાંચ પકડાયા

ગયા મહિને વિછીયાના ઓરી ગામના બે યુવાનને ચુનારાવાડમાં ધમકાવી ૯ હજાર પડાવી લેનારા શખ્‍સો પરપ્રાંતિયોને વારંવાર મારકુટ કરી પૈસા પડાવવાની ટેવ ધરાવે છેઃ કોવિડ રિપોર્ટ બાદ રિમાન્‍ડ મંગાશે

રાજકોટ તા. ૨૧: થોરાળા વિસ્‍તારમાં અવાર-નવાર પરપ્રાંતિયોને ધમકાવી પૈસા પડાવી લેતાં અને ગયા મહિને વિછીયાના ઓરી ગામના કોળી યુવાન તથા તેના મિત્રને ચુનારાવાડ ચોકમાં ઇકો કાર લઇને ઉભો હતાં ત્‍યારે તમે અહિ શું ઉભા છો? કહી પોલીસની ઓળખ આપી ૯૦૦૦ રૂપિયા પડાવી લેનારા પાંચ શખ્‍સોને થોરાળા પોલીસે ઝડપી લીધા છે.

આ ગુનામાં પોલીસે પેડક રોડ ગાંધીસ્‍મૃતિ સોસાયટી-૧માં રહેતાં નૈતિક મહેન્‍દ્રભાઇ સાંગાણી (પટેલ) (ઉ.વ.૨૬), જામનગર જલારામનગર-૨માં રહેતાં મહેશ ગોપાલભાઇ ચુડાસમા (ખવાસ) (ઉ.વ.૩૩), ચુનારાવાડ ડાભી હોટેલ સામે રહેતાં રાકેશ રસિકભાઇ રાણેસરા (કોળી) (ઉ.વ.૪૦), હાથીખાના-૧૭માં રહેતાં અમિત નલિનભાઇ ગોહેલ (ખવાસ) (ઉ.વ.૨૯) તથા બેડીપરા લંગડા હનુમાનજીની જગ્‍યા પાસે કેસરી પુલ નીચે રહેતાં વિજય ગુણવંતજી દેવભડીંજી (બાવાજી) (ઉ.વ.૩૬)ને પકડી લીધા છે.

ઓરી ગામે રહેતાં સગરામભાઇ કુંવરજીભાઇ ધોરીયા (કોળી) (ઉ.વ.૪૨) અને તેના મિત્ર વલ્લભભાઇ દાનાભાઇ વાલાણી ગત ૨૮/૮ના રોજ પોતાની દિકરીઓની ધોરણ-૧૦ની પરિક્ષા હોઇ ચાર દિકરીઓને લઇ રાજકોટ આવ્‍યા હતાં. ચારેયને પરિક્ષા ખંડ પર ઉતારી ઇકો કારના બ્રેક પટ્ટા રિપેર કરાવવા વલ્લભભાઇના કાકા ચુનારાવાડમાં રહેતાં હોઇ ત્‍યાં જતાં ટ્રેકટર ચોકમાં ઉભા હતાં ત્‍યારે એક્‍સેસ નં. જીજે૦૩ઇકયુ-૩૬૩૦ પર બે શખ્‍સો આવ્‍યા હતાં અને અમે પોલીસ છીએ, બહાર નીકળો, અહિ કેમ ઉભા છો, લાયસન્‍સ બતાવો...પોલીસ સ્‍ટેશને આવવું પડશે તેમ કહી રોફ જમાવ્‍યો હતો.

સગરામભાઇ અને વલ્લભભાઇએ દિકરીઓને છુટવાનો ટાઇમ થઇ ગયો છે. તેડવા જવામાં મોડુ થઇ જશે, તમે દંડ લઇ લ્‍યો...તેમ કહેતાં બીજા ત્રણ શખ્‍સો જીજે૦૩બીએસ-૭૪૨૬ નંબરના ટુવ્‍હીલર પર આવ્‍યા હતાં અને તેણે પણ પોલીસના મોટા સાહેબ હોવાની ઓળખ આપી દંડ ભરી આપો તેમ કહેતાં વલ્લભભાઇ પર્સમાંથી પૈસા કાઢતા હતાં ત્‍યારે ૯૦૦૦ની રોકડ સાથેનુ આખુ પર્સ ખેંચી લીધું હતું અને ભાગી ગયા હતાં.

આ ગુનામાં વાહન નંબરને આધારે ભેદ ઉકલી નૈતિક સાંગાણી સહિત પાંચેયને પકડી લેવાયા છે. કોવિડ ટેસ્‍ટ બાદ વિશેષ પુછતાછ માટે રિમાન્‍ડ મેળવવામાં આવશે. નૈતિક અગાઉ દારૂના ગુનામાં, મહેશ પણ દારૂના અને અમિત દારૂના ત્રણ ગુનામાં સંડોવાઇ ચુક્‍યો છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જી.એસ. ગઢવી,  હેડકોન્‍સ. ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ પરમાર, કોન્‍સ. નરસંગભાઇ ગઢવી, વિજયભાઇ મેતા, જયદિપભાઇ ધોળકીયા, યુવરાજસિંહ રાણા, સહદેવસિંહ જાડેજા અને રમેશભાઇ માલકીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. પકડાયેલા તમામ નશો કરવાની આદત ધરાવે છે. પીવાના ખર્ચા કાઢવા એકલ-દોકલ પરપ્રાંતિય પાસેથી અવાર-નવાર પૈસા પડાવી લેતાં હોવાની પણ શક્‍યતા હોઇ વિશેષ પુછતાછ થઇ રહી છે.

(3:01 pm IST)
  • અત્યારે રાત્રે 10:45 વાગે ઈન્સેટ તસવીરમાં સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર પ્રચંડ વાદળા છવાયેલા જોવા મળે છે. રાજકોટ ઉપર વાદળાઓની ભયંકર ગડગડાટી થઈ રહી છે.. access_time 11:04 pm IST

  • જેતપુર: જેતપુરથી ગોંડલ તરફ વીજળી ના કડાકા ભડાકા - પવન સાથે વરસાદ તૂટી પડયો છે. આખો દિવસ બફારો રહ્યા બાદ મેઘરાજાનું આગમન થતાં ગરમીમાંથી રાહત મળી છે : શહેરમાં બપોર સુધી ભારે બફારા બાદ ૩:૪૫વાગ્યા થી વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડયો હતો. વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા access_time 4:21 pm IST

  • બોલીવુડમાં હજુ કેટલી હત્યાઓ થશે ? : કેટલા યુવાનો ડ્રગ્સની લતનો ભોગ બનશે ? : કેટલી મહિલાઓની લાજ લુંટાશે ? : હાથમાં 3 પોસ્ટર સાથે ભાજપ સાંસદ અને ટી.વી.અભિનેત્રી રૂપા ગાંગુલી ( દ્રૌપદી ) ના મુંબઈ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર પ્રહારો access_time 12:53 pm IST